Get The App

સલોની બત્રા : મુંબઈએ કારકિર્દીના આયામ બદલી કાઢ્યાં

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
સલોની બત્રા : મુંબઈએ કારકિર્દીના આયામ બદલી કાઢ્યાં 1 - image


- હું મુંબઈ આવી ત્યારે મારું લક્ષ્ય ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે નામના કમાવવાનું હતું. પરંતુ અહીં આવ્યા પછી મને પડદા પાછળ કામ કરવાની મઝા આવવા લાગી.  

મહાનગર મુંબઈમાં કદમ મૂકનાર વ્યક્તિ તેની માયાજાળમાં ન ફસાય એવું ભાગ્યે જ બને. કદાચ એટલે જ આ પચરંગી શહેરને માયાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ દ્વારા લોકોની નજરમાં આવી ગયેલી અભિનેત્રી સલોની બત્રા પણ મુંબઈની માયાજાળમાં એવી સપડાઈ કે તેની કારકિર્દીની દિશા જ બદલાઈ ગઈ.

'એનિમલ'માં રણબીર કપૂરની બહેનનો રોલ કરનાર સલોની બત્રા મૂળભૂત રીતે ફેશન ડિઝાઈનર છે. તે ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે નામ કમાવવા માગતી હતી. તેણે ચેન્નઈની 'નેશનલ ઇન્સ્ટિટયુટ ઑફ ફેશન ટેકનોલૉજી'માંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો અને કીર્તિ-કલદાર કમાવવા મુંબઈની વાટ ઝાલી. પરંતુ અહીં આવ્યા પછી જાણે કે તેની ભીતર ધરબાયેલી અદાકારા આળસ મરડીને બેઠી થઈ ગઈ.

દિલ્હીની આ કુડી કહે છે કે હું મુંબઈ આવી ત્યારે મારું લક્ષ્ય ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે નામના કમાવવાનું હતું. પરંતુ અહીં આવ્યા પછી મને પડદા પાછળ કામ કરવાની મઝા આવવા લાગી. મને મુંબઈની પણ માયા લાગી ગઈ. મને લાગ્યું કે આ શહેરમાં એક યુવતી પણ સશક્ત બનીને કામ કરી શકે છે. અને કામ કરીને વધુ સશક્ત બની શકે છે. અહીં મને કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા મળી. મારા મનમાં એવા વિચારો ઘર કરવા લાગ્યાં કે હું આખું આયખું અહીં વિતાવી શકું છું. મારી અંદર ધરબાયેલી અભિનેત્રી સળવળી ઉઠી અને મેં ઑડિશન આપવાનું શરૂ કર્યું. સાથે સાથે મારું ફેશન ડિઝાઈનિંગનું કામ જારી રાખ્યું. દરમિયાન મને કોઈકે કહ્યું કે જાહેરખબરને લગતી ફિલ્મમાં કામ કરવાથી સારી કમાણી થાય છે. મેં તેને માટે ઑડિશન આપીને કિસ્મત અજમાવી જોઈ. મેં નાનપણથી ગાયકી-નૃત્યની તાલીમ લીધી છે. મને આ ઑડિશનમાં નાચવા-ગાવા સાથે સંવાદો પણ રજૂ કરવાના હતાં. મેં ત્રણે કામ એટલી સરસ રીતે કર્યાં કે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમ જ આજુબાજુ રહેલા લોકોએ મને તાળીઓથી વધાવી લીધી. પ્રારંભિક તબક્કે મને 'ધ લીજેન્ડ ઑફ માઇકલ મિશ્રા', 'લાઈફ સહી હૈ', 'તૈશ' અને 'સોની' જેવી ફિલ્મોમાં કામ મળ્યું. જોકે મને ખરી ઓળખ 'એનિમલ' પછી મળી. અને તાજેતરમાં મારી વેબ સીરિઝ 'ખલબલી રિકોર્ડ્સ' રજૂ થઈ.

અભિનેત્રી કહે છે કે જ્યારે તમને કોઈ મોટા પ્રોજેક્ટમાં, જાણીતા કલાકાર સાથે કામ કરવા મળે ત્યારે તમે લોકોની તેમ જ ફિલ્મ સર્જકોની નજરમાં પણ આવી જાઓ. 'એનિમલ' ફિલ્મે મને આ લાભ અપાવ્યો. અલબત્ત, મારી ફિલ્મ 'સોની'ને સંખ્યાબંધ પારિતોષિક મળ્યાં હતાં. તેનું ઓપનિંગ 'વેનિસ ફિલ્મોત્સવ'માં થયું. 'બુસાન ફિલ્મ ફેસ્ટિવલ'માં પણ મૂવીને 'બેસ્ટ ફિલ્મ'નો એવૉર્ડ મળ્યો. 'મામી'માં પણ તેની પુષ્કળ પ્રશંસા થઈ. આ ફિલ્મે મને એક અભિનેત્રી તરીકે સ્થાપિત કરી. પરંતુ 'એનિમલ'એ મને બૉક્સ ઑફિસ પર સફળતા અપાવવા સાથે રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. ફિલ્મ સર્જકો મારા ઉપર વિશ્વાસ રાખવા લાગ્યા. હવે મને મારા ગમતાં, જે સર્જકો સાથે કામ કરવાના મેં શમણાં જોયાં હતાં તેમની સાથે કામ કરવા મળી રહ્યું છે.

'ખલબલી રેકૉર્ડ્સ'માં સલોની બત્રાને અભિનયના ઘણાં રંગ બતાવવાની તક મળી. તે કહે છે કે મને 'અનન્યા રાય સિંઘાનિયા' તરીકે આ ફિલ્મમાં અભિનયના વિવિધ પાસાં રજૂ કરવાનો અવસર મળ્યો. 'અનન્યા રાય સિંઘાનિયા' એક તરફ પોતાના પરિવારને જોડી રાખવા માગે છે. અને બીજી તરફ બિઝનેસ વૂમન તરીકે પણ નામના કાઢવા ઇચ્છે છે. તેની લવ લાઈફમાં એક ફીમેલ પાર્ટનર છે. સંખ્યાબંધ સમસ્યાઓ વચ્ચે તે હીરો  પુરવાર થાય છે.

 આ ફિલ્મમાં અદાકારને રામ કપૂર જેવા પીઢ કલાકાર સાથે કામ કરવા મળતાં તે બહુ ખુશ છે. સલોની કહે છે કે રામ કપૂર અત્યંત તેજસ્વી કલાકાર છે. તેમની સાથે વાતો કરતાં કરતાં જ કેટલું બધું શીખવા મળી જાય. તેઓ સેટ પર મારા માટે ફાધર ફિગર હતાં. તેમણે ક્યારેય એવું દર્શાવવાનો પ્રયાસ નહોતો કર્યો કે તેઓ કેટલા અનુભવી છે. તેમણે પોતાની અભિનય યાત્રા વિશે કહ્યું હતું કે તેમનું કામ ટચૂકડા પડદેથી શરૂ થયું હતું. ત્યારે પછી તેઓ ફિલ્મોમાં આવ્યાં. અને હવે 'જુબલી' વેબ સીરિઝ કરી રહ્યાં છે.

સલોની મુંબઈ આવીને એટલા માટે પણ ખુશ છે કે દિલ્હીમાં તે સાંજે સાત વાગ્યા પછી બહાર નહોતી નીકળી શકતી. તે કહે છે કે ત્યાં તમે છેડતીનો ભોગ ન બનો એવું ભાગ્યે જ બને. સાંજ પડયા પછી માતાપિતા જ પોતાની દીકરીઓને એકલી ઘરથી બહાર ન જવા દે. જ્યારે મુંબઈમાં હું રાત્રે બે વાગે પણ એકલી જ ઘરે જતાં નથી ડરતી. 


Google NewsGoogle News