સબા આઝાદ : હું સોશિયલ મિડીયાને હવે ગણકારતી નથી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
સબા આઝાદ : હું સોશિયલ મિડીયાને હવે ગણકારતી નથી 1 - image


- 'હું પણ હાડમાંસની બનેલી એક ઇન્સાન છું. મારી અંદર પણ હૃદય ધબકે છે. મારી લાગણીઓને પણ ઠેસ પહોંચે છે, પરંતુ હવે હું નેટિઝનોના ફિટકારથી ટેવાઈગઈ છું' 

એ વાત જગજાહેર છે કે ઋતિક રોશન અને સબા આઝાદ ગાઢ સંબંધમાં જોડાયેલાં છે. તેઓ જાહેરમાં એકસાથે જોવા મળે છે, સોશ્યલ મીડિયા પણ તેમના સંગાથની સતત ચાડી ખાય છે. પરંતુ આ સોશ્યલ મીડિયા જ સબા માટે સૌથી મોટી મોંકાણ બની ગયું છે.

વાત જાણે એમ છે કે નેટિઝનોને સબાના ઋતિક સાથેના સંબંધો ગળે નથી ઉતરતા. સબા ઋતિક કરતાં લગભગ અડધી ઉંમરની હોવાથી તેઓ આ અભિનેત્રી, થિયેટર ડિરેક્ટર અને મ્યુઝિશિયન જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી સુંદરીને કાયમ ખરીખોટી સંભળાવતા રહે છે. ગયા વર્ષના આરંભથી આ કલાકારોએ ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી સબા નેટિઝનોને આંખના કણાની જેમ ખૂંચી રહી છે. તેમાંય જ્યારે એવી વાતો વહેતી થઈ કે તેઓ લગ્નગાંઠે બંધાવાનાં છે ત્યારે તો સબા પર ફિટકારનો વરસાદ વરસવા લાગ્યો.

સબા માટે આ બધું સહન કરવું સહેલું નહોતું. શરૂઆતમાં તે બહુ વિચલિત થઈ જતી. અદાકારા કહે છે કે હું પણ હાડમાંસની બનેલી એક ઇન્સાન છું. મારી અંદર પણ હૃદય ધબકે છે. મારી લાગણીઓને પણ ઠેસ પહોંચે છે, પરંતુ હવે હું નેટિઝનોના ફિટકારથી ટેવાઈ ગઈ છું. હવે હું તેને ગંભીરતાથી નથી લેતી. મેં માની લીધું છે કે આમાં હું કાંઈ કરી શકું તેમ નથી. તેથી હું મારું જીવન જીવીશ અને તેઓ તેમનું જીવન જીવે. તેમને જે ગમતું હોય તે તેઓ કરે. મારા માટે અન્ય લોકો શું વિચારે છે તેને માટે હું જવાબદાર નથી.

હવે સબા બોલિવુડના પાપારાઝી કલ્ચરથી પણ ટેવાઈ ગઈ છે. તે કહે છે કે લોકોને બીજાની જિંદગીમાં ડોકિયા કરવાની કે ચંચુપાત કરવાની ભારે મોજ પડે છે. પાપારાઝીઓ તેમને અન્યોની પંચાત કરવા માટેની સામગ્રી પૂરી પાડે છે. આ તેમના કામનો ભાગ છે.

અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે અગાઉ સબા, ઈમાદ શાહ સાથે લિવ-ઈન-રિલેશનશીપમાં હતી. તેમનો આ સંબંધ વર્ષ ૨૦૧૩થી ૨૦૨૦ સુધી રહ્યો હતો. ઈમાદ, નસીરૂદ્દીન શાહ અને રત્ના પાઠક જેવી દિગ્ગજ કલાકાર જોડીનો પુત્ર છે. સબા અને ઈમાદ તેમના મ્યુઝિક બેન્ડ 'મેડ બૉય મિંક' માટે એકસાથે સંગીત બનાવતાં હતાં. જોકે તેમનું બ્રેકઅપ થયું ત્યાર પછી પણ તેમણે મિત્રો તરીકે આ કામ જારી રાખ્યંે છે. વર્ષ ૨૦૨૦માં બંને વિખૂટાં પડયા ત્યાર બાદ ૨૦૨૨ની સાલમાં સબા અને ઋતિકના સંબંધો બંધાયા હતા.


Google NewsGoogle News