સંદીપા ધર : રંગ લાવી રહ્યો છે દોઢ દશકનો સંઘર્ષ
- 'મારી કારકિર્દીનો નેવું ટકા સમય એમ વિચારવામાં નીકળી ગયો કે હું આ કામ કરી શકીશ કે નહીં? હું તે કામ કરી શકીશ કે નહીં? મારો નિર્ણય સાચો છે કે ખોટો?'
સૂરજ બડજાત્યાના બેનર હેઠળની ફિલ્મ 'ઈસી લાઈફ'થી બૉલીવૂડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી સંદીપા ધરની વેબ સીરિઝ 'પ્યાર કા પ્રોફેસર'માં આવી ગઇ. મહત્વની વાત એ છે કે સંદીપા લગભગ દોઢેક દશકથી મનોરંજન જગત સાથે સંકળાયેલી છે. આમ છતાં તેને ધારી સફળતા નથી મળી. અદાકારા આ બાબતે કહે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે મારી કારકિર્દીનો સૌથી મુશ્કેલ તબક્કો ક્યો રહ્યો. આના જવાબમાં હું તેમને કહું છું કે મારી કારકિર્દીમાં નિરંતર મુશ્કેલીઓ રહી છે. આમ છતાં હું ટકી રહી છું. મારા મતે જિંદગી આવી જ હોય. તેમાં તમને હમેશાં એક યા બીજા પડકારનો સામનો કરતાં જ રહેવું પડે. મારી વાત કરું તો મારી કારકિર્દીનો નેવું ટકા સમય એમ વિચારવામાં નીકળી ગયો કે હું આ કામ કરી શકીશ કે નહીં? હું તે કામ કરી શકીશ કે નહીં? મારો નિર્ણય સાચો છે કે ખોટો? જોકે મારા મતે જો તમને કોઈ કામની લગન હોય અને તમે સખત પરિશ્રમ કરતાં કરતાં ન હો તો ઈશ્વર તમારી સાથે જ હોય. તે તમને ડગલેને પગલે ચોક્કસ મદદ કરે. હા, તમે ઇચ્છતા હો તે મેળવવામાં તમને થોડો સમય લાગે. પણ છેવટે ધીરજના ફળ મીઠાં જ હોય. જો આપણે પોતાની તુલના અન્ય કોઈ સાથે ન કરીએ તો જીવન ઘણું આસાન લાગે. હું માનું છું કે મારા ભાગ્યમાં હશે તે મને મળીને જ રહેશે.
આવી ડાહી ડાહી વાતો કરનારી સંદીપા જોકે ચોક્કસ બાબતોમાં પોતાની વાતને વળગી નથી રહેતી. અભિનેત્રી કહે છે કે કેટલાંક કલાકારોને કામ કરવાના પુષ્કળ અવસર મળે છે. ખાસ કરીને ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારોને. વાસ્તવમાં બહારથી આવતા કલાકારો જ્યાં પહોંચવા માગતા હોય એ તેમને કારકિર્દીના પ્રારંભમાં જ મળી જાય છે. મારા મતે ફિલ્મોદ્યોગે બહારના લોકોને પણ યોગ્ય તક મળતી રહેવી જોઈએ. ફિલ્મી પરિવારથી બહારના કલાકારોને અવિરત સંઘર્ષ કરવો પડે છે. અલબત્ત, સંઘર્ષ કર્યા વિના સારા કલાકાર ન બની શકાય. પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત જેવા કલાકારો લાંબો સંઘર્ષ કરીને જ આગળ આવ્યાં છે.
એવું લાગે છે કે સંદીપાનો સંઘર્ષ રંગ લાવી રહ્યો છે. આ વર્ષમાં તેની બે ફિલ્મો આવવાની છે. અભિનેત્રી તેના વિશે કહે છે કે એક ફિલ્મ વિશે હું વાત કરી શકું તેમ નથી. પરંતુ બીજી ફિલ્મમાં હું સની કૌશલ અને નિમ્રત કૌર સાથે જોવા મળીશ. લક્ષ્મણ ઉત્તેકરની આ ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે. મને આ સિનેમામાં કામ કરવાની બહુ મઝા આવી હતી. તેમાં મારો રોલ પણ બહુ સરસ છે.