સામન્થાબેન એમબીબીએસ!
- સામન્થા જાહેરમાં ભલે પોતાની ભૂલ ન સ્વીકારે, પણ ભવિષ્યમાં એ મેડિકલ ટ્રીટમેન્ટ સંબંધિત પોસ્ટ શેર કરતાં પહેલાં સાત વાર વિચારશે એ તો નક્કી.
ન ખ્ખોજ જજો આ સોશિયલ મીડિયાનું, જે એટલી બધી મિસઇન્ફર્મેશન ફેલાવે છે કે ન પૂછો વાત. માત્ર વોટસએપ યુનિવર્સિટી જ નહીં, ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી અને ફેસબુક યુનિવર્સિટી પણ જોરદાર ધમધમે છે. એમાંય જ્યારે કોઈ સેલિબ્રિટી ખાસ કરીને બીમારી અને ઇલાજના મામલામાં કશુંય ગાંડુઘેલું શેર કરે ત્યારે દાટ વાળી નાખે છે.
સાઉથની સુપરસ્ટાર સામન્થા રુથની જ વાત કરો. વચ્ચે એને વાઇરલ ઇન્ફેક્શન થયું હતું. એણે મોટા ઉપાડે ઇન્સ્ટાગ્રામ પણ લાંબીલચ્ચ પોસ્ટ મૂકી, જે વાઇરલ થઈ ગઈ. આ પોસ્ટનો સૂર એવો હતો કે મને ગોળીઓ ગળવાનો સખત કંટાળો આવે છે એટલે મેં 'ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ' અજમાવી. નાની અમસ્તી વાતમાં દવા લેવાને બદલે મેં નેબ્યુલાઈઝર વાપરવાનું નક્કી કર્યું. (નેબ્યુલાઇઝર એટલે, સાદી ભાષામાં, નાક પર માસ્ક ચડાવીને તેની વાટે વરાળ લેવામાં મદદ કરતું ઉપકરણ). મેં ડિસ્ટિલ્ડ વોટરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ નાખ્યું ને પછી એની વરાળ લીધી. એનું ચમત્કારિક પરિણામ આવ્યું! જો આવો વૈકલ્પિક ઉપચાર ધાર્યું પરિણામ આપતો હોય તો દવા શા માટે ખાવી?
પત્યું. સામન્થા પર પસ્તાળ પડી. માત્ર સામાન્ય નેટિઝન્સ જ નહીં, પણ ડોક્ટરોએ પણ એની ખૂબ ટીકા કરી. કોઈએ લખ્યું: ક્વોલિફિકેશન વગરના લોકો ક્યાંયથી કંઈ પણ સાંભળી લઈને સોશિયલ મીડિયા પર ડોક્ટરની જેમ કેમ વર્તવા માંડે છે? એક ડોક્ટરે લખ્યું કે શું સામન્થા જાણે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ત્રણ ટકાથી વધી જાય તો માણસના શ્વસનતંત્રને નુક્સાન થઈ શકે છે? તેનાથી શ્વાસનળીમાં સોજો આવી શકે છે, ખાંસી-ઉધરસ-ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે, ગળામાં તકલીફ થઈ શકે છે અને આના કરતાંય વધારે ગંભીર પરિણામો આવી શકે છે... સામન્થાની સૂફિયાણી સલાહ વાંચીને લોકો આ બધું જાતે અજમાવશે અને ન થવાનું થઈ થશે તો એની જવાબદારી સામન્થા લેશે?
ખૂબ ટ્રોલિંગ થયું એટલે સામન્થા બેકફૂટ પર આવી ગઈ, પણ તોય એણે માફી તો ન જ માગી. એ તો એક જ રાગ આલાપતી રહી: હું કંઈ મૂરખી નથી કે લોકોને જોરશોરથી કોઈ પણ ટ્રીટમેન્ટની ભલામણ કરું. મારો આશય સાફ હતો. હું તો મોંઘી સારવાર પોસાતી ન હોય તેવા લોકોને ફક્ત મદદ કરવા માગતી હતી...
ખેર. સામન્થા જાહેરમાં ભલે પોતાની ભૂલ ન સ્વીકારે, પણ ભવિષ્યમાં એ મેડિકલ ટ્રીટમેન્ટ સંબંધિત પોસ્ટ શેર કરતાં પહેલાં સાત વાર વિચારશે એ તો નક્કી.