Get The App

સદાબહાર ફિલ્મ ગીતોના ગૂમનામ સાજિંદા

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
સદાબહાર ફિલ્મ ગીતોના ગૂમનામ સાજિંદા 1 - image


- જયરામ આચાર્ય

- 1970ના દાયકાનો પ્રસંગ છે. લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં લતા મંગેશકરનો પહેલો સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો. એ દિવસોમાં આપણા પાર્શ્વગાયકો પોતાની સાથે ખપ પૂરતા સાજિંદા સાથે લઇ જતા. લતાએ પોતાના મ્યુઝિક એરેંજર અનિલ મોહિલેને પૂછયું, 'જયરામ ક્યાં છે ?'

'અહીં કામ ઓછું થતાં જયરામ તો મુંબઇ છોડીને મદ્રાસ (હાલ ચેન્નાઇ) ચાલ્યો ગયો,' અનિલે માહિતી આપી. તરત લતાએ કહ્યું, 'એને બોલાવી લો. મારું નામ આપીને કહેજો કે અમારી સાથે વિદેશયાત્રાએ આવવાનુ છે...' અનિલે તરત મદ્રાસ ફોન જોડાવીને જયરામને સંદેશો મોકલી આપ્યો.

ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ગણાતા સમયગાળામાં જે થોડાક વાદ્યકારો લતાના માનીતા કે એની પસંદગીના ગણાતા એમાં એક આ જયરામ. આખું નામ જયરામ વેંકટરામન આચાર્ય. અવ્વલ દરજ્જાનો સિતારવાદક. કંઠ પણ મધુર. એના પિતા અને દાદા પણ સંગીતના અભ્યાસી હતી. ફિલ્મસંગીતના સિનિયર મોસ્ટ વાદ્યકારોમાં પહેલા દસ નામમાં, જયરામનું નામ મૂકવું પડે.

પીઢ સંગીતકાર નૌશાદ જ્યારે ઉસ્તાદ ઝંડે ખાનના સહાયક હતા એ ગાળામાં એટલે કે ૧૯૩૭-૩૮ની આસપાસ માતાપિતાના આશીર્વાદ લઇને જયરામ મુંબઇ આવ્યો. એની ઇચ્છા ગાયક બનવાની હતી. એ જમાનો કુંદનલાલ સાયગલ, સુરેન્દ્ર, કાનન બાલા, જી એમ દુર્રાની, જોહરાબાઇ અંબાલેવાલી, ગાયિકા અભિનેત્રી રાજકુમારી વગેરેનો હતો. જયરામ કોઇને ઓળખે નહીં. એકથી બીજા સ્ટુડિયોમાં ધક્કા ખાય. નવરો પડે ત્યારે સિતાર વગાડે.

ગજવામાં પૈસા ખૂટવા આવેલા. છૂટું છવાયું કામ મળે તો ઘણું એમ સમજીને ધક્કા ખાય. ૧૯૪૧માં ફિલ્મ 'નયા જમાના' (હીરો અશોક કુમાર)ના 'નયા જમાના આયા લોગોં...' ગીતમાં કોરસ ગાયક તરીકે ગાવાની તક મળી.

આ એ સમયની વાત છે જ્યારે સિતારસમ્રાટ પંડિત રવિશંકર, સરોદસમ્રાટ ઉસ્તાદ અલી અકબર ખાન અને તબલાનવાઝ ઉસ્તાદ અલ્લા રખ્ખા ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા હતા એક પ્રસંગે જયરામે પંડિત રવિશંકરને સિતાર છેડતા જોયા-સાંભળ્યા. એ મુગ્ધ થઇ ગયો. યોગાનુયોગે પંડિત રવિશંકરનું ધ્યાન જયરામ પર પડયું. આ યુવાન એકીટસે મને વગાડતો જોઇ રહ્યો છે, એમણે વિચાર્યું. કામ પૂરું થતાં એમણે જયરામને પાસે બોલાવ્યો. એના વિશે પૃચ્છા કરી. પોતે સિતાર વગાડતાં જાણે છે એવું જયરામે કહ્યું એટલે રવિશંકરે એને કહ્યું, 'ઠીક હૈ, કુછ સુનાઓ.'

જયરામે એક બંદિશ સિતાર પર છેડી. રવિશંકરે એને યોગ્ય ટેક્નિક સમજાવી અને ભવિષ્યમાં પોતાની ફિલ્મમાં સિતાર વગાડવા બોલાવવાની ખાતરી આપી. પાછળથી પોતાના સંગીતથી સજેલી ફિલ્મ અનુરાધામાં જયરામ પાસે સિતાર વગડાવી પણ ખરી.

ધીમે ધીમે જયરામને સિતારવાદનનું કામ મળતું થયું. પછી તો પચાસ પંચાવન વર્ષની કારકિર્દીમાં અસંખ્ય ગીતોમાં એની સિતાર રણઝણી. કેટલાંક ગીતો તો જયરામની સિતારના રણકારથી યાદગાર બની ગયાં. એવાં બે ચાર ગીતોનો ઉલ્લેખ જરૂરી છે. એ વિશે વાત કરવા પહેલાં એક આડવાત કરી લઇએ. ૧૯૫૦ના દાયકામાં સંગીતકાર નૌશાદ, શંકર જયકિસન બંને, રોશન, સલિલ ચૌધરી વગેરે પોતે અચ્છા સિતારવાદક હતા. ક્યારેક જરૂર પડયે મુખ્ય સંગીતકાર પોતે સિતાર પર પોતાને જોઇતી વસ્તુ વગાડી બતાવતા. પછી સિતારવાદક એ વગાડી બતાવતો.

જે ગીતે પહેલીવાર જયરામને લતાનો માનીતો બનાવ્યો અથવા કહો કે લતાનું ધ્યાન ખેંચ્યું એ ફિલ્મ 'શારદા'નું હતું. ૧૯૫૭માં રાજ કપૂર અને મીનાકુમારીને ચમકાવતી ફિલ્મ 'શારદા' આવેલી. એમાં સી. રામચંદ્રનું સંગીત હતું. લતા અને સી. રામચંદ્રના સંબંધો ત્યારે ખૂબ આત્મીય હતા. લતાએ ગાયેલું એ યાદગાર ગીત એટલે - 'ઓ ચાંદ જહાં વો જાયે, તૂ ભી સાથ ચલે જાના, કૈસે હૈં કહાં હૈં વો, હર રાત ખબર લાના...' આ ગીતમાં જયરામની સિતાર ગૂંજેલી. જોકે લતા સૌથી વધુ પ્રભાવિત થઇ ફિલ્મ 'પરખ'ના ગીતથી. ઉપશાસ્ત્રીય સંગીતમાં વધુ વપરાતા રાગ ખમાજ પર આધારિત આ ગીત એટલે 'ઓ સજના, બરખા બહાર આયી, રસ કી ફુહાર લાયી, અખિયોં મેં પ્યાર લાયી...' આ ફિલ્મનું સંગીત સલિલ ચૌધરીનું હતું. સલિલદાના સહાયકે જયરામને નોટેશન આપ્યું. જયરામે એના પર નજર ફેરવી અને સિતારના તાર પર મિજરાબનો ઝંકાર કર્યો. સલિલદા ઉપરાંત તરત લતાનું ધ્યાન ખેંચાયું.

આટલું વાંચીને રખે એમ સમજતા કે જયરામ રાગ આધારિત ગીતોમાં જ સિતારનો જાદુ પાથરી શકતો. ઔર એક બે ગીતો ગણગણો અથવા યુ ટયુબ પર માણો. 'પરખ' ફિલ્મ આવી ૧૯૬૦માં, એના બે વર્ષ પહેલાં ૧૯૫૮માં એક ફિલ્મ આવેલી- 'અજી બસ શુક્રિયા'. એમાં રોશનના સંગીતમાં એક સદાબહાર ગીતને જયરામની સિતારે એવરગ્રીન બનાવી દીઘેલું. એ ગીત એટલે લતાએ ગાયેલું 'સારી સારી રાત તેરી યાદ સતાયે...' આર. ડી. બર્મન (પંચમદા)ની પહેલી ફિલ્મ 'છોટે નવાબ'ના લતાએ ગાયેલા ગીત 'ઘર આજા ઘિર આયે બદરા સાંવરિયા, મોરા જિયા ઘક ધક રે, ચમકે બિજુરિયા...'માં સિતારના સ્વરો સાંભળો. ગીતમાં તલ્લીન થઇ જવાય.

આવાં અનેક ગીતો યાદ કરી શકાય. ફિલ્મ 'દિલ એક મંદિર'માં મીનાકુમારી અને રાજકુમાર પર ફિલ્માવેલા ગીત 'હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં...'માં, અરે સાવ રમતિયાળ ગીત 'તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસીકી નજર ના લગે, ચશ્મે બદ્દ્દુર...'માં પણ જયરામની સિતાર રણઝણી છે. લગભગ દરેક સંગીતકાર સાથે જયરામે સિતાર છેડી અને ગીતને યાદગાર બનાવવામાં ફાળો આપ્યો.

સ્વભાવે ધીરગંભીર, ઓછાબોલા છતાં મિલનસાર, સંગીતનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનારા જયરામ આચાર્યને આજે પણ જૂના સાજિંદા સ્નેહથી યાદ કરે છે. ૨૦૧૭ના એપ્રિલની પાંચમીએ જયરામે ૮૯ વર્ષની ઉંમરે ચિરવિદાય લીધી. એમનો પુત્ર અને પૌત્ર અત્યારે સાઉથની ફિલ્મોમાં સંગીતકાર છે. 


Google NewsGoogle News