Get The App

સલમાન કે જિજાજી આયુષ કો ગુસ્સા ક્યોં આતા હૈ?

Updated: May 9th, 2024


Google NewsGoogle News
સલમાન કે જિજાજી આયુષ કો ગુસ્સા ક્યોં આતા હૈ? 1 - image


'બે ફિલ્મ વચ્ચે હું ખાસ્સો લાંબો બ્રેક લઉં છું. એ નિરાંતના સમયમાં મારે હવે પછી શું કરવું એ નક્કી થાય છે. પોતાનામાં ચેન્જ લાવવા હું મથતો રહું છું.'

સલમાન ખાનનો નાનો બનેવી આયુષ શર્મા હવે પોતાના સુપરસ્ટાર સાળાની છત્રછાયામાંથી બહાર આવી બોલિવુડમાં પોતાની નોખી ઓળખ બનાવવા આતુર હોય એવું લાગે છે. આયુષે સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ 'લવયાત્રી'થી એક્ટર તરીકે ડેબ્યુ કર્યું. એની બીજી ફિલ્મ 'અંતિમ' પણ સલમાનનું હોમ પ્રોડક્શન હતું અને ભાઇજાન પોતે જ એમાં લીડ રોલમાં હતા. એને કારણે શર્માજીની ઈમેજ સાઈડ એક્ટર તરીકેની થઈ ગઈ. આવી સેકન્ડરી ઈમેજમાંથી બહાર આવવા આયુષે ડિરેક્ટર કરણ લલિત બુતાનીની એક્શન ફિલ્મ 'રુસ્લાન' સાઈન કરી, જેમાં એ પહેલીવાર લીડ રોલમાં છે.

'રુસ્લાન'ની પ્રમોશન ઈવેન્ટમાં પણ આયુષ જ મોખરે રહ્યો અને એણે મીડિયાના સવાલોના જબરા કોન્ફિડન્સથી જવાબ આપ્યા. એ કહે છે, 'મારી પહેલી ફિલ્મ મને ઘણું બધુ શીખવી ગઈ પણ અંતિમમાંથી કંઈ શીખવા ન મળ્યું. જો કે એક વાત છે, મારો ડર ચાલ્યો ગયો. કોઈ ફેમિલીનો સપોર્ટ તમારી કરિયર ચેન્જ ન કરી શકે. મારે હવે કંઈ ગુમાવવાનું નથી. આમેય લોકો મને નબળો એક્ટર ગણે છે એટલે મારે હાર્ડ વર્ક કર્યા સિવાય છુટકો નથી. મારા ધ્યાનમાં આવતા દરેક ફીડબેક હું વાંચતો રહું છું. મારી લોકોને એક જ વિનંતી છે કે તમને જ્યારે પણ મારું કામ ખરાબ લાગે ત્યારે મારી અચુક ટીકા કરો. અત્યારે તો હું પોતાને એક્ટિંગનો સ્ટુડન્ટ જ માનું છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૦-૨૫ વરસ ન વીતાવું ત્યાં સુધી હું પોતાને એક્ટર ગણાવવા નથી ઇચ્છતો.'

હવે મીડિયામાંથી એક્ટરને એક પ્રોફેશનલ પૃચ્છા થાય છે, 'આયુષ્ય, તે અત્યાર સુધીમાં ગણીને ત્રણ ફિલ્મ કરી છે. એકીસાથે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા નથી થતી શું?' શર્માજી પોતાનું લોજિક રજુ કરે છે, 'સર, ઐસા હૈ કિ મૈ દો ફિલ્મ કે બીચ લંબા ગેપ રખતા હું. બે ફિલ્મ વચ્ચે હું ખાસ્સો લાંબો બ્રેક લઉં છું. એ નિરાંતના સમયમાં મારે હવે પછી શું કરવું એ નક્કી થાય છે. મારા પોતાનામાં ચન્જ લાવવા મથતો રહું છું. મારી ફિલ્મોને લઈને મારામાં એક પેશન આવી જાય છે. મારા ઘરેથી કોઈ પ્રેશર ન હોવા છતાં હું મારી ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શનમાં ખંપી જાઉં છું. સાચું કહું તો મને ફિલ્મ મેકિંગમાં મજા પડે છે, પણ નકામી ચર્ચા બિલકુલ ગમતી નથી.'

ઈન્ટરએક્શનની પુર્ણહુતિ વખતે મીડિયા પર્સન્સ આયુષ તરફ એક ગુગલી ફેંકે છે, 'મીડિયા તને વારંવાર સ્ક્રુટિનાઇઝ કરી એક ખાસ બ્રેક્ટમાં મૂકી દે છે ત્યારે તારું રિએક્શન શું હોય છે? તને કેવું લાગે છે?' 'રુસ્લાન'નો એક્શન હીરો પોતાનો પિત્તો ગુમાવે છે, 'તમે કદાચ નહિ માનો પણ જ્યારે પણ હું પોતાનું નામ બનાવવા માગું છું, મારી અલગ આઇડેન્ટિટી ઊભી કરવા ઇચ્છું છું ત્યારે મને (મીડિયા દ્વારા) ખાન ફેમિલી સાથે જોડી દેવાય છે. સદનસીબે એ પરિવાર મને પાછળ રાખવા નથી માગતો. હું ઇચ્છું છું કે લોકો મારા ફેમિલી મારા પેરેન્ટ્સ અને મારા ઉછેર વિશે વાતો કરે. મને એ સમજાતું નથી કે મારે દરેક વખતે (સલમાનના નિવાસસ્થાન) ગેલેક્સી અપાર્ટમેન્ટના પ્રવક્તા શા માટે બનવું જોઈએ? ફિલ્મોમાં મારું પરફોર્મન્સ જોઈને લોકો મને પૂછે છે કે આ જોયા પછી સલમાનનું રિએક્શન શું હતું? હું એમને એવું પૂછવા માગું છું કે મારા ડેડનું શું રિએક્શન હતું એવો પ્રશ્ન તમે મને શા માટે નથી કરતા?' આવી ભડાસ ઠાલવી આયુષ પોતાના ધરબાયેલા આક્રોશની ઝલક દેખાડે છે. 


Google NewsGoogle News