સંજય ભણસાલી પાસે સુવર્ણ સ્પર્શ છેઃ રીચા ચઢ્ઢ્ઢા
- 'સંજય સરે મને કહ્યું, રીચા, તારે મારી 'હીરામંડી' વેબ સિરીઝમાં કામ કરવાનું છે. કમાલની વાત તો એ કે એમણે મારું કોઇ ઓડિશન પણ ન લીધું.'
હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા બધા કલાકારો રાજી હોય છે. એમ કહો કે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરીને અભિનેતા અને અભિનેત્રી પોતાની જાતને ધન્ય સમજે છે.
સંજય લીલા ભણસાલીએ બ્લેક, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ,ગોલિયોં કી રાસ લીલા -રામ લીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત, ગુઝારીશ વગેરે જેવી સુંદર ફિલ્મો બનાવી છે. હવે સંજય લીલા ભણસાલી પહેલી જ વખત 'હીરામંડી' નામની વેબ સિરીઝ બનાવી રહ્યા છે.
મજેદાર અને હાસ્યના હિલોળાવાળી ફુકરે ફિલ્મની ભોલી પંજાબન રીચા ચઢ્ઢા સંજય લીલાની 'હીરામંડી' વેબ સિરીઝમાં જોવા મળશે. 'હીરામંડી' વેબ સિરીઝની કથા ૧૯૪૭ પહેલાંના લાહોરના હીરામંડી નામના પ્રસિદ્ધ સ્થળની છે. હીરામંડીમાં તે જમાનાની તવાયફો જે ગીત,સંગીત,નૃત્ય રજૂ કરતી હતી તેની વાર્તા છે.
ઓયે લકી લકી ઓયે(૨૦૦૮) ફિલ્મથી બોલિવુડમાં અભિનય કારકિર્દી શરૂ કાનારી રીચા કહે છે, આમ તો હું સંજય લીલા ભણસાલી સાથે ઘણાં વરસથી સંકળાયેલી છું. મેં સંજય સરની ગોલિયોં કી રાસ લીલા - રામલીલા (૨૦૧૩) ફિલ્મમાં રસીલાનું પાત્ર ભજવ્યું છે. મને તે ફિલ્મમાં રસીલાની ભૂમિકા ભજવવામાં ખરેખર આનંદ થયો છે. આમ પણ સંજય સર મોટા ગજાના દિગ્દર્શક હોવાથી તેમની પાસેથી અભિનય ઉપરાંત જીવન ઉપયોગી ઘણા પાઠ શીખવા મળે છે. કલાકારને પોતાની અભિનય શક્તિ પર ભરોસો થાય છે. તેમનો આત્મવિશ્વાસ વધે છે.
ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર-૨ ફિલ્મમાં નગમા ખાતૂનની ભૂમિકા ભજવીને ઉત્તમ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારી રીચા ચઢ્ઢા બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, એક દિવસ સંજય લીલા ભણસાલીએ મને ફોન કરીને કહ્યું, રીચા મારી ઓફિસે આવી જા. બસ, હું સંજયજીને રૂબરૂ મળી અને તેમણે મને કહ્યું, રીચા, તારે મારી 'હીરામંડી' વેબ સિરીઝમાં કામ કરવાનું છે. ન માની શકાય તેવી બાબત તો એ બની કે સંજય સરે હીરામંડી માટે મારું કોઇ ઓડીશન પણ ન લીધું. ખરું કહું તો હું સંજય લીલા ભણસાલીના તે આમંત્રણથી રાજીના રેડ થઇ ગઇ. હું સંજય લીલા ભણસાલી સાથે બરાબર ૧૦ વર્ષ બાદ કામ કરી રહી હોવા છતાં તેમને મારા પર વિશ્વાસ રહ્યો છે તે મારા માટે આનંદ અને ગૌરવની બાબત છે. એક દિગ્દર્શક તરીકે સંજય લીલા ભણસાલી તેમનાં બધા કલાકારો સાથે ભરપૂર ચર્ચા કરે છે. પોતે કેવા પ્રકારનો અભિનય ઇચ્છે છે અને આખી ફિલ્મ કે વેબ સિરીઝની કથાનો સંદેશો શો છે તે વિશે બહુ સ્પષ્ટ હોય છે. વળી, સંજય સર બહુ શિસ્તપ્રિય અને સાથોસાથ સંવેદનશીલ હોવાથી દરેક કલાકારે પોતાના પાત્રને બરાબર ઓળખીને તેને ભજવવું પડે છે. પોતાની ભૂમિકાને જીવંત બનાવવા મન-હૃદયથી કામ કરવું પડે છે. કોઇ અભિનેતા કે અભિનેત્રીએ તેની ભૂમિકાને યોગ્ય રીતે રજૂ તરવામાં ઢીલ કરી હોય તો સંજય લીલા ભણસાલીને તરત જ ખબર પડી જાય. અભિનયને સંબંધ છે ત્યાં સુધી દરેક કલાકારે સંજય સર સાથે સંપૂર્ણ ન્યાય કરવો જ રહ્યો. 'હીરામંડી'માં મારી સાથે મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, અદિતી રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિન સેગલ વગેરે અભિનેત્રીઓ પણ હોવાથી મને ઘણો સાથ સહકાર મળે છે. શૂટિંગ દરમિયાન અને ત્યાર બાદ અમે જાણે કે એક વિશાળ પરિવારનાં સભ્ય હોઇએ તેવો ગમતીલો અનુભવ થયો છે.