સના કપૂર નથી માનતી સૌંદર્યના વણલખ્યા માપદંડોને
- 'શાહિદ કપૂર મારો મોટો ભાઇ છે અને તેણે મને હંમેશા બહુ સાચવી છે. જ્યારે ભાઇ-બહેન વચ્ચે વયનો મોટો તફાવત હોય ત્યારે મોટોભાઇ આપોઆપ બહેનનો કેરટેકર બની જતો હોય છે.'
પી ઢ કલાકારો પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની પુત્રી સના કપૂર અત્યાર સુધી 'શાનદાર', 'ખજૂર પે અટકે', 'રામપ્રસાદ કી તેરહવી' જેવી હટકે ફિલ્મો કરી ચૂકી છે.તાજેતરમાં તેની 'સરોજ કા રિશ્તા' રીલિઝ થઇ. એક પુષ્ટકાય યુવતીની કહાણી ધરાવતી આ ફિલ્મમાં વધુ એક વખત સનાએ પોતાની અભિનય પ્રતિભાનો પરચો બતાવ્યો. તેણે વધું એક વખત પુરવાર કરી બતાવ્યું કે જે અભિનય કળા તેને વારસામાં મળી છે તેને તે બખૂબી નિભાવી રહી છે.
આ મૂવીમાં પુષ્ટકાય યુવતી બનેલી સનાએ અભિનય ક્ષેત્રે કદમ માંડયા ત્યારે વાસ્તવમાં તેનું શરીર ભરાવદાર હતું. આમ છતાં તેને તે વખત સુધી પોતાના ફિગર પ્રત્યે કોઇ ગ્રંથિ નહોતી. તે કહે છે કે અમારા ઘરનું વાતાવરણ એવું હતું કે કોઇએ મને આવી બાબતે ટોકી નહોતી. પરંતુ હું જ્યારે બોલીવૂડમાં આવી ત્યારે મને એ વાતનો ખ્યાલ આવ્યો કે અહીં સૌંદર્ય માટેની નિર્ધારિત વ્યાખ્યા છે. અને હું તેમાં ફિટ નથી બેસતી. ખરૂં કહું તો હું હજી પણ ઘણી વખત મારા ફિગર પ્રત્યે ચિંતિત રહું છું.
ઘણી વખત મને એમ પણ થાય કે હું ઘરથી બહાર જ ન નીકળું. પણ પછી મને એમ લાગે કે તેનાથી શું ફરક પડશે?હું જેવી છું તેવી સારી છું.જો હું પોતે જ મને નહીં ગમું તો બીજા કોઇને શી રીતે ગમીશ?દરેક વ્યક્તિ પોતાનામાં અનોખી જ હોય. આપણને બીજા જેવા થવાની શી જરૂર?
સના ટેલેન્ટના ખજાના સમા માતાપિતા અને ભાઇ શાહિદ કપૂર સાથે રહી છે. તેણે બોલીવૂડને પોતાના ઘરમાં જ નિહાળ્યું છે. અને તેનાલગ્ન પણ સીમા અને મયંક પાહવા જેવા ફિલ્મ ક્ષેત્રના અચ્છા જાણકારોના દીકરા થયાં છે. ટૂંકમાં તે હંમેશાંથી આ ક્ષેત્રના દિગ્ગજો સાથે જ રહી છે. અદાકારા સ્વયં આ વાત માને છે. તે કહે છે કે અમે બધા આ ક્ષેત્રના જાણકાર હોવાથી કલાકો સુધી તેના ઉપર વાતો કરી શકીએ છીએ.અલબત્ત,હું મારા સાસુને જોઇ જોઇને પણ તેમની પાસેથી ઘણું શીખી રહી છું.
આમ છતાં મને તેમની પાસેથી હજી ઘણું શીખવાનું છે.તેમને તાજેતરમાં જ 'રામપ્રસાદ કી તેરહવીં'માટે શ્રેષ્ઠ દિગ્દર્શિકાનો પુરસ્કાર મળ્યો તે બદલ હું ગર્વ અનુભવી રહી છું. અને મેં તેમને કહી દીધું છે કે આ ફિલ્મની જેમ જ તેઓ જે મૂવીનું નિદર્શન કરે તેમાં મને ચોક્કસ લે.
મયંક અને સનાના વિચારો ઘણાં મળતાં આવે છે. અભિનેત્રી કહે છે કે અમારા માટે અમારા માતાપિતા સૌથી પહેલા અને બીજું બધું તેના પછી આવે છે. અમે તેમના આશિર્વાદ સાથે જ લગ્ન કરવા માગતા હતાં.હું ઇચ્છતી હતી કે મારા પિતા મારું કન્યાદાન કરે અને મયંકને કહે કે અત્યાર સુધી મેં જે રીતે મારી દીકરીને જતનથી જાળવી છે તેવી રીતે જ હવે તું તેનું ધ્યાન રાખજે. તે વધુમાં કહે છે કે અમે લોકોએ પરંપરા મુજબ અને કોર્ટ મેરેજ પણ કર્યાં. જોકે મને સાસરામાં કાંઇ નવું નથી લાગતું. હું અને મયંક નાનપણથી એકમેકને જાણીએ છીએ. અમે પહેલેથી પડોશી છીએ.
સના પોતાની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'સરોજ કા રિશ્તા'વિશે કહે છે કે આ મૂવી પિતા-પુત્રીના સંબંધો પર આધારિત છે. તેની કહાણી જેટલી હળવાશથી અને રમૂજી રીતે રજૂ કરવામાં આવી છે એટલી જ તેમાં ભાવનાઓ પણ ભરેલી છે. આ મૂવી એવો સામાજિક સંદેશો પણ આપે છે કે તમારી કાયા પુષ્ટ છે તેનાથી કોઇ ફરક નથી પડતો. જ્યાં સુધી તમે પોતાને ચાહો છો ત્યાં સુધી બીજું કોઇ શું કહે છે તેનાથી ફરક ન પડવો જોઇએ.
અભિનેત્રીને શાહિદ કપૂર પર ખૂબ પ્રેમ છે. તે કહે છે કે શાહિદ મારો મોટો ભાઇ છે. અમારી વચ્ચે ઘણો વયભેદ છે તેથી તેણે મને હંમેશાંથી બહુ સાચવી છે. જ્યારે ભાઇ-બહેન વચ્ચે વયનો મોટો તફાવત હોય ત્યારે મોટોભાઇ તેની બહેનનો કેરટેકર બની જતો હોય છે. શાહિદે પણ હંમેશાં મારી બહુ કાળજી કરી છે. અને હવે તો તેના ઘરે પણ બબ્બે બાળકો રમે છે.હવે જ્યારે હું તેના ઘરે જાઉં છું ત્યારે મને શાહિદ અને મીરાં કરતાં તેમના સંતાનો મીશા અને જૈનમાં વધું રસ હોય છે. હું તેમની સાથે જ રમ્યા કરું છું.
સનાને પહેલેથી શાહરુખ ખાન પ્રત્યે ક્રશ હતો. તે તેને જોવા તલપાપડ રહેતી. એક વખત પંકજ કપૂર શાહરુખ સાથે ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તે તેમનું શૂૂટિંગ જોવા ગઇ હતી. પણ તે વખતે જે થયું તે અભિનેત્રી ક્યારેય નહીં ભૂલી શકે. સના આ બાબતે કહે છે કે હું શાહરુખની ફિલ્મોમાં રીતસર ખોવાઇ જતી હતી.પણ તે દિવસે મને તેનું શૂટિંગ જોવાની તક મળી ત્યારે એક સીનમાં શાહરુખને મારા પિતાને મારતા જોઇને હું ઉકળી ઉઠી હતી.
હું મારા આ પ્રિય અભિનેતાને જોવા સેટ પર ગઇ હતી. પરંતુ ગુસ્સાની મારી તેને મળ્યા વગર જ પાછી ફરી. હવે મને મારી મુર્ખતા પર અફસોસ થાય છે.
દરેક અદાકારની જેમ સનાને પણ ચોક્કસ પ્રકારની મૂવીઝ કરવાના ઓરતા છે. તે કહે છે કે મને 'દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે', 'જબ વી મેટ','બરેલી કી બર્ફી' જેવી ફિલ્મોમાં કામ કરવું છે.