Get The App

સંજય મિશ્રા મેથડ એક્ટિંગના મહારથી બની ગયા છે

Updated: Feb 9th, 2023


Google NewsGoogle News
સંજય મિશ્રા મેથડ એક્ટિંગના મહારથી બની ગયા છે 1 - image


- 'હવે કોઇ દિગ્દર્શક મને મારા સંવાદો યાદ કરવા કે દ્રશ્યનું રિહર્સલ કરવાનું કહેતા નથી.'

હિ ન્દી ફિલ્મ જગતે ઘણાં વરસે સંજય મિશ્રા નામના બહુમુખી પ્રતિભા ધરાવતા અદાકારની કદર કરી છે.  સંજય સિંહ એટલે ૧૯૯૯ના ક્રિકેટ વિશ્વ કપનો એપલ  સિંહ. ૧૯૯૯ના   ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન ટીવી પર જે મજેદાર જાહેર ખબરો  રજૂ  થતી હતી તેમાં એપલ સિંહ પ્રસિદ્ધ  ક્રિકેટરો સાથે  મજાક-મસ્તી  કરતો રહેતો. માથે  રંગબેરંગી ફાળિયું બાંધીને અને  અસલ ભારતીય અંગ્રેજી બોલીને  એપલ  સિંહે  ૧૯૯૯ના  ક્રિકેટ વિશ્વ કપને  ભરપૂર પ્રસિદ્ધિ અપાવવામાં મોટું અને  મહત્વનું યોગદાન આપ્યું હતું.

આજે જોકે  આ જ એપલ  સિંહ બોલિવુડનો સન્માનિય અભિનેતા બની ગયો છે. ટીવીના ટચુકડા પડદા  પરની  નાની નાની જાહેરખબરોમાં કામ કરીને  અને સખત સંઘર્ષ  કરીને સંજય સિંહે બોલિવુડના મોટા-વિશાળ  પડદા સુધી પહોચી શક્યો છે.   આજે   બોલિવુડના મોટાગજાના અને મોટાં બેનરના  નિર્માતાઓ અને  દિગ્દર્શકો સંજય સિંહને સર  કહીને  બોલાવતા થઇ ગયા છે.  

હજી હમણાં જ રજૂ થયેલી  બોલિવુડના સુપરહીટ ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની  બીગ બજેટ  સર્કસ ફિલ્મમાં રાય બહાદુરની ભૂમિકા માટે સંજય સિંહ પર જાણે કે પુષ્પ વર્ષા થઇ રહી હોવાના  સમાચાર વહેતા થયા છે. વાત જાણે એમ છે કે  રોહિત શેટ્ટીના  સર્કસના બધા ખેલ કોઇક  કારણસર અવળા ફાટયા હોય તેમ   ફિલ્મને દર્શકોએ વધાવી નહીં કે વખાણી પણ નહીં.આમ છતાં અમુક વેબ સાઇટ પર પ્રસિદ્ધ  થયેલા બોલિવુડના સમાચારોમાં   સર્કસ ફિલ્મનો ખરો હીરો રણવીર સિંહ નહીં પણ  સંજય સિંહ છે એવો ઉલ્લેખ થયો હોવાની  ચર્ચા વહેતી થઇ  છે.

બોલિવુડનાં સૂત્રોના કહેવા મુજબ  સંજય સિંહ માટે તો આવી પ્રશંસા બહુ બહુ મોટું  સન્માન ગણાય. 

મૂળ બિહારના દરભંગા શહેરના વતની અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એન.એસ.ડી.-દિલ્હી)નો વિદ્યાર્થી સંજય સિંહ કહે છે, 'મારી અભિનય કારકિર્દીમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા છે. મેં શરૂઆતના તબક્કે   ટીવી પરની નાની નાની  જાહેરખબરોમાં કામ  કર્યું છે. ક્યારેક તો તે ટીવી જાહેરાતોમાં  મારી સાથે બોલીવુડનાં મોટાં અને પ્રસિદ્ધ કલાકારો પણ રહેતાં.હું  તેમની સાથે  કામ કરતી  વખતે જબરી દ્વિધા અનુભવતો.   આમ છતાં હું  મારું  પાત્ર  પૂરી ઇમાનદારી અને લગનથી  ભજવતો.   હું એન.એસ.ડી.ના   વિદ્યાર્થી હોવાથી  સુપેરે  જાણતો હતો કે  કેમેરા કોઇ કરતાં કોઇનો  ભાઇબંધ નથી.  કેમેરા   કોઇની શરમ  પણ નથી રાખતો.  બધું   સાચ્ચેસાચું    કહી દે અને બતાવી પણ  દે.' 

 ફિલ્મ 'ઓહ   ડાર્લિંગ યહ હૈ ઇન્ડિયા' (૧૯૯૫)થી બોલિવુડમાં  પા પા પગલી ભરનારા સંજય સિંહ  કહે છે, 'હું  મારા પાત્રને સંપૂર્ણ   ન્યાય આપવા   ભરપૂર  મહેનત કરું છું. જરાય કચાશ નથી રાખતો. ફોડ પાડીને કહું તો હું મારી ભૂમિકાને આત્મસાત કરવા મારી પોતાની જાતને  કે વ્યક્તિત્વને ભૂલી  જાઉં છું.  હું  સંજય સિંહ નથી રહેતો અને મારી  ભૂમિકામાં રસતરબોળ  થઇ જાઉં છું.' 

સત્યા, રાજકુમાર, ઓલ ધ બેસ્ટ, ફંસ ગયે રે ઓબામા, ગોલમાલ : ફન અનલિમિટેડ, ધમાલ ,  ઝમીન, ચરસથી   લઇને   આંખો દેખી વગેરે   મજેદાર હિન્દી   ફિલ્મોમાં જુદાં જુદાં પાત્રો  ભજવીને દર્શકોનો અને બોલિવુડના   નિર્માતા-દિર્ગ્દર્શકોનો   માનીતા   બની ગયેલા સંજય સિંહ કહે  છે, 'મેંં હિન્દી  ફિલ્મ જગતમાં   પ્રવેશ કર્યો   ત્યારે   નાની નાની  ભૂમિકાઓ   ભજવતો. તે વખતે સલમાન ખાન બોલિવુડનો જાણીતો  સ્ટાર  બની ગયો હતો. શાહ રૂખ ખાન  ઇડીયટ નામની ટીવી સિરિયલમાં  કામ કરતો હતો. મારો પોતાનો કોઇ જ   પરિચય નહોતો.  આજે  ૩૦-૩૫ વર્ષના લાંબા સમયગાળા   બાદ  જોકે  સમયનું ચક્ર ફરતું   ફરતું    જાણે કે ઉપર આવ્યું   છે. નિર્માતા-દિગ્દર્શકો તેમની નવી અને કંઇક   અનોખા વિષય    વસ્તુવાળી    ફિલ્મમાં કામ કરવા મને સપ્રેમ નિમંત્રણ આપે છે.'

સાચી વાત છે. આજે નિર્માતા-દિગ્દર્શકો સંજય સિંહને  જાહેરમાં   સંજય સર   કહીને બોલાવે છે. સંજય સિંહની  ફિલ્મ કારકિર્દી  માટે આ બહુ  મોટું  પરિવર્તન અને મોટું સન્માન પણ  છે. 

વધ ફિલ્મના નિર્માતા અંકુર ગર્ગ બહુ મહત્વનો  મુદ્દો રજૂ કરતાં કહે છે, 'જુઓ ,મારા મત મુજબ આજે બોલિવુડમાં મેથડ એક્ટરનો સમય  છે. મેથડ એક્ટર એટલે એવાં અભિનેતા-અભિનેત્રી જે પોતાના પાત્ર સાથે એકાકાર થઇ જાય. પોતાની ભૂમિકાને પડદા પર સજીવન  કરી દઇને દર્શકોને   ભાવવિભોર  કરી દે. સંજય સિંહ આવા  જ મેથક એક્ટર છે.'

સંજય સિંહે તેના વતન દરભંગા (બિહાર)ની શાળામાં નાટકોમાં વિવિધ પાત્રો  ભજવ્યાં છે.  સમય જતાં  દરભંગાના નાટયગૃહમાં પણ  યોજાતાં નાટકોમાં સક્રિય હિસ્સો લીધો   હતો. ઉપરાંત, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એન.એસ.ડી.-દિલ્હી)માં અભિનયના પાઠ ભણીને બહોળો   અનુભવ લીધો છે. એન.એસ.ડી.માં સંજય સિંહ સાથે આલા દરજ્જાનો  અભિનેતા સ્વ. ઇરફાન ખાન, સૌરભ શુકલા, કુમુદ મિશ્રા વગેરે સાથી વિદ્યાર્થીઓ હતા. 

આમ તો સંજય સિંહનાં રૂપરંગ  જરાય બોલિવુડના હીરો જેવાં નથી. ફોડ પાડીને કહીએ તો સંજય સિંહ નથી રૂપાળા, આકર્ષક, ઉંચો કે નથી તે આજના નવા જમાનાનો અચ્છા ડાન્સર. 

ગોલમાલઃ ફન અનલિમિટેડ અને ધમાલ જેવી કોમેડી  ફિલ્મોમાં પણ હાસ્યનો ધોધ વહાવી ચૂકેલા સંજય સિંહ પૂરી નમ્રતાથી કહે છે, 'સાચી વાત છે. મારા જૂના -ગાઢ મિત્રો દેખાવમાં રૂપકડા, ઉંચા, આકર્ષક છે. આજે આ બધા મિત્રો બોલિવુડના હીરો બની ગયા છે. જોકે હું હિન્દી ફિલ્મ જગતના હીરો જેવો જરાય નથી એ વાત સાચી, પણ વધુ મોટી અને મહત્ત્વની વાત તો એ છે   કે હું  અહીં એવાં પાત્રો કે ભૂમિકાઓ  ભજવવા આવ્યો છું જેના પર આખા બોલિવુડનો આધાર છે. જરા, વિચારો, બધાં હીરો-હીરોઇન બનશે કે  ચરિત્ર  અભિતેના કોણ બનશે ?    ચરિત્ર   ભૂમિકાઓ ભજવીેને  આખી ફિલ્મનો ભાર કોણ ઉપાડશે?   દર્શકોનાં   મન-હૃદયને   ભીનોં કોણ કરશે?' 

સંજય સિંહ એક યાદગાર કિસ્સો કહે છે, 'બોલિવુડના અચ્છા દિગ્દર્શક તિગ્માંશુ  ધુલિયાએ તેની નવી ફિલ્મ ચરસ(૨૦૦૪)માં મને અંધ માનવીની ભૂમિકા માટે આમંત્રણ આપ્યું હતું. આ પાત્ર વિશે અમે  બંનેએ  ચર્ચા કરી. તિગ્માંશુએ કહ્યું, સંજય,  મારા મતે  બોલિવુડમાં આ જ દિવસ સુધીમાં અંધજનની સાવ સાચુકલી અને હૃદયસ્પર્શી ભૂમિકા ફક્ત એ.કે.હંગલ સાહેબે જ ભજવી છે. સુપરહીટ ફિલ્મ શોલેના  ઇમામ સાહેબને જરા યાદ કરો તો મારી વાત બરાબર સમજાઇ જશે. બસ, તું, મારી ચરસ ફિલ્મમાં  અંધ વ્યક્તિની  આવી જ અસરકારક ભૂમિકા ભજવીને  તારી અભિનય શક્તિનો ચમકારો બતાવી દે.'

સંજય સિંહ તેના હાલના તેની અભિનય  કારકિર્દીના સુવર્ણકાળ વિશે પૂરી નમ્રતાથી કહે છે, 'આજે   ફિલ્મના સેટ પર નિર્માતા-દિગ્દર્શક સહિત મારાં નવા જમાનાનાં સાથી કલાકારો   મારું આદર- સન્માન કરે છે. વળી, સૌથી મોટું સન્માન તો એ છે કે હવે કોઇ દિગ્દર્શક મને મારા સંવાદો યાદ કરવા કે દ્રશ્યનું રિહર્સલ કરવા  નથી કહેતા. હવે તેઓ બરાબર  સમજી  ગયાં છે કે સંજય સિંહની સંવાદો બોલવાની  તથા પોતાના પાત્રને ન્યાય આપવાની રીત બહુ વિશિષ્ટ અને અસરકારક  છે.'   


Google NewsGoogle News