રુબિના દિલૈક : રિઆલિટી શોઝની મહારાણી
- ''ઝલક દિખલા જા'માં માધુરી દીક્ષિત સામે ડાન્સ કરતાં પરસેવો છૂટી જાય છે. માધુરી તો ડાન્સની દેવી છે. જ્યારે તે તમારી સામે નિર્ણાયકની ખુરશી પર બેઠી હોય ત્યારે તેની સામે નાચવું સહેલું નથી જ.'
ટ ચૂકડા પડદે ઘણી ધારાવાહિકોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવનાર રુબિના દિલૈક છેલ્લા કેટલાક વખતથી રીઆલિટી શોઝમાં ભાગ લઇને પોતે વાસ્તવમાં કેવી છે તેનો પરિચય આપી રહી છે. હાલ 'ઝલક દિખલા જા'માં પોતાના ડાન્સ વડે દર્શકોના દિલ જીતી રહેલી આ અદાકારા છેલ્લે 'ખતરોં કે ખિલાડી-૧૨'માં પોતાના સાહસનો પરચો બતાવી ચૂકી છે. તેનાથી પહેલા વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ'માં રુબિના વિજેતા બની હતી. તે જે રીતે ઉપરાઉપરી રિઆલિટી શોઝ કરી રહી છે તે જોતાં તેને રીઆલિટી શોઝની રાણી કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.
ઘણા લોકોને જોકે એવો પ્રશ્ન થાય છે કે ક્યાં સાહસિકતાથી ભરેલો શો 'ખતરોં કે ખિલાડી' અને ક્યાં અંગમરોડ અને લટકા-ઝટકાં દર્શાવતો ડાન્સ શો 'ઝલક દિખલા જા'. રુબિનાએ પોતાને આટલી ઝડપથી આ શો માટે શી રીતે તૈયાર કરી હશે? આના જવાબમાં અદાકારા કહે છે કે પોતાને તૈયાર કરવાની જરૂર ત્યારે પડે જ્યારે તમે કોઇ પાત્ર ભજવતાં હો. રીઆલિટી શોઝમાં તો તમારે જેવા છો તેવા જ રજૂ થવાનું હોય. તેને માટે તૈયારીની શી જરૂર? આ પ્લેટફોર્મ પર દર્શકો તમારું વાસ્તવિક સ્વરૂપ જોઇ શકે છે.
રુબિનાએ ઉપરાઉપરી રિઆલિટી શોઝ હાથ ધર્યાં તે જોયા પછી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે હવે ધારાવાહિકોમાં કામ કરશે કે કેમ? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતુ કે કલાકાર માટે કોઇપણ માધ્યમ મોટું કે નાનું ન હોય. તેના માટે તેનો પ્રોજેક્ટ અગત્યનો હોય. તેને જે માધ્યમમાં સારું કામ મળે તે માધ્યમમાં તે કામ કરવા તૈયાર થઇ જાય. જો મને મારી સર્જનાત્મક્તા દર્શાવવાની તક મળે એવી ધારાવાહિક ઑફર થશે તો હું હજી પણ ટચૂકડા પડદાની સિરિયલમાં કામ કરવા તૈયાર છું. મને તેમાં કામ કરવામાં જરાય વાંધો નથી.
એ વાતમાં બે મત નથી કે રિઆલિટી શોઝ સ્પર્ધકોને થકવી નાખનારા હોય છે. આ બાબતે રુબિના કહે છે કે જો તમે તેમાં ખુશીથી ભાગ લીધો હોય અને આનંદપૂર્વક કામ કરી રહ્યાં હો તો તમને તેનો થાક ન લાગે. અમે લાંબા સમય સુધી ચાલેલા 'ખતરોં કે ખિલાડી'નું સમાપન કરીને આવ્યા કે તરત જ મેં 'ઝલક દિખલા જા'નું કામ હાથ ધર્યું. તેમાં મને દરરોજ થોડાં કલાક સુધી ડાન્સ પ્રેક્ટિસ કરવાની જરૂર પડતી હતી અને હજી પણ પડે છે. અલબત્ત, હું થોડી થાકી હતી. પરંતુ મને તેમાં કામ કરવાની મોજ પડે છે તેથી મારો થાક ગાયબ થઇ ગયો છે.
મોટાભાગના લોકો માને છે કે 'ખતરોં કે ખિલાડી'માં રુબિનાએ જે રીતે કામ કર્યું તે જોઇને રોહિત શેટ્ટી તેને પોતાની ફિલ્મમાં જરૂર કામ આપશે. અથવા અભિનેત્રી સ્વયં તેની પાસે કામ માગશે. પરંતુ રુબિના કહે છે કે અમારી વચ્ચે હજી સુધી આવી કોઇ વાત નથી થઇ.
જોકે અદાકારાને 'ઝલક દિખલા જા'માં માધુરી દીક્ષિત સામે ડાન્સ કરતાં પરસેવો છૂટી જાય છે. તે કહે છે કે તે ડાન્સની દેવી છે. જ્યારે તે તમારી સામે નિર્ણાયકની ખુરશી પર બેઠી હોય ત્યારે તેની સામે નાચવું સહેલું નથી. પ્રારંભિક તબક્કામાં મારા મગજમાં સતત એક જ વાત ચાલતી હતી કે હું તેની સામે સારી રીતે પરફોર્મ કરી શકીશ કે નહીં, પણ છેવટે મેં મારો આત્મવિશ્વાસ કેળવી લીધો. હું મારા ડરને ક્યારેય મારા મન-મગજ પર છવાઇ જવા નથી દેતી.
રુબિના આટલું બધું કરી શકે છે તેની પાછળ તેના પતિ અભિનવ શુક્લાનો સહયોગ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રુબિના કહે છે કે તે ડગલે ને પગલે મારી પડખે અડીખમ બનીને ઊભો રહે છે. તે મારો મુખ્ય આધાર છે. વાસ્તવમાં તેણે ઑગસ્ટ મહિનામાં મારા જન્મદિન નિમિત્તે રજાઓનું આયોજન કરી રાખ્યું હતું. પણ મને આ શો મળતાં એ આયોજન રદ્દ કરવાની નોબત આવી. આમ છતાં તેણે મને કહ્યું હતું કે તારા બર્થ-ડેએ તું કામ કરતી હોય તેનાથી મોટી ઉજવણી બીજી કોઇ ન હોઇ શકે. ખરેખર તો મને આ વાત પર ગર્વ છે.