રૂપાલી ગાંગુલી પર સાવકી પુત્રીના ગંભીર આરોપ .
- ઇશાની પોસ્ટ પર તેણે એમ લખ્યું છે કે શું કોઇ રૂપાલીની અસલિયત જાણે છે ? તેણે મને અને મારી બહેનને અમારા પિતાથી દૂર કરવાના પ્રયાસો કર્યા છે.
હાલના તબક્કે લોકપ્રિયતાની ટોચ પર રહેલી ધારાવાહિક 'અનુપમા'માં સિદ્ધાંતવાદી, પરગજુ, લાગણીશીલ, ત્યાગની મૂર્તિ, ભલમનસાઇની પ્રતિક સમી 'અનુપમા'ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીની સાવકી પુત્રીએ વર્ષ ૨૦૨૦માં સોશ્યલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ ફરીથી સામે આવતા વિવાદ શરૂ થઇ ગયો છે. આ પોસ્ટમાં રૂપાલીની સાવકી પુત્રી ઇશા વર્માએ તેને ક્રૂર અને સામી વ્યક્તિને નિયંત્રણમાં રાખનારી કહી છે. એટલું જ નહીં, ઇશાએ એવો આરોપ પણ મૂક્યો છે કે રૂપાલીનો તેના પિતા સાથે ઘણાં વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો તેથી જ તેના માતાપિતા છૂટા પડયાં. મહત્વની વાત એ છે કે ચાર વર્ષ પછી પણ ઇશા આ પોસ્ટ પર કાયમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલી ગાંગુલીના પતિ અશ્વીન વર્માના અગાઉ બે વખતે લગ્ન થયા હતાં. આ બંન્ને વિવાહથી તેને એક એક પુત્રી થઇ હતી. ઇશા તેની નાની પુત્રી છે. રૂપાલીએ અશ્વિન વર્મા સાથે વર્ષ ૨૦૧૩માં લગ્ન કર્યા હતા. અને તેમને એક પુત્ર છે. હમણાં રૂપાલી પોતાના રોલને પગલે લોકપ્રિયતાના શિખર પર છે ત્યારે 'અનુપમા'ના સેટ પરથી પણ પોતાના સાથી કલાકારો સાથેની તેની ગેરવર્તણૂંકની વાતો અવારનવાર આવતી રહે છે. આવી સ્થિતિમાં ઇશાની વર્ષ ૨૦૨૦ની ફરીથી આવેલી આ પોસ્ટે બળતામાં ઘી હોમ્યું છે.
ઇશાની પોસ્ટની વાત પર પરત ફરીએ તો તેણે એમ પણ લખ્યું છે કે શું કોઇ રૂપાલીની અસલિયત જાણે છે ? તેણે મને અને મારી બહેનને અમારા પિતાથી દૂર કરવાના પ્રયાસો કર્યા છે. હું આ બધુ એટલા માટે કહી રહી છું કે મીડિયામાં રૂપાલી એવો દાવો કરે છે કે મારા પિતા સાથે તે સુખી વિવાહિત જીવન વિતાવી રહી છે. જ્યારે હકીકતમાં તે સામી વ્યક્તિને પોતાના દબાણમાં રાખનારી, જબરી સ્ત્રી છે. હું જ્યારે જ્યારે મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમાબૂમ, ચીસાચીસ કરી મૂકે છે. તે મને અને મારી મમ્મીને મારી નાખવાની ધમકીઓ આપે છે. તેણે અશ્વિન વર્માના અસલી પરિવારજનોનું જીવન બરબાદ કરી નાખ્યુ છે. રૂપાલી બહાર એવો પ્રચાર કરે છે કે તેમના પ્રેમલગ્ન સાચાં છે. વાસ્તવમાં તેણે પોતાની ઇચ્છા પૂરી કરવા અમને બરબાદ કર્યા છે. ખરૃં કહું તો તેણે એ જ કર્યું છે જે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું છે. તે મારા પિતાને ચિત્રવિચિત્ર દવાઓ ખવડાવે છે અને તેમના જીવનને નિયંત્રિત કરે છે.
હાલના તબક્કે ૨૬ વર્ષની અને ન્યુજર્સીમાં રહેતી ઇશાએ મીડિયાને કહ્યું હતું કે મારી અગાઉની પોસ્ટ ફરીથી વાઇરલ થતી જોઇને મને ખુશી થઇ રહી છે. જોકે રૂપાલીની સ્થિતિ પણ બહુ સારી નથી. તે ફક્ત મારા ભાઇની માતા છે એટલું જ તેના સિવાય અમારી વચ્ચે કોઇ સંબંધ નથી.
મહત્વની વાત એ છે કે ઇશાએ આ પોસ્ટ ફરીથી સામે આવ્યા પછી વર્ષ ૨૦૨૧ની એક તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ફોટામાં તે, તેના પિતા અને રૂપાલી બહુ ખુશ હોય એવું લાગી રહ્યું છે. આવી તસવીર મૂક્યા પછી ઇશાએ કહ્યું હતું કે આ તસવીર દ્વારા હું એમ કહેવા માગું છું કે તેમની સાથે મારો સંબંધ છે, આમ છતાં મારા પિતા કે રૂપાલીએ મને વ્યક્તિગત રીતે અથવા જાહેરમાં પણ સ્વીકારી નથી. પાંચ વર્ષ પછી મારા પિતાને મળવું મારા માટે આશિર્વાદ સમાન હતું. જેમની પાસે માતાપિતા બંને હોય તે સંતાનો ભાગ્યશાલી ગણાય. હું માત્ર આઠ વર્ષની હતી ત્યારે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા હતા. આજે ભલે તેઓ એમ બતાવતા હોય કે તેઓ ખુશહાલ પરિવાર છે. પરંતુ તેમણે પોતાના બીજા પરિવારને પાછળ છોડી દીધો છે.
પુત્રી ઇશાની આ પોસ્ટ પછી અશ્વિન વર્માને સોશ્યલ મીડિયા પર તેનો જવાબ આપતાં કહ્યું હતું કે મારી પુત્રી તેના માતા-પિતા વિખૂટા પડયાં તેને કારણે દુઃખી છે. મારા અગાઉના બને લગ્નથી મને બે પુત્રીઓ છે તેના વિશે હું અને રૂપાલી નિઃસંકોચપણે વાત કરીએ છીએ. પરંતુ ઇશા તેના માતા-પિતાના છૂટાછેડાને પચાવી નથી શકી. વાસ્તવમાં મારી બીજી પત્ની અને મારી વચ્ચે ઘણી સમસ્યાઓ હતી. અમારા વિખૂટા પડવા પાછળ ઘણા કારણો હતા. કોઇ એક વ્યક્તિને તેની સાથે કશી લેવાદેવા નથી.
જોકે પિતાની પ્રતિક્રિયાથી ઇશાને બહું દુઃખ થયું હતું. તેણે કહ્યું હતું કે તેમનું નિવેદન દુઃખદાયક છે. જોકે તેણે પોતાની પોસ્ટ જોનારાઓ અને તેના પર પ્રતિક્રિયા આપનારાઓનો આભાર માન્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે કેટલાંક સત્ય બહાર આવવા જ જોઇએ. મારા પિતાએ પોતાની પોસ્ટમાં રૂપાલીનો બચાવ કર્યો છે તેનું કારણ તેની પબ્લિક ઇમેજ છે. જોકે રૂપાલી પોતાના શોમાં જે મૂલ્યોને અનુસરે છે તેને વાસ્તવિક જીવનમાં તેણે ઠોકરે ચડાવ્યાં છે. હું આ વાત કરીને મોટું જોખમ નોંતરી રહી છું. તેની મને જાણ છે. પરંતુ મારા માટે એટલું જ પૂરતું છે કે મારી વાત સાંભળવામાં આવી રહી છે. આ કદાચ લાંબી લડતનો આરંભ છે, એમ છતાં તે મને ન્યાયના આરંભ સમાન લાગે છે.
જોકે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી રૂપાલી ગાંગુલીએ ઇશાના આરોપો બદલ એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી.