સંગ્રામ સિંઘ : રેસલરમાંથી એક્ટર અને મોટિવેશનલ સ્પીકર
- 'સફળ થવા માટે હાર્ડ વર્ક, ઇમાનદારી અને શિસ્ત - ત્રણેય બહુ જરૂરી છે. આ એક અફલાતૂન કોમ્બિનેશન છે. એના પર થોડું ધૈર્ય ભભરાવો - તમે અજેય બની જશો.'
શુ દ્ધ હિન્દીમાં બોલતા રેસલર કમ એક્ટરના ઇન્સ્ટાગ્રામ પર ૯૦ લાખ ફોલોઅર્સ છે. આ રેસ્લર પહેલાં અભિનેતા બન્યો અને હવે મોટિવેશનલ સ્પીકર. એની એક સ્પીચના કેટલાક અંશો પ્રસ્તુત છે :
તુલના હમેશાં ટાળો : બીજાને જજ કરવા પહેલા પોતાની જાતનું મૂલ્યાંકન કરો. ક્યારેય કોઈની સરખામણી કરવામાં ન પડો. ઉપરવાળાએ દરેક વ્યક્તિને જુદી બનાવી છે. દરેક વ્યક્તિએ પોતાની શક્તિઓ જાણી લઈ પોતાની મર્યાદાને ઓળંગવાનો પ્રયાસ કરવો જોઈએ.
સફળતા કઈ બલાનું નામ છે?: દુનિયામાં આપણી ઓળખ ન બનાવી શકીએ તો એ આપણો પરાજય નથી. માણસ પોતાને ન ઓળખી શકે ત્યારે એ એની ખરી હાર છે. તમે ક્લાસમાં ટોપ આવો એ તમારી સફળતા નથી. પોતાને જે ગમતી હોય એ પ્રવૃત્તિ કરવામાં પોતાનું બેસ્ટ આપવું એ જ ખરી સકસેસ છે. લાઈફને મોટા કેનવાસ તરીકે જોવાનું રાખો, જે પ્રોફેશનલ સિધ્ધિઓ અને માન-મરતબાથી પરે છે.
થોડા ઘેલા બનો : સામાન્ય જિંદગી બોરિંગ છે એટલે દરેક વાત માટે ઘેલા (ક્રેઝી) બનો. તમે જોયું હશે કે શિક્ષિત વર્ગ જે નથી લઈ શકતો એવા જોખમો ઘેલા લોકો જ લે છે. ક્યારેક એવું બને છે કે આપણી અંદર પેશન હોય તો આપણે એવું કરી બતાવીએ છીએ જેનો બીજાઓ માત્ર વિચાર કરતા રહે છે. સફળતા તો આ જ રીતે મળે છે.
કોલ્ડ ડ્રિન્ક્સ પર મોટી ચોકડી મૂકો : મિત્રો, હું કદી કોલ્ડ ડ્રિન્ક્સ નથી પીતો એટલે કદી એની એડ પણ નહિ કરું. મેં એક કોલ્ડ ડ્રિન્કની બ્રાન્ડની રૃા. અઢી કરોડની એન્ડ્રોસમેન્ટ ડીલ કરવાની ના પાડી દીધી હતી અને એ વખતે મારા બેન્ક એકાઉન્ટમાં ફક્ત રૃા.૯૨૦ની બેલેન્સ હતી. તમાકુની પ્રોડક્ટ્સ અને કોલ્ડ ડ્રિન્ક્સની કંપનીઓ એન્ડ્રોસમેન્ટ માટે તગડી રકમ ચુકવે છે, પરંતુ હું ક્યારેય તે સ્વીકારતો નથી.
શિસ્ત: સકસેસ માટે પહેલી શરત
સફળ થવા માટે હાર્ડ વર્ક, ઓનેસ્ટી અને ડિસિપ્લીન - ત્રણેય બહુ જરૂરી છે. એ એક સચોટ કોમ્બિનેશન પુરવાર થાય છે. એના પર થોડું ધૈર્ય ભભરાવો એટલે પછી તમે અજેય બની જાવ, તમને કોઈ હરાવી ન શકે. એક ખાસ વાત - મારી પાસે જે વસ્તુ બીજા કરતા વધારે હોય- પછી એ ધન-ધાન્ય હોય કે જ્ઞાન હોય- એને બધા સાથે શૅર કરવાનું રાખો. તમે જે આપશો એનાથી અનેક ગણું ઊગી નીકળશે.
ડાયટ
કોઈ પ્રોટીન પાઉડર તમને સશક્ત અને ખડતલ નહિ બનાવે. કોઈ ફેન્સી ઇમ્પોર્ટેડ પાણીમાં આપણને હેલ્ધી બનાવે એવા મિનરલ્સ નથી હોતા. એક બેલેન્સ અને હેલ્ધી આહાર (ડાયટ) લેવાનો નિયમ બનાવો. માપમાં ભોજન કરો અને જમતી વખતે આનંદમાં રહો. તમને એનાથી થોડા જ વખતમાં તફાવત દેખાવા માંડશે.