નિકિતિન ધીરને રાવણ વહાલો .

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
નિકિતિન ધીરને રાવણ વહાલો                             . 1 - image


- 'મને રાવણના પાત્ર પ્રત્યે પહેલેથી બહુ આકર્ષણ હતું. મેં રાવણ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મેં મહાદેવનું ટેટૂ ત્રોફાવ્યું તેના ૧૫ દિવસમાં જ મને આ શોમાં 'રાવણ'ની ભૂમિકા ઓફર થઈ...' 

નિ કિતિન ધીર હમેશાંથી દમદાર ભૂમિકાઓ ભજવવા જાણીતો છે. હાલના તબક્કે અભિનેતા ધારાવાહિક 'શ્રીમદ્ રામાયણ'માં 'રાવણ'નું પાત્ર ભજવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે નિકિતિનને રાવણ પ્રત્યે વિશેષ લગાવ છે. તે કહે છે કે રાવણ મહાન શિવભક્ત હતો. અને મને પણ દેવાધિદેવ મહાદેવમાં અસીમ શ્રધ્ધા છે. મેં મારા આ આરાધ્ય દેવનું ટેટૂ પણ ત્રોફાવ્યું છે.

એ વાત સમજી શકાય તેમ છે કે રાવણનો લુક સોહામણો ન જ હોય. 'શ્રીમદ્ રામાયણ'માં નિકિતિને 'રાવણ'ના રોલમાં ઘટ્ટ દાઢી રાખી છે. અભિનેતા કહે છે કે આજે કોઈપણ વ્યક્તિને તેના દેખાવથી ઓળખવામાં આવે છે. હું પણ તેમાં અપવાદ નથી. 'ચેન્નઈ એક્સપ્રેસ'માં મેં 'થંગાબલ્લી'ની ભૂમિકા ભજવી હતી. તેનો મારો દાઢીધારી લુક હોય કે હું ક્લીનશેવ્ડ હોઉં, કેટલાક લોકો હમેશા મારાથી ગભરાય છે. જોકે મારી દોઢ વર્ષની દીકરી મને કોઈપણ લુકમાં પસંદ કરે છે. 

નિકિતિને આ રોલ સ્વીકાર્યો ત્યારે આ શોના સર્જક સિધ્ધાર્થ કુમાર તિવારી સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. ખાસ કરીને અભિનેતા એ જાણવા માગતો હતો કે તેનો 'રાવણ'નો દેખાવ અત્યાર સુધીની સીરિયલોમાં જોવા મળેલા 'રાવણ' કરતાં કેટલો જુદો છે. અને જ્યારે તેને સિધ્ધાર્થ કુમાર તિવારીની વાત પરથી ખાતરી થઈ કે 'શ્રીમદ્ રામાયણ'ના 'રાવણ'ને મૂળ કથાને વળગી રહેવા સાથે નોખી રીતે રજૂ કરવામાં આવશે ત્યારે તેણે આ પાત્ર ભજવવાની તક ઝડપી લીધી હતી. 

અભિનેતા કહે છે કે હું સારી રીતે જાણતો હતો કે ટીવી સીરિયલ માટે લાંબો સમય ફાળવવો પડે છે. અને હું તેને માટે કટિબધ્ધ હતો. મને મારો 'રાવણ' તરીકેનો લુક પણ ગમી ગયો હતો. મઝાની વાત એ છે કે આ રોલ, આ લુક મને બીજી રીતે પણ ફળ્યાં છે. અન્ય નિર્માણગૃહોએ મારા આ પાત્રની પ્રશંસા કરી છે અને મારા આ દાઢીવાળા દેખાવને પગલે પોતાના નિર્માણ હેઠળના પ્રોજેક્ટ્સમાં કામ પણ આપ્યું છે.

નિકિતિન હમેશાંથી 'રાવણ'નો રોલ કરવા માગતો હતો. તે કહે છે કે આ ભૂમિકા જાણે કે બ્રહ્માંડે મારા માટે જ રચી હતી. આ કિરદાર કરવાની મારી અંતરની ઇચ્છા હતી. અલબત્ત, મેં ક્યારેય કોઈને તેના વિશે જણાવ્યું નહોતું. મેં 'રાવણ' વિશે ઊંડો અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મેં મહાદેવનું ટેટૂ ત્રોફાવ્યું તેના ૧૫ દિવસમાં જ મને આ શોમાં 'રાવણ'ની ભૂમિકા મળી.

એ વાત સર્વવિદિત છે કે નિકિતિન પીઢ અભિનેતા પંકજ ધીરનો પુત્ર છે. અને પંકજ ધીર તેમની 'કર્ણ'ની ભૂમિકા માટે પ્રખ્યાત છે. અભિનેતા કહે છે કે અમારો પરિવાર કલાકારોથી સમૃધ્ધ છે. મારા પિતાએ 'કર્ણ'ની અને પત્ની કૃતિકાએ 'ઝાંસીની રાણી'ની ભૂમિકાઓ ભજવી છે. અને હવે મને આ પૌરાણિક પાત્ર ભજવવાનો અવસાર મળ્યો છે તે બદલ હું ગૌરવ અનુભવું છું. તે વધુમાં કહે છે કે મારા પિતા અને પત્નીએ મારા આ રોલની સરાહના કરી છે. મારા પિતાએ તો એટલે સુધી કહ્યું હતું કે મેં તેમના કરતાં પણ વધુ સારું કામ કર્યું છે. તેમની આ વાત સાંભળીને મારી આંખો હાર્ષાશ્રુથી છલકાઈ ઉઠી હતી. મારા માટે તેમની પ્રશંસા એટલા માટે પણ મહત્વની છે કે તેઓ જ મારા સૌથી મોટા ટીકાકાર છે.


Google NewsGoogle News