સાન્યા મલ્હોત્રાનું સમીકરણ ઉત્તમ પટકથા + પ્રતિભાશાળી દિગ્દર્શક = સફળતા!

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
સાન્યા મલ્હોત્રાનું સમીકરણ ઉત્તમ પટકથા + પ્રતિભાશાળી દિગ્દર્શક = સફળતા! 1 - image


વ ર્સેટાલિટી અને ઊંડાણ માટે જાણીતી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા ભારતીય ફિલ્મ જગતનું એક તેજસ્વી નામ છે તે બધા સ્વીકારે છે. 'કટહલ', 'લવ હોસ્ટેલ', 'સેમ બહાદુર' તેમજ 'જવાન' જેવા વૈવિધ્યસભર ફિલ્મો કરનારી સાન્યાએ મેઇનસ્ટ્રીમ અને ઓફબીટ સિનેમા વચ્ચે સરસ રીતે સંતુલન જાળવી રાખ્યું છે. 'આ સંતુલન માત્ર ટાઇમ મેનેજમેન્ટ પૂરતુ મર્યાદિત નથી, આ તો પળેપળ સભાનતા જાળવી રાખવાની વાત છે,' સાન્યા કહે છે. પોતાની કરીઅરની વાત કરતી વખતે સાન્યાની આંખોમાં ચમક આવી જાય છે. ખાસ કરીને 'જવાન'માં શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ તેના માટે સપનું સાકાર થવા સમાન હતો. 

'શાહરૂખસર હંમેશા મારા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે,' સાન્યા કહે છે, 'તમે વિચારો. દિલ્હીનો એક છોકરો, જેને ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી, તે મુંબઈ આવે છે અને જોતજોતામાં બોલિવુડનો બાદશાહ બની જાય છે! એમની સાથે કામ કરવું તે મારા જીવનનું એક મહત્ત્વનું સીમાચિહ્ન છે.'

હિન્દી સિનેમાના તમામ કલાકારોએ ચઢાવ-ઉતારનો સામનો કરવો પડયો છે અને સાન્યા તેમાં કોઈ અપવાદ નથી. એ કહે છે, 'પ્રત્યેક અનુભવ, પછી તે સારો હોય કે નરસો, એ આપણા માણસ તરીકેના વિકાસને વેગ આપે છે. જીવનમાં બનતી પ્રત્યેક ઘટના આપણને બહેતર અને મજબૂત બનાવવા માટે જ બનતી હોય છે. મેં પણ ઘણો સંઘર્ષ કર્યો છે. કેટલીય વાર મને મારી જાત પર, મારી ટેલેન્ટ પર શંકા જાગતી. ઘણી વાર એવું બનતું કે મને અમુક રોલ ઓફર થાય, પણ તે કરવા બાબતે મને અંદરથી ખાતરી ન હોય. આવી સ્થિતિમાં હું અવઢવમાં મુકાઈ જતી.' 

સાન્યાને 'પગલૈત' ઓફર થઈ ત્યારે પણ શંકા હતી કે હું આ જવાબદારી ઉપાડી શકીશ કે કેમ, પણ પ્રોડયુસરો ગુનીત મોંગા અને અચિન જૈનને તેના પર પૂરો વિશ્વાસ હતો. આ વિશ્વાસે જ સાન્યાને રોલ સ્વીકારવાની હિંમત આપી. 'પગલૈત' સાન્યાની કારકિર્દીની મહત્ત્વની ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મથી તેના માટે નવી તકો ખુલી ગઈ. આ ફિલ્મે સાન્યાને એક વર્સેટાઈલ અને પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે સ્થાપિત કરી દીધી. સાન્યા માટે ૨૦૨૩નું વર્ષ વ્યાવસાયિક સ્તરે બહુ મહત્ત્વનું સાબિત થયું. સાન્યા રમૂજમાં ૨૦૨૩ને 'ફળદ્રૂપ' વર્ષ તરીકે ઓળખાવે છે, કારણ કે આ જ વર્ષે તેની ફિલ્મ 'કટહલ' (ફણસ) હિટ ગઈ હતી. 'જવાન' અને 'સેમ બહાદૂર' પણ આ જ વર્ષે રિલીઝ થઈ. એને એક પછી એક અન્ય પાંચ ફિલ્મોની ઓફર મળી. આ ફિલ્મોના શૂટિંગમાં એ એટલી બિઝી રહી કે બીજી કોઈ વસ્તુ માટે એની પાસે સમય જ ન રહ્યો. જોકે સાન્યાને તેનો કોઈ અફસોસ નથી. મનગમતા કામમાં વ્યસ્ત રહેવા મળે ત્યારે અફસોસ શાનો? ૨૦૨૩માં જ સાન્યાને 'કટહલ' માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જોકે બહેનનાં લગ્ન હોવાથી એ ફિલ્મફેરની અવોર્ડ સેરિમનીમાં હાજર રહી શકી નહોતી.

'હવે રોલ પસંદ કરવાની મારા અભિગમમાં ફેરફાર થઈ રહ્યો છે,' સાન્યા કહે છે, 'મારા માટે હવે પટકથા જ ફિલ્મનો ખરો હીરો છે. સ્ક્રિપ્ટ વાંચતી વખતે જ મને અહેસાસ થઈ જાય છે કે મારે આ ફિલ્મનો હિસ્સો બનવું છે કે નહીં. અલબત્ત, પટકથા ઉપરાંત દિગ્દર્શક, સહકલાકારો અને પ્રોજેક્ટ સમગ્રપણે કેવો દેખાઈ રહ્યો છે તે પણ હું જોઉં છું.'

સાન્યાને મેઘના ગુલઝારની 'સેમ બહાદુર' ફિલ્મથી ઘણો આત્મસંતોષ મળ્યો હતો. મેઘના હંમેશા સાન્યાના મનપસંદ દિગ્દર્શકોની યાદીમાં ટોચ પર હતી. સાન્યાને મેઘના સાથે કામ કરવાની તક મળી ત્યારે સ્વાભાવિકપણે જ એ રાજી રાજી થઈ ગઈ હતી. સારી પટકથા અને પ્રતિભાશાળી દિગ્દર્શક સાથે કામ કરવાની સાન્યાની થિયરી નિશ્ચિતપણે સફળ થતી દેખાય છે. સાન્યાની હવે પછીની ફિલ્મો એટલે 'બેબી જોન', 'સની સંસ્કારી કી તુલસી કુમારી', અનુરાગ કશ્યપની એક અનટાઇટલ્ડ ફિલ્મ અને તમિલભાષી 'ઠગ લાઇફ'. 

ગ્રેટ ગોઇંગ, ગર્લ! 


Google NewsGoogle News