મરાઠી ફિલ્મ વેડ બનાવવામાં રિતેશે રેઅર અનુભવો કર્યા
- 'મહારાષ્ટ્રના લોકો માટે મરાઠી ફિલ્મ પહેલી પસંદગી નથી. હિન્દી ફિલ્મો એમનો પહેલો પ્રેફરન્સ હોય છે. એમાંય હોલિવુડની કે બીજી ભાષાની કોઈ સારી ડબ થયેલી મૂવી આવે તો લોકો એ જોવા જાય.'
રિ તેશ દેશમુખ એક રાજકીય પરિવારમાંથી આવે છે. એના સદ્ગત પિતા વિલાસરાવ દેશમુખ એકથી વધુ વાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા. આ એક્ટરે ૨૦૨૨માં પોતાના બેનર હેઠળ મરાઠી ફિલ્મ 'વેડ' બનાવી અને એનું ડિરેક્શન પણ જાતે જ કર્યું. પોતાના એ સાહસિક પગલા વિશે વાત કરતા એક્ટર કહે છે, 'લગભગ આઠ વરસ પહેલા મને ડિરેક્શન કરવાનો વિચાર આવ્યો હતો. મારી એકટ્રેસ વાઈફ જેનેલિયા દેશમુખે મને ડિરેક્શનમાં ઝંપલાવવા ફાઈનલ હડસેલો માર્યો. અમે વેડની સ્ક્રીપ્ટ વિશે ત્રણ વરસ પહેલા ચર્ચા કરતા હતા એ દરમિયાન જેનેલિયાએ મને આ નવી જવાબદારી લેવા પ્રોત્સાહિત કર્યો. એણે મને કહ્યું કે તું ડિરેક્ટર બનવા રાહ જોયા કરીશ તો કદી બની નહિ શકે. અત્યારે જ ભૂસકો મારી દે.'
એક્ટરમાંથી ડિરેક્ટર બનવાનો પોતાનો અનુભવ શેર કરતા રિતેશ અમુક સાચી કબુલાત કરી લે છે, 'ખરું પૂછો તો એક એક્ટર માટે બનવાનો છે. તમે રાતોરાત ડિરેક્શનમાં ઝંપલાવી નથી શકતા. મનમાં હા-ના, હા-ના ચાલ્યા કરે છે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કેમેરાની પાછળ જવું એટલું ઈઝી નથી. અધુરામાં પુરું હું કોઈ ફિલ્મ સ્કૂલમાં ભણ્યો નથી. જે કંઈ આવડે છે એ બધુ સેટ પર જ શીખ્યો છું. જુદા જુદા ડિરેક્ટરો સાથે કામ કરવાને લીધે મારી અંદર સિનેમા વિશે એક નવો દ્રષ્ટિકોણ રચાયો. હવે હું ડિરેક્ટર તરીકે હિન્દી અને મરાઠીમાં રાજા શિવાજી નામની મૂવી બનાવી રહ્યો છું.'
પ્રોડયુસર-ડિરેક્ટર બન્યા બાદ પણ દેશમુખ પોતાના એક્ટિંગ અસાઇડમેન્ટ્સમાં પણ બિઝી રહે છે. ફિલ્મનું ડિરિેક્શન કલાકારની ક્ષિતિજો વિસ્તારે છે એવું જાત અનુભવ પરથી કહેતા એક્ટર કહે છે, 'એકવાર તમે પ્રોડયુસર બની જાવ પછી આપોઆપ નિર્માતાઓને માનની નજરેથી જોતા થઈ જાવ કારણ કે પ્રોડક્શન એક થેન્કલેસ કામ છે. તમારી હાલત જુની ફિલ્મોના છોકરીના બાપ જેવી થઈ જાય, જે લાચાર બનીને પૂછ્યા કરે કે આપ બતાઓ મૈં ક્યા કર સકતા હું. તમારે બધા સાથે મીઠુ-મીઠુ બોલવવું પડે અને બધુ એકલા હાથે મેનેજ કરવાનું આવે. એક લાભ પણ છે. એક્ટર તરીકે તમે પોતાના પરફોર્મન્સ થકી ફિલ્મનો એક હિસ્સો બની શકો, પરંતુ પ્રોડયુસર-ડિરેક્ટર તરીકે મૂવીની પૂરેપૂરી માલિકી તમારા હાથમાં આવી જાય છે. આટલો ફરક પડે છે.'
ભારતીય સિનેમાનો લેન્ડસ્કેપ વિકસી રહ્યો છે અને એમાં સારા કન્ટેન્ટવાળી ફિલ્મો સ્પોટલાઈટમાં આવી ગઈ છે. સિનેમાના અભ્યાસુ જીવ રિતેશનું એવું માનવું છે કે આ બદલાવને કારણે મરાઠી સિનેમા સામે અનોખા પડકારો ઊભા થયા છે. 'દક્ષિણના રાજ્યો કરતાં ઊલટું મહારાષ્ટ્રના લોકો માટે મરાઠી ફિલ્મ પહેલી પસંદગી નથી. હિન્દી ફિલ્મો એમનો પહેલો પ્રેફરન્સ હોય છે. એમાં હોલિવુડની કે બીજી ભાષાની કોઈ સારી ડબ થયેલી મૂવી આવે તો લોકો એ જોવા જાય. એમની પસંદગીની યાદીમાં મરાઠી ફિલ્મો સૌથી છેલ્લી આવે. આ બધાનો સામનો કરવા મજબુત કન્ટેન્ટવાળી મૂવી બનાવવી આવશ્યક છે. તમારી સ્ટોરી સારી હોવી જોઈએ અને એના કારણે દર્શકો થિયેટરોમાં આવવા પ્રેરાવા જોઈએ. સદભાગ્યે એની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં મરાઠી ફિલ્મોને મળેલી સફળતા ઇન્ડસ્ટ્રી માટે એક સારો સંકેત છે.'