સાન્યા મલ્હોત્રાને ગુજરાતી નાટકોમાં કામ કરવું છે!

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
સાન્યા મલ્હોત્રાને ગુજરાતી નાટકોમાં કામ કરવું છે! 1 - image


- 'મને તો કેમેરાની સામે ઊભાં રહીને એક્ટિંગ કરવામાં રસ છે.  હા, ક્યારેક હું પ્રાદેશિક ફિલ્મમાં પણ કામ કરીશ. મને ગુજરાતી આવડતું નથી, પણ મારા માટે એ શીખવું મુશ્કેલ નહીં હોય.'

શા હરૂખ ખાનની 'જવાન' ફિલ્મ હિટ જતાં સાન્યા મલ્હોત્રા સાતમા આસમાનમાં વિહરી રહી છે. સાન્યા મોજથી કહે છે, 'બોલિવુડમાં મારી એન્ટ્રી 'દંગલ'માં આમીર ખાનની સાથે થઈ હતી... ને હવે મેં શાહરૂખ ખાન સાથે સુપર હિટ ફિલ્મ આપી છે. હું આશા રાખું છું મને ત્રીજા ખાન સલમાન સાથે પણ કામ કરવાની તક પણ જલદી મળી જાય!' 

'આરઆરઆર' ફિલ્મ ઓસ્કર વિજય આપણે ભૂલ્યા નથી. હવે આ વર્ષ મલયાલમ ફિલ્મ '૨૦૧૮: એવરીવન ઇઝ અ હીરો'ને ભારતની પ્રતિનિધિ ફિલ્મ તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. આમ, પ્રાદેશિક ફિલ્મો ઓસ્કરમાં જવા માંડી છે ત્યારે સાન્યાને સવાલ કરવામાં આવ્યો કે તું ક્યારે પ્રાદેશિક ફિલ્મોમાં કામ કરીશ ખરી? એ કહે છે, 'મને તો કેમેરાની સામે ઊભાં રહીને એક્ટિંગ કરવામાં રસ છે. હા, કોઇક દિવસ હું પ્રાદેશિક ફિલ્મમાં પણ કામ કરીશ. પ્રાદેશિક કથાવસ્તુઓની વાત કરીએ તો ગુજરાતી નાટકો સરસ ચાલે છે અને મેઇનસ્ટ્રીમ કમર્શિયલ નાટકો તો કમાણી પણ કરે છે. મને ગુજરાતી આવડતું નથી પણ મારા માટે એ શીખવું મુશ્કેલ નહીં હોય. તક મળે તો મારે ગુજરાતી નાટકમાં પણ કામ કરવું છે.'  

ગુજરાતી નાટકો પર વારી ગયેલી આ પંજાબી કુડીની હિન્દી ફિલ્મ 'મિસિસ' ટોલિન બ્લેક નાઇટ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં  રજૂ થવાની છે. આમ, ઓસ્કર ભલે દૂર રહ્યો પણ સાન્યાની ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રિમિયર માટે પસંદગી પામી એ પણ એના માટે તો આનંદની વાત છે. મૂળ મલયાલમ ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'ની હિન્દી રી-મેક 'મિસિસ'નું નિર્દેશન આરતી કડવે કર્યું છે. આ ફિલ્મમાં સાન્યાના સસરાની ભૂમિકામાં કંવલજિત સિંહ છે. ફિલ્મમાં પુરૂષપ્રધાન સમાજમાં નવી આવેલી વહુના સપનાં કેવી રીતે દફનાવાઇ જાય છે તેનું બયાન થયુ ં છે. 'મિસિસ'માં સાન્યાના પાત્ર પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે દિવસમાં ત્રણ વાર તાજી  રસોઇ કરીને પરિવારને જમાડે. તેમાં પણ તેના સસરાનો મિજાજ એવો છે કે એક વાર એ બોલાવે એટલે જવાબ આપવો જ પડે. નૃત્યાંગના તરીકે પોતાના સપનાં ભૂલીને નવી વહુ પરિવારની ચાકરી કરતી રહે તેવી શ્વસુરની અપેક્ષા છે. એમાંય જ્યારે એેને એનો પતિ સસરાના પગે પડવાનું કહે છે ત્યારે સાન્યા બળવો પોકારી ડાયલોગ ફટકારે છે: નહીં પગે લાગું, ક્યા કર લોગે? મૂળ મલયાલમ ફિલ્મમાં વહુની ભૂમિકા નિમિષા સંજયને ભજવી છે. હિન્દીમાં આ રોલ સાન્યાએ કર્યો છે.  

દિવાળી, બસ, સામે ઊભી છે ત્યારે સાન્યાને પૂછવામાં આવે છે કે તહેવારોની ઉજવણીનું કોઈ વિશેષ આયોજન કર્યું છે કે? 'તહેવારો હોય કે ન હોય મને સારાં વસ્ત્રો પહેરીને મહાલવું ગમે છે. હું તો આડે દિવસેય ઝુમખાં અને બંગડીઓ પહેરીને ફરતી હોઉં છું. તહેવાર હોય ત્યારે તો મને તૈયાર થવાનું વિશેષ ગમે. હું સામાન્ય રીતે તહેવારોમાં સુંદર સાડી પહેરું છું અને માથામાં ગજરો પણ લગાવું છું. મને સાડી અને કુર્તા સૂટ પહેરવાનુે ફાવે છે અને ઘણીવાર હું અંબોડો પણ વાળી લઉં છું. હું કશું ન કરતી હોઉં અને ઘરે એમ જ બેસી રહી હોઉંં ત્યારે પણ મને સુંદર વસ્ત્રો પહેરી મહાલવાનું ગમે છે,' સાન્યા કહે છે. 

તહેવારોની વાત નીકળી હોય અને ખાવાપીવાનો ઉલ્લેખ ન થાય એવું તો ન બને. સાન્યા એક નંબરની ખાધોડકી છે. એ કહે છે,'મને ખાવાની મોજ પડે છે. મને કંઈ પણ ખાવામાં કોઇ છોછ નથી. જેની ઇચ્છા થાય તે હું ખાઇ લઉં છું. તહેવારોમાં હું ખાવા-પીવાના મામલે કોઇ પાબંદી પાળવાની નથી.'

સાન્યા 'જવાન' જેવી હિટ ફિલ્મ કરીને બેઠી છે. એ અત્યારે ખાઈ પીને મોજ નહીં કરે તો ક્યારે કરશે!  


Google NewsGoogle News