રવીના ટંડન: અમારા જમાનામાં સોશિયલ મીડિયા હોત તો...
- 'અમે સહકલાકારો સાથે હળીમળીને કામ કરતાં. જો તમે તમારા કામમાં કે જીવનમાં કશું ખોટું કે અયોગ્ય કર્યું ન હોય તો પછી તમારે કોઇનાથી ડરવાની કે મુંઝાવાની જરાય જરૂર નથી.'
હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં હોય છે જેમની બીજી ઇનિંગ પણ સફળ રહે છે. સ્વ. વિનોદ ખન્ના એક તબક્કે અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાની બરાબર સાથે આવી ગયા હતા. જોકે ૧૯૮૨માં વિનોદ ખન્નાએ આધ્યાત્મિક ગુર ઓશો રજનીશ સાથે જોડાઇ ગયા અને ફિલ્મી દુનિયા સાથેનો નાતો એમ કહો કે ઓછો કરી નાખ્યો હતો. આમ છતાં આ જ વિનોદ ખન્નાએ પાંચ જ વર્ષમાં બોલિવુડમાં ફિલ્મ 'ઇન્સાફ' સાથે પુન:આગમન કર્યું હતું. 'ઇન્સાફ' સુપરહીટ થઇ હતી અને વિનોદ ખન્નાનો અશ્વ ફરીથી દોડવા લાગ્યો હતો.
નીતુ કપૂર, ઋષિ કપૂર, ભાગ્યશ્રી, શિલ્પા શેટ્ટી વગેરે કલાકારોને તેમની બીજી ઇનિંગમાં ખરેખર ઉજળી સફળતા મળી છે. એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
હવે અભિનય યાત્રાની સેકન્ડ ઇનિંગની આ સફળ યાદીમાં રવીના ટંડનનું નામ પણ લખાયું છે. ફોડ પાડીને કહીએ તો નેવુંના દાયકાની આ મજેદાર ડાન્સિંગ સ્ટારે તેની સેકન્ડ ઇનિંગમાં ઓવર ધ ટોપ(ઓટીટી) અને હિન્દી ફિલ્મોમાં એમ બંને ક્ષેત્રે સફળ પુનરાગમન કર્યું છે.
રવીના ટંડન તેની સેક્ન્ડ ઇનિંગમાં 'વેલકમ-૩' ફિલ્મમાં આવી રહી છે. 'વેલકમ-૩'માં રવીના ટંડન સાથે તેના એક જમાનાના સાથી કલાકાર અને અચ્છા દોસ્ત ગણાતા અક્ષય કુમાર, જેક્વેલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, દિશા પટાણી વગેરે પણ છે.
હિન્દી ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક રવિ ટંડન (ખેલ ખેલ મેં, અનહોની, મજબૂર, નઝરાના, ખુદ્દાર, લવ ઇન સિમલા વગેરે ફિલ્મોના દિગ્દર્શક) અને વીણા ટંડનની દીકરી રવીના ટંડન(રવીના ટંડનનું નામ તેના પિતા રવી અને માતા વીણાના અક્ષરો ભેગા કરીને રખાયું છે)ની કારકીર્દી સફળ રહી છે. રવીનાને જોકે અભિનય ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે. તેથી એ પરિવાર સાથે અવારનવાર જંગલોમાં અને પહાડોમાં જાય છે. ગયા જન્મદિવસે ે(૨૬ ઓક્ટોબર) પોતાના કુટુંબ સાથે એ મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં રહેવા ગઇ હતી.
આમ પણ રવીના ટંડનની યુવાન દીકરી રાશા હવે તેની ફિલ્મ કાકરકિર્દીની શરુઆત અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ સાથે કરી રહી હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
'પથ્થર કે ફૂલ' (૧૯૯૧)માં અભિનય કારકિર્દી શરૂ કરનારી રવીના ટંડન કહે છે, 'મારી પુત્રી રાષા આજના સાયન્સ એન્ડ ટેકનોલોજીના આધુનિક યુગની છે. વળી, આજની નવી પેઢીનાં યુવક -યુવતીઓને ઘણી બધી આધુનિક સુવિધાઓ મળતી હોવાથી તેઓ પાસે ઝાઝી બધી માહિતી પણ હોય છે. ખાસ કરીને બોલિવુડનાં નવી પેઢીના નિર્માતાઓ અને દિગ્દર્શકોની નવી ફિલ્મમાં નવા પ્રયોગો, નવા વિચાર, નવી દિશા જોવા મળે છે.તેઓ તેમનાં કલાકારો માટે વર્કશોપ પણ રાખે છે. કલાકારો સાથે ફિલ્મના વિષય અને દ્રશ્યો વિશે ચર્ચા કરીને તેમનાં સૂચનો મેળવે છે. આવા વાતાવરણથી આજની નવી પેઢીનાં અભિનેતા-અભિનેત્રીઓને તેમનું પાત્ર ભજવવા ઘણો સમય મળે છે. મેં નેવુંના નાયકાની શરૂઆતમાં મારી અભિનય કારકિર્દી શરૂ કરી ત્યારે આવા વર્કશોપનું આયોજન થતું નહોતું કે સેટ પર ફિલ્મના વિષયની કે અમારી ભૂમિકાની કોઇ ચર્ચા થતી નહોતી. એટલે કે તે તબક્કે આજના જેવો માહોલ જ નહોતો. ખરું કહું તો મેં અભિનયની અને નૃત્યની કોઇ તાલીમ નથી લીધી. હા, ફિલ્મના કોરિયોગ્રાફર ડાન્સનાં જે કાંઇ સ્ટેપ્સ સહિત અન્ય બાબતો શીખવે તેને બરાબર ધ્યાનમાં રાખીએ. બસ એટલું જ.' 'મોહરા' (૧૯૯૪)માં રવીના ટંડન અને અક્ષય કુમારનાં ડાન્સિંગ ગીત - 'તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' અને 'ટીપ ટીપ બરસા પાની' આજે આટલાં વરસો બાદ પણ લોકપ્રિય છે.
દિલવાલે, ખિલાડીઓં કે ખિલાડી, ઝીદ્દી, બડે મિયાં છોટે મિયાં, અનાડી નં ૧, શૂલ વગેરે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારી રવીના ટંડન કહે છે, 'અમે સહકલાકારો સાથે હળીમળીને કામ કરતાં. એકબીજાનાં સલાહ - સૂચન લેતાં. વળી, અમારી અંગત વાત કે મુંઝવણ કે કોઇ ખુશખબરના આદાનપ્રદાન માટે અમારી પાસે કોઇ જ માધ્યમ નહોતું. આજના નવા અને આધુનિક યુગમાં સોશિયલ મીડિયા બહુ શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આજનાં યુવક -યુવતીઓ ઘણાં પારદર્શક અને આધુનિક જમાનાનાં હોવાથી તેઓ તેમની અંગત વાતો, સંવેદના, મુંઝવણ, કોઇ નવો અનુભવ કે આનંદના સમાચાર વગેરે તેમનાં મિત્રો સાથે વહેંચે છે. એટલે કે આજની નવી પેઢી પ્રમાણમાં ઘણી ખુલ્લા દિલની છે.
'દમન' ફિલ્મ(૨૦૦૪)માં શ્રેષ્ઠ અભિનેત્રી માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને 'અક્સ' (અમિતાભ બચ્ચન, મનોજ બાજપાઇ)ના ઉત્તમ અભિનય માટે ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારી રવીના કહે છે, 'હું મારા વિચારો અને સંવેદના ખુલ્લાં મન-હૃદય સાથે વ્યક્ત કરું છું. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે તમે તમારા કાર્યમાં, વિચારોમાં, જીવનમાં કોઇ ખોટું કે અયોગ્ય કામ નથી કર્યું તો પછી કોઇથી પણ ડરવાની કે મુંઝાવાની જરાય જરૂર નથી. મારી પોતાની વાત કહું તો મેં ભૂતકાળમાં ઘણા લોકો પર ભરોસો કર્યો હતો પણ મારે મારી પ્રામાણિકતા અને ભોળપણ માટે બહુ સહન કરવું પડયું હતું. હા, તે સમયે બોલિવુડ વિશે મેગેઝીનોમાં જાતજાતની અને ભાતભાતની વાતો ભરપૂર મસાલા સાથે પ્રસિદ્ધ થતી. પરિણામે અભિનેતા-અભિનેત્રીઓ વિશે જબરા વાદ-વિવાદ ફેલાતા. આજે જોકે સોશિયલ મીડિયાનું માધ્યમ બહુ બળકટ અને બોલકું હોવાથી આજની નવી પેઢી તેમની વાતો, રાજીપો, નારાજી, સલાહ, સહકાર બધાનું બહુ ઝડપથી આદાનપ્રદાન થાય છે. દુનિયા જાણે કે બહુ નાની અને ઝડપી થઇ ગઇ છે.'