સલમાનનું સચોટ સૂત્ર: કીપ વર્કિંગ! .
- 'તમે તમારા મૂડ પ્રમાણે ચાલવા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા નથી. તમારી ગર્લફ્રેન્ડ તમને છોડી જાય કે દિલ તૂટી જાય, ગમે તે થાય, તમારે બધું ભૂલીને લગાતાર મહેનત કરતા રહેવાનું છે.'
- 'હું હજુય મારી જાતને મોટી સ્ક્રીન પર જોવા ટેવાયો નથી. મને હજુ પણ લોકોના કોમ્પ્લીમેન્ટ્સ મળે છે કે તમે પડદાં કરતા રિયલમાં વધુ હેન્ડસમ લાગો છો!'
લ્યો! સલમાન ખાનની 'ટાઇગર-થ્રી' જેવી આવી એવી ગઈ. આ ફિલ્મે ન આમ દર્શકોને ખુશખુશાલ કર્યા, ન રિવ્યુઅર્સને. આશા તો ઘણી હતી કે દિવાળીના તહેવારો દરમિયાન રિલીઝ થયેલી યશરાજ બેનરની આ ફિલ્મ 'પઠાણ' અને 'જવાન' કરતાંય મોટો ધમાકો કરશે. એવું થયું નહીં. બોક્સ-ઓફિસની વાત કરીએ તો, આ લખાઈ રહ્યું છે ત્યારે, રિલીઝના નવમા દિવસે આ ફિલ્મનુ ગ્લોબલ કલેક્શન ૪૦૦ કરોડ નજીક ધીમે ધીમે આગળ વધી રહ્યંુ છે. વેલ, આ આંકડો કેટલો જેન્યુઇન છે ને કેટલો કૃત્રિમ રીતે ફૂલાવેલો એ તો સિનેમાદેવ જ જાણે.
ખેર, 'ભાઈ' હંમેશ મુજબ બિન્દાસ છે. લગભગ ત્રણ દશકથી સિનેમાપ્રેમીઓનું મનોરંજન કરતા આવેલા સલ્લુમિયાં ક્યારેક પોતાના મનની વાત જાહેરમાં કહી દે છે. મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં સલમાનને પૂછાયું, 'તમે પોતાને બિગ સ્ક્રીન પર જુઓ છો ત્યારે શું વિચારો છો?' ખાનનો જવાબ આશ્ચર્યનો આંચકો આપે એવો છે, 'ઈન ફેક્ટ, હું હજુય મારી જાતને થિયેટરની સ્ક્રીન પર જોવા ટેવાયો નથી. મને લાગે છે કે તેઓ ફિલ્મમેકરો મારી સાથે ન્યાય નથી કરતા. મને હજુ પણ લોકોના એવા કોમ્પ્લીમેન્ટ્સ મળે છે કે તમે પડદાં કરતા રિયલમાં વધુ હેન્ડસમ લાગો છો!' સલ્લુને થયું હશે કે આ જરા વધુ પડતું બોલાઈ ગયું એટલે એણે વાતને વાળી લીધી, 'ના, ના, મજાક કરું છું. ખરું કહું તો મારા પ્રોડયુસરો અને ડિરેક્ટરો ખરેખર બહુ મહેનત કરે છે. એક ફિલ્મ બનાવવા તનતોડ પ્રયાસ કરવા પડતા હોય છે.'
યુવા એક્ટરો માટે મહેનત કરતા રહેવું કેટલું અગત્યનું છે એ વિશે એકદમ પ્રેક્ટિકલ સલાહ આપતા બોલિવુડના ભાઈજાન કહે છે, 'જે દિવસે તમે સંતોષ માની લીધો એ દિવસે સમજો કે બધું ખલાસ થઈ ગયું. તમારી ડેબ્યુ ફિલ્મ ઠીકઠાક બિઝનેસ કરે પછી તમે ૧૦ ગણી વધુ મહેનત કરો તો જ આગળ આવી શકશો. એટલે આત્મસંતોષી નહીં બની જવાનું. કીપ વર્કિંગ. તમે ક્યારેક ખુશ હો એટલે શૂટિંગ કરવાનું ટાળો અને કોઈક વાર ઉદાસ કે દુ:ખી હો તો સેટ પર ન જાઓ, આવું બધું ઇન્ડસ્ટ્રીમાં ન ચાલે. તમે તમારા મૂડ પ્રમાણે ચાલવા અહીં નથી આવ્યા. તમારી ગર્લફ્રેન્ડ તમને છોડી જાય અને તમારું દિલ તૂટી જાય, ગમે તે થાય, એ બધું બાજુએ મૂકીને કામ કરતા રહો. કોઈ પણ સંજોગોમાં તમારે મહેનત કરતા રહેવાનું છે.'
પોતાની પેઢીના સકસેસફુલ હીરોલોગ વિશે વાત કરતાં સલમાન કહે છે, 'મેં 'મૈંને પ્યાર કિયા'થી સ્પીડ પકડી. આમિર 'કયામત સે કયામત તક'થી લોન્ચ થયો. શાહરુખ ખાને 'દીવાના'થી, અજય દેવગને 'ફુલ ઔર કાંટે'થી અને અક્ષયકુમારે 'ખિલાડી'થી શરૂઆત કરી. અમે બધા આજે ત્રણ દાયકા પછી પણ ટોપ પર છીએ. અમે સૌ આ જ રીતે ગ્રાસરૂટ લેવલથી ઉપર આવ્યા છીએ. ટકી રહેવાનું આ જ સૂત્ર છે- જેટલી વધારે સફળતા, એટલી વધારે મહેનત.'
વાત તો સાચી.