સંબંધો તૂટયા, વિવાદો થતા રહ્યા, પણ કમલ હાસનનું સ્ટારડમ અકબંધ રહ્યું
- વાણીથી છૂટા પડયા પછી કમલનાં લગ્ન સારિકા સાથે થયાં. તેમને બે પુત્રીઓ થઈ - અક્ષરા અને શ્રુતિ. જોકે એક સહકલાકાર સાથે અફેર થતાં સારિકા સાથેના સંબંધનો પણ અંત આવ્યો.
દક્ષિણના આઈકોનિક તમિલ સુપરસ્ટાર કમલ હસનની પ્રારંભિક ફિલ્મી કારકિર્દીની એક ડાન્સર તરીકે નમ્ર શરૂઆત થઈ હતી. એ સમયે તે એક મહિલા કલાકાર સાથે રિલેશનશીપમાં સંડોવાયો હતો, પણ આ સંબંધનો અકાળે અંત આવ્યો અને એ મહિલા કલાકારનું અવસાન થયું. કમલ હસનની કારકિર્દી જેમ જેમ આગળ વધતી ગઈ, તે લોકપ્રિયતા હાંસલ કરતો ગયો અને ફિલ્મ ઉદ્યોગમાં તેની સતત ઉન્નતિ થતી રહી. મેલનાટ્ટુ મરુમગલ કમલ માટે ગેમ ચેન્જર હતી જેમાં વાણી ગણપથીએ મહેમાન ભૂમિકા ભજવી હતી. ગણપથી એક પ્રતિભાશાળી નૃત્યાંગના હતી.
ફિલ્મના નિર્માણ દરમ્યાન કમલ અને વાણીની પ્રેમ કહાની આગળ તો વધી પણ કમલની માતાનો આ રિલેશનશીપ બાબતે જોરદાર વિરોધ હતો. જો કે કમલ તેની માતાને સમજાવવામાં સફળ રહ્યો અને વાણી સાથે તેના પ્રથમ લગ્ન થયા.
કમલની કારકિર્દી સતત પ્રગતિ કરતી રહી અને તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. એ સમયે સારિકા તેના જીવનમાં આવી. તેણે કમલને બોલીવૂડમાં પગદંડો જમાવવામાં પૂરુ સમર્થન આપ્યું.
સારિકા સાથે કમલનો સંબંધ પરિણયમાં પરિણમ્યો અને સારિકા કમલથી સગર્ભા બની. તેમના સંબંધ વિશે સારિકાએ એક અખબારને મુલાકાતમાં માહિતી લીક કરતા કમલ અને તેની પત્ની વાણી વચ્ચે ઘર્ષણ સર્જાયું જે આખરે છૂટાછેડા સુધી પહોંચી ગયું. વાણીએ પછી ખુલાસો કર્યો કે તેના લગ્ન જીવન દરમ્યાન કમલની જીદને કારણે તેણે ત્રણ વાર ગર્ભપાત કરાવવો પડયો હતો.
વાણીથી છૂટા પડયા પછી કમલના લગ્ન સારિકા સાથે થયા જેનાથી તેને બે પુત્રી અક્ષરા અને શ્રુતિ થઈ. જો કે કમલને એક સહકલાકાર સાથે અફેર થતા સારિકા સાથેના તેના સંબંધનો પણ અંત આવ્યો.
ત્યાર પછી કમલ તેની અન્ય એક કો-સ્ટાર ગૌતમી સાથે રિલેશનશીપમાં જોડાયો, પણ તેમનો સંબંધ ઝાઝુ ટકી શક્યો નહિ.
કમલના સંબંધો વિવાદોથી ઘેરાયેલા રહ્યા પણ તેની ફિલ્મોની પસંદગીમાં તેણે ક્યારે પણ મૂલ્યો સાથે સમાધાન ન કર્યું. જે ફિલ્મની કથાવસ્તુ તેની માન્યતા અને અભિગમથી વિપરીત હોય તેને તે નકારી દેતો અથવા દિગ્દર્શકને તેની વાર્તામાં ફેરફાર કરવાની સલાહ આપતો.
શંકરની જેન્ટલમેનને નકારવા પાછળ આ જ કારણ હતું. કમલે તેને વાર્તામાં ફેરફાર કરવાની સલાહ આપી. એક બ્રાહ્મણ યુવક બળવાખોરી કરે તે કમલને હજમ ન થયું.
એવી જ રીતે તેની અત્યંત સફળ ફિલ્મ ઈન્ડિયનના થીમમાં પણ ફાસીસમનો અંશ વર્તાયો હતો. છતાં આ ફિલ્મની કેટલીક બાબતો તેને પોતાના જીવન સાથે સુસંગત લાગતા તે તેમાં કામ કરવાનો ઈન્કાર ન કરી શક્યો.
કમલે અનેક મુલાકાતમાં સ્પષ્ટતા કરી કે તેની માન્યતા અને મૂલ્યો સાથે સુસંગત ન હોય તેવી ફિલ્મો તે નથી કરતો. ઈન્ડિયન ફિલ્મની કથાવસ્તુ સાથે કમલને થોડા મતભેદ હતા, પણ તેને ખાતરી હતી કે દર્શકો આ ફિલ્મને આવકારશે. ફિલ્મમાં ફાસીસમનો અંશ હતો, પણ ફિલ્મની અન્ય બાબતો તેને પસંદ આવી હતી. લોકોને ન્યાયની ઝંખના હોવાથી આ ફિલ્મને દર્શકોએ ખુલ્લા મનથી આવકારી.
હાલ કમલ હસન ફરી શંકર સાથે ઈન્ડિયન ટુમાં કામ કરી રહ્યો છે જેના નિર્માણને ખાસ્સો સમય લાગ્યો. આ ફિલ્મ મૂળ ઈન્ડિયનની સીક્વલ છે. ફિલ્મના ટીઝરમાં દર્શાવાયું છે કે સેનાપથી ફરી ભ્રષ્ટાચારીઓનો ખાત્મો કરવા પાછો આવે છે. સિદ્ધાર્થ, રકુલ પ્રીત સિંહ અને પ્રિયા ભવાની શંકર આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
કમલે તાજેતરમાં જ માહિતી આપી કે ઈન્ડિયન ટુ અને થ્રી બંનેનું શૂટ પૂર્ણ થયું છે અને તેની રજૂઆતની તૈયારી થઈ રહી છે.
છેલ્લે ૨૦૨૨માં ફિલ્મ વિક્રમમાં દેખાયેલો કમલ કહે છે કે હું ગુમાવેલા સમયને પાછો તો નહિ લાવી શકું તેમજ ગુણવત્તાના ભોગે નિર્માણમાં પણ ઝડપ ન કરી શકું. હાલ ઈન્ડિયન ટુનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તેના પછી ઈન્ડિયન થ્રીનું નિર્માણ કાર્ય શરૂ કરાશે.
કમલ મણિરત્નની થગ લાઈફમાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે. તેણે માહિતી આપી કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા પછી ફિલ્મનું શૂટીંગ શરૂ થશે. ઉપરાંત કમલે કલ્કી ૨૮૯૮ એડીમાં પણ એક કેમિયો કર્યો છે.