સારા અલી ખાન ચકલી નાની ને ફૈડકો મોટો
સારા અલી ખાન તાજેતરમાં પોતાના જૂના વિવાદ વિશે એકદમ તાજી સ્પષ્ટતા કરી રહી છે. એ હજુ બોલિવુડમાં પગ માંડે તે પહેલાં જ એના પર પાંચ કરોડ રૂપિયાનો નુક્સાનીનો કેસ થઈ ગયો હતો! સારાએ તેના વિશે મોકળા મને વાતો કરી હતી. હુઆ યું કિ એની સૌથી પહેલી ફિલ્મ 'અમરનાથ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. એના ડિરેક્ટર હતા અભિષેક કપૂર. સારાને રોહિત શેટ્ટીની 'સિમ્બા' પણ મળી ગઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ પણ સમાંતરે શરૂ થઈ ચૂક્યું હતું. બન્યું એવું કે શેડયુલિંગમાં કશીક ગરબડ થઈ ગઈ અને બન્ને ફિલ્મોના શૂટિંગ ઓવરલેપ થઈ ગયા. 'અમરનાથ' માટે ફાળવેલા ચારથી પાંચ દિવસો દરમિયાન સારાએ 'સિમ્બા'નું શૂટિંગ પણ કરવું પડે તેમ હતું. સારાએ સંભવત: 'સિમ્બા'ને પ્રાયોરિટી આપી, પરિણામે 'અમરનાથ'ના નિર્માતાઓએ એના પર પાંચ કરોડ રૂપિયાનો નુક્સાનીનો કેસ ઠોકી દીધો. ખેર, પછી બન્ને ફિલ્મોના મોટાં માથાં મળ્યાં અને ડેટ્સમાં પડી ગયેલી ગૂંચ ઉકેલી નાખી. સદભાગ્યે બન્ને ફિલ્મો હિટ થઈ, પણ તમે જરા કલ્પના કરો, જે હિરોઈનની હજુ સુધી એક પણ ફિલ્મ આવી નહોતી તેના સમય માટે બોલિવુડના બબ્બે મોટા ડિરેક્ટરો બાખડી રહ્યા હતા! ખેર, આ તો ભૂતકાળની વાત થઈ. ભવિષ્યની વાત કરીએ તો સારા હવે ત્રણ ફિલ્મોમાં દેખાવાની છે - 'મેટ્રો - ઇન દિનોં', 'સ્કાયફોર્સ' અને સંભવત: 'ઇગલ'.'સ્કાયફોર્સ'ના ડિરેક્ટર છે સંદીપ કેવલાણી અને અભિષેક અનિલ કપુર. ફિલ્મનો હીરો અક્ષયકુમાર છે. અક્ષયકુમારની આગલી ફિલ્મોની માફક આ પણ દેશભક્તિની ભાવના પ્રદીપ્ત કરતી ફિલ્મ છે. ૧૯૬૫માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધનું પશ્ચાદ્ભૂ છે. ભારતીય એરફોર્સે પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર અટેક કર્યો હતો તે ઘટનાક્રમ આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે. મોટે ભાગે ઓક્ટોબરમાં આ ફિલ્મ રિલીઝ થશે એવી ધારણા છે.
'મેટ્રો... ઇન દિનોં' એ જૂની 'લાઇફ ઇન અ મેટ્રો' (૨૦૦૭)ની સિક્વલ છે. આગલી ફિલ્મની જેમ 'મેટ્રો... ઇન દિનોં'માં પણ અલગ અલગ ચારથી પાંચ કથાઓને વણી લેવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્ટર પણ અનુરાગ બાસુ જ છે. કાસ્ટિંગ તોતિંગ છે. સારા ઉપરાંત અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, આદિત્ય રોય કપૂર, કેકે મેનન, કોંકણા સેન શર્મા, ફાતિમા સના શેખ, નીના ગુપ્તા અને રાહુલ બોઝ પણ ફિલ્મમાં છે.
સારાની 'ઇગલ' વિશે હજુ ખાસ વિગતો બહાર આવી નથી. ખેર, સારાની આ આ આગામી ત્રણ ફિલ્મોના શૂટિંગમાં પણ 'અમરનાથ'-'સિમ્બા' જેવી ગૂંચ ન પડે તો સારું!