સબા આઝાદઃ હૃતિક રોશન અસલી જીવનમાં પણ અત્યંત રોમેન્ટિક છે
ડે ડીની સુપરહીટ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી ડેબ્યુ કરનાર હૃતિક રોશન એક શાશ્વત રોમેન્ટિક વ્યક્તિ છે. સુઝેન ખાન સાથેના ડિવોર્સ બાદ વરસોથી એ અભિનેત્રી અને મ્યુઝિશિયન સબા આઝાદના પ્રેમમાં છે. બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે. એમાંય હૃતિક પોતાની ગર્લફ્રેન્ડને રાજી કરવાની તક શોધતો રહે છે. હાલમાં એને આવી જ એક સોનેરી તક મળી. કઈ રીતે? જોઈએ.
સબા આઝાદ કાશ્મીરમાં આકાર લેતી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'સોંગ્સ ઓફ પેરેડાઈઝ'માં લીડ રોલ કરે છે. સબાએ હાલમાં દાનિશ રેન્ઝુ દિગ્દર્શિત આ ફિલ્મ વિશેની એક અપડેટ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુકી. લવરબોય હૃતિકને તો આટલું જ જોઈતું હતું. એણે સબાની પોસ્ટને રિસ્પોન્સ આપી ફિલ્મમાં એના પરફોર્મન્સના વખાણ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. હૃતિકે કમેન્ટ સેક્શનમાં લખ્યું, 'દરેક એકટરે તારુ આ પરફોર્મન્સ જોવું જોઈએ. હાર્ટ રેન્ચિંગ (દિલ હિલા દેનેવાલા પરફોર્મન્સ)! મેં આજ સુધીમાં જોયેલા બેસ્ટ પરફોર્મન્સીસ પૈકીનું આ એક છે.'
કાશ્મીરના આધ્યાત્મિક અને સુફી સંગીતને ફરીથી દુનિયાભરમાં ગાજતું કરવા ખ્યાતનામ ફિલ્મમેકર દાનિશ રેન્ઝુએ 'સોંગ્સ ઓફ પેરેડાઈઝ' નામની આ મૂવી બનાવી છે. એમનો ઉદ્દેશ કાશ્મીરના જુના ગીતોને ગુંજતા કરવા એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. રાજ્યના સિદ્ધહસ્ત સિંગરોને સમર્પિત આ ફિલ્મના પ્રેરણાસ્રોત કે સદ્ગત ગાયિકા રાજ બેગમ. એમની ગાયકી કાશ્મીર ખીણમાં અજરાઅમર ગણાય છે.
સબાના બોયફ્રેન્ડ હૃતિક પર પાછા ફરીએ તો સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત એની લેટેસ્ટ રિલિઝ 'ફાઇટર' ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. અલબત્ત, શાહરુખની 'જવાન' અને રણબીર કપૂરની 'એનિમલ' સામે એનો બિઝનેસ કોઈ વિસાતમાં નથી. 'ફાઇટર'માં હૃતિક અને દીપિકા પદુકોણની જોડી પડદા પર પહેલીવાર સાથે આવી છે. એ જોતાં ફિલ્મ બંપર કલેક્શન કરશે એવી અપેક્ષા રખાતી હતી. એરફોર્સના બેકગ્રાઉન્ડ પર બનેલી આ એક્શન ફિલ્મમાં અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને
કરણસિંહ ગ્રોવર પણ મહત્ત્વના રોલમાં છે.