Get The App

સંજુબાબા: અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
સંજુબાબા: અપુન બોલે તો આમ જનતા કા એક્ટર! 1 - image


સં જય દત્ત પાંસઠ વરસની પાકટ વયે પણ ડિમાંડમાં છે. એની ડેટ્સની ડાયરી ફૂલ છે. ચાર દશક લાંબી ઇનિંગ પછી એને ફિલ્મમેકર્સ પાસે કામ માગવા જવું નથી મડતું. દત્ત બોલીવૂડ જ નહિ, સાઉથની પણ 'કેજીએફ: ચેપ્ટર ટુ' જેવી મોટી ફિલ્મો કરી રહ્યો છે. એનું કારણ આપતા દત્ત કહે છે, 'મને એક્ટિંગનું પેશન છે અને એક્ટરનું પેશન કદી મરતું નથી. એને લીધે જ મારો ઉત્સાહ, મારો જુસ્સો અકબંધ રહ્યો છે અને મારી કરિયરની ગાડી દોડે રાખે છે.'

ચાલીસ વરસથી વધુ લાંબી કરિયરમાં સંજુબાબાએ લગભગ ૧૪૦ ફિલ્મો કરી છે અને પોતાના બહોળા અનુભવના આધારે એ કબુલે છે કે ઇન્ડસ્ટ્રીમાં બૉક્સ ઑફિસ કલેક્શન અગત્યનું છે, પરંતુ એ બૉક્સ ઑફિસના આધારે એક્ટર તરીકે પોતાનું મૂલ્યાંકન નથી ઇચ્છતો. 'એક તબક્કા બાદ તમે એ મૂલ્યાંકનના સ્ટેજને વટાવી જાવ છો. માનું છું કે બૉક્સ ઑફિસ અને ક્રિટિક્સ (સમીક્ષકો) મહત્ત્વના છે, પણ દર્શક બધાથી સર્વોપરિ છે. પિક્ચર ચલે ના ચલે, લોગોં કો આપકા કામ પસંદ આના ચાહિયે. આજે પણ હું સારા રોલ્સની તલાશમાં રહું છું. એક એક્ટર માટે એનું પરફોર્મન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પણ પાત્ર ભજવીએ, પ્રેક્ષકો દ્વારા એની સરાહના થવી જોઈએ. ઔર મેરે લિયે તો વો સબસે બડા રિવોર્ડ હૈ,' એમ વર્સેટાઈલ એક્ટર કહે છે.

સંજયે હજુ સુધી ઓટીટી પર એન્ટ્રી નથી લીધી એ ખરેખર નવાઈની વાત કહેવાય. એનું કારણ આપતા દત્ત કહે છે, 'ઓનેસ્ટલી કહું તો મુઝે અભી તક ઓટીટી કી ઑફર્સ મિલી હી નહીં હૈ. હું આ નવા મીડિયમમાં કામ કરવા તૈયાર છું, પણ બધુ રોલ પર ડિપેન્ડ કરે છે.'

સવાલ એ છે કે સંજુ હવે કેવી ભૂમિકાઓ કરવા ઇચ્છે છે? એ વિશે દત્તના વિચારો એકદમ ક્રિસ્ટલ ક્લિયર (સ્પષ્ટ) છે, 'હું એક મેસી એક્ટર બની રહેવા માગું છું. જનતા જનાર્દનનો  પોતાનો અભિનેતા. હું કાયમ એક માસ-ઓરિયન્ટેડ એક્ટર રહ્યો છું. આય એમ અ મેસી એક્ટર. હું એ જ બની રહેવા ઇચ્છું છું. હું એમ નથી કહેતો કે બીજા પ્રકારનું સિનેમા નકામું છે, પરંતુ આપણી ફિલ્મોનું ૯૦ ટકા ઓડિયન્સ આમ જનતા છે. આપણે એમનું એન્ટરટેઈનમેન્ટ કરવાનું છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ જ કરે છે. એમણે માસ ઓડિયન્સને ભૂલાની નથી દીધું. યહાં પે (મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં) થોડી ગડબડ હો ગઈ હૈ, પરંતુ મને વિશ્વાસ છે કે બોલીવૂડ ત્યાં જ પાછું ફરશે.'

બીજા સેકટર્સની જેમ ફિલ્મ નિર્માણના ફિલ્ડમાં પરિવર્તન આવ્યું છે. એની નોંધ લેતા સંજય કહે છે, 'ફિલ્મમેકિંગ આજે વધુ પ્રોફેશનલ બની ગયું છે. અગાઉ ઘણું બધુ બોન્ડિંગ (એકબીજા સાથેનું સંધાન) હતું. પ્રોડક્શન યુનિટ અને એકટર્સ વચ્ચે ઘણી વાતચીત થતી. સેટ પર એક જુદો જ માહોલ રહેતો. આજે એક્ટર એક શોટ આપીને પોતાની વેનિટી વેનમાં ભરાઈ જાય છે, પરંતુ હું જાણું છું કે બધાએ સમય સાથે ચાલવું પડે છે. અલબત્ત, મને એ ભૂતકાળના દિવસો બહુ ગમે છે એટલા માટે કે અમે દિલથી કામ કરતા.'

સંજુબાબા સાથેનો કોઈ ઇન્ટરવ્યૂ એવી પૂછપરછ વિના પૂરો નથી થતો કે 'મુન્નાભાઈ' બિગસ્ક્રીન પર ક્યારે પાછે કરવાના છે? એની ઇન્કવાયરી સામે અણગમો દર્શાવતા એક્ટર એમ કહી સમાપન કરે છે કે 'વો રાજુ હિરાની (મુન્નાભાઈના મેકર રાજકુમાર હિરાની) સે પૂછિયે. હું પણ એને પૂછીપૂછીને કંટાળી ગયો છું કે આપણે મુન્નાભાઈનો ત્રીજો ભાગ ક્યારે શરૂ કરીશું?'


Google NewsGoogle News