સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરતી સેલેના ગોમેઝનો ટ્રોલર્સને જોરદાર જવાબ
- 'મેં બહાદૂરીપૂર્વક ટીકાઓના જવાબ આપ્યા છે. હું મારા શરીર માટે શરમ અનુભવતી નથી. મારા જખમો કુરુપતાના નહીં, પણ મારી મક્કમતા અને લડતના પ્રતીક છે.'
ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝ લાંબા સમયથી તેના સંગીત અને અભિનય ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત પડકારો તેમજ સોશિયલ મીડિયા પર તેની સતત ટીકા કરનારાઓ સામેના પ્રતિકાર માટે ચર્ચામાં રહી છે.
આરોગ્ય વિષયક ગંભીર સંઘર્ષ કરી રહી હોવા છતાં ગોમેઝ સતત ઓનલાઈન બોડી-શેમિંગનો શિકાર બનતી રહી છે. ઓનલાઈન ટ્રોલરો તેના દેખાવ વિશે ટીકા કરીને તેના વજન અને ફિગર વિશે સતત બેહુદી ટિપ્પણીઓ કરતા રહે છે.
તાજેતરમાં લોસ એન્જલસમાં અમેરિકન ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે તેની નવી ફિલ્મ 'એમિલિયા પેરેઝ'ના પ્રીમિયર સમયે ગોમેઝ ફરી એકવાર ઓનલાઈન મશ્કરીનું લક્ષ્યાંક બની હતી. જોકે ગોમેઝે નીડર અભિગમ અપનાવીને પ્રામાણિકતા અને મક્કમતાથી અફવાઓ અને બોડી શેમિંગ કરનારાઓને જવાબ આપ્યા હતા.
'એમિલિયા પેરેઝ'ના પ્રીમિયર સમયે ગોમેઝની તસવીરોમાં તેણે પેટ પર હાથ મુકેલા જણાતા ઓનલાઈન અટકળો વહેતી થઈ. ટિપ્પણીકારોએ અનુમાન લગાવ્યું કે તેનો આ પોઝ તેની બોડીશેમિંગ ટીકાનો જવાબ છે.
પણ ગોમેઝે તુરંત આવી આધારવિહિન ધારણાઓ ફગાવતા તેના શરીર વિશે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરનારાની ઝાટકણી કાઢી હતી. ગોમેઝે કહ્યું કે આવી ટીકાઓથી મને ચીડ છે. મારા નાના આંતરડા પર ચેપ લાગ્યો છે અને તે અવારનવાર ઉથલો મારે છે. હું પૂતળી જેમ ઊભા રહેવાની પરવા નથી કરતી. મારું શરીર એવું નથી. હું કંઈ વિક્ટિમ જેવો અનુભવ નથી કરતી, હું માત્ર એક મનુષ્ય છું.
ગોેમેઝનું આ નિવેદન આત્મવિશ્વાસસભર હતુ, કારણ કે તેણે પોતાના શરીર માટે શરમ અનુભવવાનો ઈન્કાર કર્યો હતો. ગોમેઝનો નાના આંતરડાના ચેપ સાથેનો સંઘર્ષ તેની લુપસ, બાયપોલર વિકૃતિ જેવી અનેક આરોગ્ય સમસ્યાઓ પૈકીનો એક છે જેની ચર્ચા તે ખુલ્લા મનથી જાહેરમાં અનેક વર્ષોથી કરતી રહી છે અને જેની અસર તેના અંગત અને વ્યાવસાયિક જીવન પર પડતી રહી છે.
ગોમેઝ માટે સૌથી પીડદાયક પડકાર ત્યારે સર્જાયો જ્યારે તબીબી કારણોસર તેને માતા બનવા અસક્ષમ જાહેર કરાઈ. પીડાદાયક સમયમાંથી પસાર થઈ રહેલી ગોમેઝ માટે આ સમાચાર અત્યંત દુઃખદાયક હતા અને તેને પોતાના ભાવિ માટે ચિંતા સતાવતી હતી.
૨૦૧૩ ગોમેઝને ઓટોઈમ્યુન બીમારી લુપસનું નિદાન થયું હતું જેમાં તેણે કીમોથેરપી લેવી પડી હતી અને પછી ૨૪ વર્ષની વયે તેણે કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડયું હતું. લુપસની સમસ્યાને કારણે શારીરિક અને માનસિક સ્થિતિ ગંભીર બનવાથી ગોમેઝે અનેકવાર જાહેર જીવનથી દૂર રહેવું પડયું હતું. લુપસ ઉપરાંત ગોમેઝએ ૨૦૨૦માં બાયપોલર વિકૃતિ વિશે પણ ખુલાસા કર્યા હતા અને પોતાના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરીને માનસિક આરોગ્ય વિશેની ચર્ચાઓને પ્રોત્સાહન આપવા જાગૃકતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો.
૨૦૧૭માં ઓસ્ટ્રેલિયામાં વેકેશન દરમ્યાન પાપારાઝીએ તેની બિકિનીમાં તસવીરો ઝડપીને કિડની પ્રત્યારોપણના જખમો દર્શાવ્યા હતા. ત્યારે પણ ઓનલાઈન ટીકાકારોએ તેની સર્જરીની અવગણના કરીને તેના ફિગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે વખતે પણ ગોમેઝે બહાદૂરીપૂર્વક ટીકાઓના જવાબ આપીને સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાના શરીર માટે શરમ નથી અનુભવતી અને તેના જખમો કુરુપતાના નહિ, પણ તેની મક્કમતા અને લડતના પ્રતીક છે.