Get The App

સના કપૂર કરે છે ફિલ્મ, ફેમિલી અને લગ્નજીવનની વાતો....

Updated: Apr 13th, 2023


Google NewsGoogle News
સના કપૂર કરે છે ફિલ્મ, ફેમિલી અને લગ્નજીવનની વાતો.... 1 - image


- 'મારી મમ્મી (સુપ્રિયા પાઠક) નહોતી ઇચ્છતી કે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવું. હું હંમેશા ખૂબ સુરક્ષામાં ઉછરી છું. 

- આ વ્યવસાયમાં મુશ્કેલીઓની સહેવી પડે છે. મમ્મી નહોતી ઇચ્છતી કે હું આ મુશ્કેલીઓનો સામનો કરું.'

શુ તમે જાણો છો કે પંકજ કપૂર અને અભિનેત્રી સુપ્રિયા પાઠકની પુત્રી સના કપૂરે ભાઈ શાહિદ કપૂર સાથે ફિલ્મ 'શાનદાર'માં અભિનય કરી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો? આ વર્ષના પ્રારંભમાં સનાએ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ અને બાળપણના મિત્ર મયંક પાહવા સાથે લગ્ન કર્યાં. ગયા વર્ષે તેણે 'રામપ્રસાદ કી તેહરવી' ફિલ્મમાં હાજરી પુરાવી, જે તેની સાસુ સીમા પાહવાએ દિગ્દર્શિત કરી હતી. સનાએ આ ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ એક યા બીજી રીતે હાજરી પુરાવી પોતાના અભિનયનો રંગ દાખવી ચુકી છે. તાજેતરમાં આતિશ કાપડિયા અને જે.ડી. મજીઠિયાની વેબ સિરીઝ 'હેપી ફેમિલી - કન્ડિશન્સ અપ્લાઇડ'માં એક હલકાફૂલકા રોલમાં તે દેખાઈ. સના સાથે થયેલી વાતચીતના અંશો માણવા જેવા છે.

'રામપ્રસાદ કી તેહરવી'માં સાસુ-દિગ્દર્શિકા સીમા પાહવા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આ પ્રશ્નનો ઉત્તર આપતા અભિનેત્રી સના કપૂર કહે છે, 'હું ફિલ્મનો નાનકડો હિસ્સો છું, પણ તેમની સાથે કામ કરવાની મઝા આવી. આજે તેઓ (સીમા પાહવા) મારાં સાસુ છે, પરંતુ તે સમયે મારી આન્ટી હતા. હું સીમામેડમને નાનપણથી ઓળખું છું. તેઓ મારાં પારિવારિક મિત્ર છે. સેટ પર એક ચોક્કસ આરામદાયક આવરણ હતું. સ્ટારકાસ્ટ ખૂબ મજાની હતી. જો કે મેં સીમાજી સાથે કોઈ સીન નહોતો કર્યો. તે ફિલ્મ શાનદાર હતી. તમે મારાં સાસુમાને સેટ પર જુઓ તો લાગે કે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે.'

તમારી મમ્મી ખૂબ સપોર્ટિવ છે, શું તે હજુ પણ તમને મદદ કરે છે, કેમ કે તમે બન્ને એક જ વ્યવસાયમાં છો? આ પ્રશ્નના ઉત્તરમાં સના કપૂર કહે છે, 'મારી મમ્મી હંમેશા મારી પડખે ઊભી રહી છે. તે નહોતી ઇચ્છતી કે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવું. હું હંમેશા ખૂબ સુરક્ષામાં ઉછરી છું. મમ્મી સતત મારા માટે ચિંતિત રહ્યાં કરતી. આ વ્યવસાયમાં સંતોષ  કેટલીક મુશ્કેલીઓ સાથે આવે છે અને તે ઇચ્છતી નહોતી કે હું તેનો સામનો કરું. હું તો મારી રીતે ખુદનાં કપડાં પણ પસંદ કરી શકતી નથી. હા, મમ્મી મને આજની તારીખે પણ ખૂબ મદદ કરે છે.'

તમારાં લગ્ન પહેલાં મમ્મીએ તારી સાથે સુખ ગૃહસ્થીનાં કયા સિક્રેટ્સ શેર કર્યાં હતાં? સના કપૂર કહે છે, 'પ્રામાણિકપણે કહું તો મારી મમ્મી મારા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે હું જ તેની ખૂબ નિકટ છું. વળી, મારું ઘર પણ નજીક જ છે એટલે હું મમ્મીને ત્યાં  આટાંફેરા કરતી રહું છું. હું ભાગ્યશાળી રહી છું કેમ કે હું મારા સાસરિયા સાથે મોટી થઈ છું. સાસરામાં એક કમ્ફર્ટ ઝોન છે, આરામ છે. હા, તેમની વેલ્યુ-સિસ્ટમ થોડી અલગ છે.'

તમે શાહિદ સાથે ફિલ્મ કરી રહ્યા છો? આ અંગે સના કપૂર કહે છે, 'અમે સાથે મળીને કોઈ પ્રોજેક્ટ કરી રહ્યાં નથી. જો કે નજીકના શાહિદ સાથે કંઇ પણ કરવું મને ગમશે. અમે એક પરિવાર છીએ- કુટુંબ છીએ તેથી દરેક હંમેશા ડિનર માટે કે અન્ય કારણસર મળીએ છીએ. દરેક વ્યક્તિનું શિડયૂલ વ્યસ્ત છે. શાહિદ પણ હવે બાપ બની ગયો છે અને બાપ તરીકે એની જવાબદારીઓ છે. જ્યારે પણ મને સમય મળે ત્યારે હું તેમની સાથે વિતાવું છું. હું તેમને પજવું પણ છું. ઝેન (શાહિદનો પુત્ર) અને મીરા  (શાહિદની પત્ની) બન્ને ખૂબ મીઠડાં છે.'

તમે તમારી ભાભી સાથેના તમારા સંબંધોને કેવી રીતે નિહાળો છો? સના કપૂર કહે છે, 'હું જોઉં છું કે મીરાએ જે રીતે સમગ્ર પરિવારને એકજૂટ કરી લીધો છે અને બધાને એ જે રીતે સાચવે છે તે ખરેખર પ્રેરણાદાયી  છે. તે સ્વભાવે શાંત અને ઠાવકી છે. હવે હું જ્યારે પરિણીત છું ત્યારે હું જોઈ શકું છું કે એના માટે આખું જીવન બદલવું કેટલું મુશ્કેલ હતું.. દિલ્હીની યુવતીનું મુંબઈ આવવું. શાહિદ પાસે લગ્નજીવનની કોઈ ટિપ્સ નથી! પ્રત્યેક દંપતી અલગ છે, સૌના આગવા નીતિ-નિયમો હોય છે.  આઇ એમ વેરી હેપી!'     


Google NewsGoogle News