Get The App

સામંથા રુથ પ્રભુ અભિનય અને સામાજિક ક્ષેત્રે ફરી સક્રિય થઇ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
સામંથા રુથ પ્રભુ અભિનય અને સામાજિક ક્ષેત્રે ફરી સક્રિય થઇ 1 - image


- અભિનેત્રીએ દુર્લભ બીમારીને પરાજિત કરી

- સામંથાએ સેટ પર મહિલાઓ માટે તાત્કાલિક સુરક્ષિત અને સલામત વાતાવરણ રચવાની હિમાયત કરી છે. પોતાનો અવાજ બુલંદ કરીને સામંથા મહિલાઓ માટે સંઘર્ષ કરવા ઉપરાંત તેમને આ લડાઈમાં જોડાવવાની પણ હાકલ કરી રહી છે. 

ભા રતીય સિનેમામાં સૌથી અગ્રણી અભિનેત્રીઓ પૈકી એક સામંથા રુથ પ્રભુએ તેના આરોગ્યને પ્રાથમિક્તા આપવા લીધેલા અત્યંત જરૂરી બ્રેક પછી ફરી સત્તાવાર રીતે શૂટીંગ માટે હાજર થઈ છે. સામંથાને ૨૦૨૨માં માયોસાઈટિસનું નિદાન થયું હતું. આ એક દુર્લભ ઓટોઈમ્યુન બીમારી છે જેના કારણે તેણે પોતાની વ્યાવસાયિક જવાબદારીમાંથી બ્રેક લઈને રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડયું હતું.

સામંથાની વાપસી એક મહત્વનું સીમાચિહ્ન છે. તેણે પોતાની અતિ અપેક્ષિત ઓટીટી સીરીઝ રક્ત બ્રહ્માંડ- ધી બ્લીડ કિંગડમ માટે શૂટીંગ શરૂ કરી દીધું છે. દિગ્દર્શક રાહી અનિલ બર્વે દિગ્દર્શિત આ ફેન્ટેસી ડ્રામા સીરીઝએ મનોરંજન ઉદ્યોગમાં સારી એવી ચર્ચા જગાવી છે.

ફરી કામ શરૂ કરીને સામંથા અત્યંત ઉત્સાહિત થઈ હતી અને પોતાના સોશિયલ મીડિયા પર તેનો આ રોમાંચ તેણે શેર પણ કર્યો હતો. પોસ્ટમાં તેણે સેટ પર લઈ જવાની જરૂરી વસ્તુઓ આઈડી કાર્ડ, કોફીનો કપ અને લેધર બેગના ફોટા પોસ્ટ કર્યા હતા. કેપ્શનમાં તેણે લખ્યું હતું, સ્વપ્નો જોવાનું કદી પણ બંધ ન કરો. સેટ પર પાછા ફરવાથી આનંદિત છું.

પોતાની દુર્લભ બીમારીમાં સમર્થન આપવા બદલ સામંથાએ તેના ચાહકો અને સહકલાકારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે સામંથાની મક્કમતા અને કળા પ્રત્યે પ્રતિબદ્ધતાને બિરદાવવા જરા પણ વિલંબ નહોતો કર્યો.

રક્ત બ્રહ્માંડ - ધી બ્લડી કિંગડમનું શૂટ ૧૯ સપ્ટેમ્બરે શરૂ થઈ ગયું હતું અને તેની પ્રભાવશાળી કાસ્ટમાં અલી ફઝલ, વામિના ગબ્બી અને આદિત્ય રોય કપૂર સામેલ છે. આ ફેન્ટેસી ડ્રામાના મૂળ પૌરાણિક કથાઓ અને સમૃદ્ધ કથાનકોમાં છે અને તે અદ્ભુત વિઝ્યુઅલ અનુભવ સાબિત થવાની સંભાવના છે. આવા ભવ્ય પ્રોજેક્ટ દ્વારા વાપસી કરીને સામંથાએ જટિલ અને પડકારજનક રોલ કરવાની તેની તૈયારી વ્યક્ત કરી છે અને ભારતીય સિનેમામાં મુખ્ય નાયિકા તરીકે પોતાનું સ્ટેટસ ફરી સ્થાપિત કરવા તત્પર છે. રક્ત બ્રહ્માંડ ઉપરાંત સામંથા પાસે રસપ્રદ પ્રોજેક્ટની વણઝાર છે. તે વરુણ ધવન સાથે સિટાડેલ: હની બનીમાં દેખાશે જે સિટાડેલ સીરીઝની સ્પિનઓફ છે. ઓટીટી પર રજૂ થનારી આ સીરીઝે અત્યારથી જ દર્શકોમાં રસ જગાડયો છે અને તેની પુરોગામી ફિલ્મ કરતા વધુ સફળતા મેળવે તેવી વકી છે.

વધુમાં સામંથા તેના પ્રથમ તેલુગુ પ્રોજેક્ટ સાથે નિર્માણ ક્ષેત્રમાં પણ ઝંપલાવી રહી છે. આ ફિલ્મ આગામી વર્ષે થિયેટરોમાં રજૂ થશે. વૈવિધ્યસભર ભૂમિકાઓ અને પ્રોજેક્ટ તેની વર્સેલિટી અને વિવિધ શૈલીને સરળતાથી પાર પાડવાની ક્ષમતા દર્શાવે છે. તેની સતત પ્રગતિ પામતી અભિનય કારકિર્દી ઉપરાંત સામંથા તેલુુગુ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓના અધિકારો માટેની શક્તિશાળી કાર્યકર તરીકે પણ ઉભરી આવી છે. તાજેતરમાં તેણે નિડર અભિગમ અપનાવીને પોતાના સોશિયલ મીડિયા મંચ દ્વારા આ મહત્વના મુદ્દાને સમર્થન આપ્યું હતું. સામંથાએ તેલુગુ સરકારને ધી વોઈસ ઓફ વુમેન દ્વારા સુપરત કરાયેલ સબ કમિટી રિપોર્ટ જાહેર કરવાની વિનંતી કરી છે. આ ગુ્રપની સ્થાપના તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં મહિલા કલાકારોના સમર્થન માટે કરવામાં આવી હતી.

પોતાની પોસ્ટમાં સામંથાએ કેરળમાં વુમેન ઈન સિનેમા કલેક્ટીવના પ્રયાસોને બિરદાવ્યા છે. આ સંસ્થા ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણી વિશે જાગૃકતા કેળવવા કાર્યરત રહી છે.

મલાયાલમ સિનેમા અને તેલુગુ ઉદ્યોગમાં મહિલાઓના સંઘર્ષની સરખામણી કરીને સામંથાએ સેટ પર મહિલાઓ માટે તાત્કાલિક સુરક્ષિત અને સલામત વાતાવરણ રચવાની હિમાયત કરી છે. પોતાનો અવાજ બુલંદ કરીને સામંથા મહિલાઓ માટે સંઘર્ષ કરવા ઉપરાંત તેમને આ લડાઈમાં જોડાવવાની પણ હાકલ કરી રહી છે. 


Google NewsGoogle News