રોનિત રોય હવે સાદગીના માર્ગે વળ્યો છે
- 'મારા જેવા એક્ટરોએ કામના ભાગરૂપે સતત જુદી જુદી ઇમોશન્સ વ્યક્ત કરવાની હોય છે. ક્યારેક તે અમને કચડી નાખે છે. તેથી સમયાંતરે ફેમિલી અને ખુદને સમય આપવા બ્રેક લેવા પડે છે.'
રોનિત રોયને તમે આરામથી હેપ્પી હેપ્પી એકટર્સ ક્લબમાં સામેલ કરી શકો. એટલા માટે કે રોનિત વિવિધ મીડિયમ્સમાં પોતાને મનગમતા પ્રોજેક્ટ્સ મેળવીને ખુશખુશાલ છે, પરંતુ એણે હમણાં સોશિયલ મીડિયા પર એક ભેદી પોસ્ટ મુકીને બધાને વિચારતા કરી દીધા હતા. પોસ્ટમાં એક્ટરે એવું લખ્યું હતું કે મારે હીલિંગની (સાજા થવાની) જરૂર છે. અલબત્ત, રોનિતે પછીથી એ પોસ્ટ ડિલિટ કરી નાખી, પણ એને પગલે ઊભું થયેલું હીલિંગનું રહસ્ય તો યથાવત્ રહ્યું.
હમણાં એક મીડિયા ઇન્ટરએક્શનમાં રોહિતને એ વિશે પૂછાયું ત્યારે એણે ખુલાસો કર્યો, 'મેં એ પોસ્ટ એટલા માટે મૂકી હતી કે બધાને અને એમાંય હીલિંગની જરૂર પડે છે. સૌ જાણે છે કે અમારા કામમાં અમારે સતત જુદી જુદી ઇમોશન્સ દાખવવાની હોય છે અને ક્યારેક એ અમને કચડી નાખે છે. સોશિયલ મીડિયા પણ ખૂબ ટોક્સિક (ઝેરીલું) બની શકે છે અને એટલે મારે સમયાંતરે મારા ફેમિલી અને મારી પર્સનલ લાઈફ પર ધ્યાન આપવા એમાંથી બ્રેક લેવો પડે છે.'
રોનિત સાથે એક બીજી રાઝ કી બાત પણ જોડાયેલી છે. એ મોટાભાગે બ્લેક કે વ્હાઈટ વસ્ત્રોમાં જ દેખાય છે. એનું શું કારણ છે? એક્ટર સ્માઈલ સાથે સ્પષ્ટતા કરે છે, 'હું વ્હાઈટ શર્ટ્સ અને વ્હાઈટ ટી-શર્ટ્સ જ પહેરું છું. મારે મારો અડધો વખત શું પહેરવું એ નક્કી કરવામાં બગાડવો નથી. જીવનમાં સાદગી લાવવી છે. મારી પાસે ઢગલેઢગલાં કપડાં છે, પણ હવે હું એ પહેરતો નથી. તમે કદાચ નહિ માનો પણ મેં શુઝ, એસેસરીઝ અને બીજી વસ્તુઓ કાઢી નાખી મારો પા ભાગનો પર્સનલ રૂમ ખાલી પણ કરી નાખ્યો છે છતાં હજુ રૂમ એટલો ભરચક છે કે એમાં ઊભા રહેવાની જગ્યા નથી. હવે હું જ્યારે પણ શુટિંગ કરતો હોઉં અને મને લાગે કે પ્રોડક્શનના માણસો શૂટ માટે નવાં કપડાં ખરીદવાના છે ત્યારે હું એમને કહું છું કે પ્લીઝ, હમણાં મારી પાસેથી કપડાં લઈને વાપરો પછીથી મને એ મને પાછા કરી દેજો.'
રોનિતને ટીવી સીરિયલોએ ઘણું આપ્યું છે. એ જોતાં એક્ટર ટેલિવિઝનમાં પાછા ફરવા નથી માગતા? આવી પૃચ્છાના ઉત્તરમાં રોહિત સીધુંને સટ કહી દે છે, 'અત્યારે તો ટીવી શોઝના મેકરોને મને ક્યા સ્લોટમાં મુકવો એ સમજાતું નથી, પણ 'અદાલત' જેવી કોઈ ઑફર આવશે તો મને એમાં ચોક્કસ રસ પડશે. મારા ઘણા બધા ફેન્સ મને એ સીરિઝ પાછી લાવવાનો આગ્રહ કરે છે, પરંતુ અત્યારે તો મારા માટે લાંબી ચાલતી ટીવી સીરિયલો સ્વીકારવી શક્ય નથી. હકીકતમાં મને તો એવું લાગે છે કે ટીવીમાં સીમિત એપિસોડ્સની સીરિઝનો સમય આવી ગયો છે.'