સૈફ અલી ખાનની દિલધડક ચોરી
- સૈફે પોતાની બેગમ કરીના કપૂરને 'જાને જાં' વખતે સલાહ આપી હતીઃ બોબો, આ જયદીપ અહલાવત જરા જુદા પ્રકારનો એક્ટર છે. એફટીઆઈઆઈમાંથી ટ્રેનિંગ લઈને આવ્યો છે. ગમે ત્યારે ગૂગલી ફેંકશે. તૈયાર રહેજે!
સૈ ફ અલી ખાન જૂના શરાબ જેવો એક્ટર છે. ઉંમરની સાથે એનામાં નિખાર આવતો જાય છે. બોલિવુડનો આ એક એવો અભિનેતા છે જેને વાંચનનો પુષ્કળ શોખ છે. રસોઈ કરવાનો પણ એ શોખીન છે. એ નવો નવો હીરો બન્યો હતો ત્યારે તદ્ન વિચિત્ર અને લગભગ ૈણ દેખાતો હતો. ત્યાંથી શરૂ કરીને આ જે એ હિન્દી સિનેમાનો એક સૌથી તગડો અને વર્સેટાઇલ અદાકાર ગણાય છે. સૈફની અભિનયયાત્રા ખરેખર આકર્ષક છે.
સૈફને આપણે છેલ્લે 'આદિપુરુષ'માં જોયો હતો - લંકેશના પાત્રમાં. જોકે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ અને નિષ્ફળ ગઈ. સૈફ અલી ખાને હતાશ થયા વિના બીજા પ્રોજેક્ટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે એ જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર સાથે એ 'દેવરા' અને જયદીપ અહલાવત સાથે 'જ્વેલ થીફ'માં દેખાવાનો છે.
રોબી ગ્રેવાલ દિગ્દશત 'જ્વેલ થીફ'માં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત વચ્ચે થનારી ટક્કરે ઇન્ડસ્ટ્રીમાં ઉત્તેજના જગાવી છે. થોડા સમય પહેલાં સૈફની બેગમ કરીના કપૂરે 'જાને જાં'માં જયદીપ અહલાવત સાથે કામ કર્યું હતું. તે વખતે સૈફે એને સલાહ આપી હતીઃ બોબો, આ જયદીપ જરા જુદા પ્રકારનો એક્ટર છે. એફટીઆઈઆઈમાંથી ટ્રેનિંગ લઈને આવ્યો છે. ગમે ત્યારે ગૂગલી ફેંકશે. તૈયાર રહેજે'
'જ્વેલ થીફ'નો પ્લોટ રસપ્રદ છે અને મુખ્ય કલાકારો તો તગડા છે જ. ફેબુ્રઆરીમાં 'જ્વેલ થીફ'નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. પહેલા શેડયુલમાં એક્શન સીક્વન્સ અને તીવ્ર ડ્રામેટિક દૃશ્યો શૂટ થયાં. અત્યારે તેનું બીજું શેડયુલ ચાલી રહ્યું છે. મુંબઈના જુદાં જુદાં લોકેશન પર શૂટિંગ થઈ રહ્યું છે. ત્યારપછી સમગ્ર ટીમ શૂટીંગના અંતિમ તબક્કા માટે યુરોપ રવાના થશે, જ્યાં ગીતો અને કેટલાંક એક્શન સીન્સનું શૂટિંગ કરીને મે મહિના સુધીમાં શૂટિંગ પૂરૂં કરવાની ગણતરી છે.
'જ્વેલ થીફ'ના હાર્દમાં છે અમૂલ્ય વસ્તુની ચોરી, રહસ્ય, છેતરપિંડી અને સૈફ અને જયદીપનાં પાત્રો વચ્ચે થતી છીનાઝપટી. રોબી ગ્રેવાલ, સિદ્ધાર્થ આનંદ અને સંબિત મિશ્રાએ પટકથા લખી છે.
પ્રારંભમાં એવી અફવા ફેલાઈ હતી કે આ ફિલ્મ દેવ આનંદની ૧૯૬૭ની આ જ નામની ફિલ્મની રિમેક છે, પણ રોબી ગ્રેવાલે સ્પષ્ટતા કરી છે કે એની 'જ્વેલ થીફ' દેવ આનંદની ફિલ્મથી તદ્દન જુદી છે, ફ્કત ટાઇટલ જ સમાન છે. 'જ્વેલ થીફ'થી સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ આનંદનું પ્રોફેશનલ પુનમલન થશે. અલબત્ત, સિદ્ધાર્થ આ વખતે લેખક છે, ડિરેક્ટર નહીં. શરૂઆતમાં તો સૈફે ચોખ્ખું કહી દીધું હતું કે સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટર હશે તો જ હું ફિલ્મ કરીશ. જોકે પછી રોબી ગ્રેવાલે એને ફિલ્મની કથા સંભળાવી ત્યારે એની એવી મજા પડી ગઈ કે એણે હા પાડી દીધી. રોબીએ અગાઉ 'આખરી સચ' અને 'આરએડબલ્યુ' (રૉ) દિગ્દર્શન કર્યું હતું.
'વોર' (હૃતિક રોશન- ટાઈગર શ્રોફ) અને 'પઠાણ' (શાહરૂખ ખાન - દીપિકા પદુકોણ) ફિલ્મોથી હોટશોટ દિગ્દર્શક બની ગયેલા સિદ્ધાર્થ આનંદની મુખ્ય ઓળખ શરૂઆતમાં તો લેખક ઈન્દર રાજ આનંદના પુત્ર તરીકેની જ હતી. તે ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શક તરીકે સ્થાન બનાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે સૈફ અલી ખાને તેની પ્રતિભા પર વિશ્વાસ મૂકીને એની સાથે 'સલામ નમસ્તે' તેમજ 'તા રા રમ પમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ બન્ને ફિલ્મો સરેરાશ સફળ રહી હતી. સૈફ સાથે ઉપરાઉપરી બે ફિલ્મો કર્યા પછી સિદ્ધાર્થે રણીબર કપૂર સાથે 'બચના અય હસીનો' અને 'અન્જાના અન્જાની' બનાવી હતી. હવે સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ આનંદ ૧૭ વર્ષ પછી 'જ્વેલ થીફ'માં સાથે કામ કરી રહ્યા છે. જોકે સિદ્ધાર્થ આનંદ, અગાઉ કહ્યું તેમ, ફિલ્મના ડિરેક્ટર નથી, પણ સહલેખક છે.
સાચુંખોટું સિનેમાદેવ જાણે, પણ ગપસપ તો એવી ય સંભળાય છે કે એક ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મના હક્ક ૬૦ કરોડમાં ઓલરેડી વેચાઈ ગયા છે. આ ખબરને લીધે લોકોમાં 'જ્વેલ થીફ' માટેની ઉત્સુક્તા ઔર વધી ગઈ છે. એ તો નીવડયે વખાણ, બીજું શું!