Get The App

રસિકા દુગ્ગલ : વૈવિધ્યતાના ભોગે સ્ટારડમ નથી જોઈતું

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
રસિકા દુગ્ગલ : વૈવિધ્યતાના ભોગે સ્ટારડમ નથી જોઈતું 1 - image


- જમશેદપુર જેવા નાનકડા નગરમાંથી મોટા પડદા સુધીની રસિકાની સફર સીધી અને સરળ નહોતી

મિરઝાપુરમાં પોતાના રોલ માટે વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર રસિકા દુગ્ગલ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક મહત્વના વ્યક્તિત્વ તરીકે ઊભરી છે. રસિકાનો વ્યાપક ચાહક વર્ગ તેને તેની અભિનય પ્રતિભા માટે વધુ ઓળખે છે. રસિકા પોતે પણ એવું જ ઈચ્છે છે કે દર્શકો તેને તેના દેખાવ માટે નહિ પણ તેના ટેલન્ટથી ઓળખે.

એક અભિનેત્રી તરીકે રસિકાની વર્સેલિટી વિવિધ રોલ દ્વારા ઝળકી છે જેના  કારણે તે ફિલ્મ ઉદ્યોગમાં વધુ આદરપાત્ર બની છે. ગણિત અને શિક્ષણની પૃષ્ઠભૂમિમાંથી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયામાંથી ડિપ્લોમા મેળવીને તેણે ફિલ્મો, ઓટીટી મંચ અને સ્વતંત્ર સિનેમામાં પોતાની વૈવિધ્યસભર અને પડકારજનક ભૂમિકાથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જમશેદપુર જેવા નાનકડા નગરમાંથી મોટા પડદા સુધીની રસિકાની સફર સીધી અને સરળ નહોતી. દિલ્હી અને પછી મુંબઈમાં અભ્યાસ કરવાને કારણે તેને નાની વયથી જ ઘરથી દૂર રહેવાની આદત પડી ગઈ હતી. સોફિયા કોલેજ ખાતે કોમ્યુનિકેશન્સ મીડિયાનો અભ્યાસ કર્યા પછી તેણે એફટીઆઈઆઈ ખાતે અભિનયમાં ડિપ્લોમા લીધો. વિવિધ શહેરોમાં નિવાસ કરવાને કારણે રસિકાને વિવિધ સંસ્કૃતિમાં ભળી જવાની તક મળી અને આખરે તે મુંબઈના મનોરંજન ઉદ્યોગ આવી ગઈ. રસિકા યાદ કરતા કહે છે કે નાની વયથી જ તેને સિનેમાએ પ્રોત્સાહિત કરી છે. જમશેદપુરમાં છોકરીઓ માટે થિયેટરમાં સિનેમા જોવા જવું સુરક્ષિત નહોતું માનવામાં આવતું. જો કે તેને ક્લબો અને ઓપન-એર થિયેટરોમાં સિનેમા જોયાનું યાદ છે જેના કારણે સિનેમાની દુનિયામાં તેને રુચિ પડી.

સૌ પ્રથમ તે જિમનેસ્ટ નાદિયા કોમેનેચી વિશેની રોમાનિયન ટીવી ફિલ્મથી પ્રભાવિત થઈ હતી. નાદિયાના શક્તિશાળી અને પ્રતિબદ્ધ મહિલાના ચિત્રણે તેના પર ધારી અસર કરી. મોટી થતા શ્રીદેવી જેવી અભિનેત્રીઓ દ્વારા શક્તિશાળી મહિલાઓના ચિત્રણે તેનામાં અભિનય વિશે રસ જગાડયો. રસિકા ખાસ કરીને શ્રીદેવીની ચાહક હતી અને આ જ ચાહત તેને બોલીવૂડ તરફ દોરી ગઈ. રસિકાને મોટા પડદે મહત્વનો બ્રેક ૨૦૧૩માં ફિલ્મ 'કિસ્સા'થી મળ્યો જેમાં તેણે એવી કન્યાની ભૂમિકા ભજવી જેને છોકરાના સ્વાંગમાં આવેલી એક છોકરી સાથે છેતરપિંડીથી પરણાવી દેવામાં આવી હતી. રસિકાના ચુસ્ત ચિત્રણ અને પડકારજનક ભૂમિકા સ્વીકારવાની તૈયારીને કારણે તેને ૨૦૧૮માં નંદિતા દાસની ફિલ્મ 'માન્ટો'માં વિખ્યાત નાટયલેખક સાદત હસન માન્ટોની પત્ની સાફિયાની ભૂમિકા નિભાવવાની તક મળી જેનાથી ફિલ્મ ઉદ્યોગમાં તેનું સ્થાન મજબૂત બન્યું.

કાન ખાતે માન્ટોની પસંદગી રસિકા માટે મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું. રસિકા કાન ખાતે હાજર રહેવાની અને મીડિયામાં જાતીય ભેદભાવને ઉજાગર કરતા કાર્યક્રમો યાદ કરતા કહે છે કે આ વિષય તેને લાગણીશીલ બનાવી રહ્યો છે.

રસિકા કાન ફિલ્મ ફેસ્ટીવલ ખાતે થયેલા અનુભવો વાગોળે છે જેમાં તેણે નંદિતા દાસ સાથે ભીડયુક્ત રસ્તાઓ પર અવિસ્મરણીય દોટ લગાવી હતી. આવી પળોએ વ્યાપક સંવાદ અને પ્રતિનિધિત્વ માટેના મંચ તરીકે સિનેમાના ઉપયોગમાં તેની માન્યતાને વધુ દ્રઢ કરી છે. 


Google NewsGoogle News