સંજય કપૂર : ફિલ્મ પરિવારનો હોવા છતાં મને કામ કેમ ન મળ્યું?
- 'મારી દીકરી શનાયા અભિનયની કારકિર્દીની અનિશ્ચિતતા ખમી શકે એટલી સ્માર્ટ છે. એણે મારી કરીઅરના ચડાવઉતાર જોયાં છે. મેં તેને માત્ર એટલી જ શીખામણ આપી છે કે તારે મહેનત કરવામાં પાછું વળીને જોવાનું નથી.'
સંજય કપૂરને અભિનય જગતમાં નામના મેળવતાં લાંબા વર્ષો લાગી ગયા. હવે તેની પુત્રી શનાયા કપૂર પણ તેના પિતરાઈઓ સોનમ, અર્જુન, હર્ષવર્ધન, જ્હાન્વી અને ખુશીને પગલે ચાલીને બોલિવુડમાં ડગ માંડી રહી છે.
જોકે સંજયને પુત્રીની જરાય ચિંતા નથી. તે કહે છે કે શનાયા અભિનયની કારકિર્દીમાં આવતાં ચડાવ-ઉતાર સારી રીતે ખમી શકે એટલી સ્માર્ટ છે. તે ફિલ્મી પરિવારમાં ઉછરી છે અને મારી કારકિર્દીમાં આવેલા ચડાવ-ઉતાર તેણે જોયાં છે. મેં તેને માત્ર એટલી જ શીખામણ આપી છે કે તારે માત્ર તારી કારકિર્દી, તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને મહેનત કરવામાં પાછું વળીને નથી જોવાનું. જ્યારે તમે તમારા કામ પ્રત્યે ગંભીર-સમર્પિત હો ત્યારે જ આગળ વધી શકો. સંજય વધુમાં કહે છે કે આ ક્ષેત્રમાં તમે આશા ગુમાવીને ન બેસી શકો. મારી કારકિર્દીમાં ઘણો નબળો સમય આવ્યો હતો. આમ છતાં હું ન તો નિરાશ થયો હતો કે ન હિમ્મત હાર્યો હતો. મેં સખત પરિશ્રમ કરવાનું જારી રાખ્યું તેના મીઠાં ફળ ચાખી રહ્યો છું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંજય કપૂર માટે ઓટીટી તારણહાર બન્યું છે. તેને એન્થોલોજી 'લસ્ટ સ્ટોરીઝ' ફળી અને તે ઓટીટી પર વધુને વધુ કામ કરતો રહ્યો. અભિનેતા કહે છે કે મારા જેવા ૯૦ના દશકના કલાકારો માટે ઓટીટીને અનુકૂળ થઈને કામ કરવાનું સહેલું નથી હોતું. પરંતુ એક વખત તમે કોઈપણ માધ્યમમાં કામ કરવા માંડો એટલે તેની સાથે અનુકૂલન સધાઈ જ જાય. હું મારી પુત્રીને પણ આ જ વાત કહું છું. મેં તેને શીખવ્યું છે કે કારકિર્દીમાં સારો સમય આવે ત્યારે આસમાનમાં ઉડવું નહીં અને મુશ્કેલ વખતમાં નિરાશાની ગર્તામાં ધકેલાઈ જવું નહીં. કોઈપણ સંજોગોમાં પગ જમીન સાથે જડી રાખવા. મેં તેને એમ પણ કહ્યું હતું કે શ્રેષ્ઠ કલાકારો હમેશાંથી વગોવાતા આવ્યા છે. વાંકદેખા લોકો હમેશાં સારા કલાકારોની ઠેકડી ઉડાડી તેમને ઉતારી પાડવાના પ્રયાસો કરતા રહે છે, પરંતુ તેઓ તેમના પ્રત્યે આંખ આડા કાન કરીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરે છે. તારે પણ કોઈની વગોવણી મન પર ન લેવી. તમે ક્યારેય બધાને ખુશ ન રાખી શકો. તેથી પોતાના કામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધતાં રહેવું.
બોલિવુડમાં નેપોટિઝમનો મુદ્દો હમેશાં ગાજતો રહે છે. સંજય કપૂરને આ વાત ખટકે છે. તે કહે છે કે મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે કોઈ નેપોટિઝમ વિશે વાત સુધ્ધાં નહોતું કરતું. માત્ર ફિલ્મી પરિવારના હોવાને નાતે તમને કામ મળતું હોય તો હું વર્ષો સુધી કામથી વંચિત શી રીતે રહ્યો? મારી આસપાસના બધા લોકો હિન્દી ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમના નામે મને કામ નહોતું મળ્યું. અહીં તમને માત્ર તમારા હુન્નરના જોરે જ કામ મળે. સંજય વધુમાં કહે છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં ક્યારેય આ મુદ્દે વાત નથી થતી. ભારતીય ફિલ્મોદ્યોગની શ્રેષ્ઠતમ ફિલ્મો દક્ષિણ ભારતના ફિલ્મી પરિવારમાંથી આવેલા કલાકારોએ આપી છે. પરંતુ આ ફિલ્મો તેમને પોતાના બાપદાદાના નામે નહોતી મળી. હા, લોકો તેમને તેમના બાપદાદાના નામથી ઓળખતાં હતાં એ વાત સાચી. પરંતુ તેમને મળેલી સફળતા માત્ર અને માત્ર તેમના પરિશ્રમ તેમ જ કાબેલિયતના ફાળે જાય છે.