રશ્મિકા મંદાના : દક્ષિણની આ સુપરસ્ટારને આખું ભારત જીતવું છે...
- અત્યારે રશ્મિકાનું શેડયુલ હાઈ- પ્રોફાઈલ પ્રોજેક્ટ્સથી ચક્કાજામ છે. 'કબીર'માં તે તમિલ સ્ટાર ધનુષ સાથે દેખાશે. પછી ત્રણ મહત્ત્વની હિન્દી ફિલ્મો સાથે બોલિવુડમાં પોતાનું સ્થાન ઔર મજબૂત કરશે.
થેન્ક્સ ટુ 'પુષ્પા-ટુ', આજકાલ અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાનાનું નામ અને કામ પણ ચારેકોર ચર્ચાઈ રહ્યું છે. ઓડિયન્સને 'પુષ્પા-ટુ'માં રશ્મિકાએ આપેલું પર્ફોર્મન્સ ગમ્યું છે. આ ફિલ્મમાં એણે કાયમ કામાગ્નિમાં સળગતી રહેતી અને છતાંય નિર્દોષ લાગતી પત્નીની ભૂમિકા કરે છે, જે પોતાના સિંહ જેવા પતિનાં આંસુની ભાષા સારી રીતે જાણે છે અને જ્યારે કોઈ પતિની લાગણી દુભાવવાની કોશિશ કરે છે ત્યારે રણચંડીનું સ્વરૂપ ધારણ કરી લે છે!
રશ્મિકા મંદાનાની ગણના આજે ભારતની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. તેણે તેલુગુ, કન્નડ, તમિલ અને બોલિવુડની ફિલ્મોમાં કામ કરીને દર્શકોને આકર્ષ્યા છે. અમિતાભ બચ્ચન સાથે ૨૦૨૨માં 'ગુડબાય'થી ડેબ્યુ કર્યું, ૨૦૨૩માં 'એનિમલ' જેવી જબરદસ્ત હિટમાં રણબીર કપૂરને સરસ સાથ આપ્યો. અતિ સફળ 'પુષ્પા' ફ્રેન્ચાઈઝી તો ખરી જ. એ વર્સેટાઇલ પણ છે અને એનામાં એક પ્રકારનો કરિશ્મા પણ છે. તેથી જ આજે રશ્મિકા ઘર-ઘરમાં જાણીતી બની છે. હમણાં થોડા દિવસો પહેલાં કોઈ જાહેર ઇવેન્ટમાં કાર્તિક આર્યનને ત્રણ હિરોઈનોના નામ આપીને પૂછવામાં આવ્યું: આ ત્રણમાંથી તને કોની સાથે કામ કરવું ગમે? કાર્તિકે જવાબ આપ્યો: રશ્મિકા સાથે. એણે 'પુષ્પા-ટુ'માં મસ્ત કામ કર્યું છે.
રશ્મિકા મંદાના અને તેલુગુ સુપરસ્ટાર વિજય દેવેરાકોન્ડાનો સંબંધ ચાહકો અને મીડિયામાં કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. આ બેલડી સૌ પ્રથમ તેલુગુ બ્લોકબસ્ટર 'ગીત ગોવિંદમ' (૨૦૧૮)માં સાથે દેખાઈ હતી. તે સાથે જ તેમની ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. 'ડિયર કોમેરેડ' (૨૦૧૯)માં તેમની જોડીએ અફવાને બળ આપ્યું અને વેકેશન દરમ્યાન બહારનાં સ્થળોએ બંનેની સહિયારી હાજરીએ આ અફવાને પ્રજ્વલિત રાખી. આમ તો વર્ષો સુધી બંનેએ 'અમે માત્ર મિત્રો છીએ' તેવું કહેવાનું ચાલુ રાખ્યું, પણ આ વર્ષે નવેમ્બરમાં વિજયે એક મુલાકાતમાં આડકતરી રીતે પોતે રશ્મિકા સાથે રિલેશનશીપમાં હોવાનું કબૂલ કર્યું હતું. આ જાણકારી જાહેર થયા પછી યુગલ લંચ ડેટમાં સાથે દેખાયું એટલે તેમના રોમાન્સની પુષ્ટિ થઈ ગઈ. જોકે રશ્મિકા પોતાનાં લગ્નની યોજના વિશે હજી ગોપનીયતા જ જાળવી રહી છે.
રશ્મિકાની કારકિર્દી સાતત્યપૂર્ણ સફળતાની સફર રહી છે. 'પુષ્પા' ફ્રેન્ચાઇઝીમાં શ્રીવલ્લી તરીકેની તેની ભૂમિકાએ તેનું પેન-ઈન્ડિયા સ્ટેટસ વધુ મજબૂત કર્યું છે. રશ્મિકા બોલિવુડમાં પોતાની પાંખ વધુ ફેલાવી રહી છે. 'એનિમલ' અને 'પુષ્પા-ટુ'ની સફળતા પછી 'ધી ગર્લફ્રેન્ડ' તેની લોકપ્રિયતામાં વધારો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. વિજય દેવેરાકોન્ડાએ પોતે જ 'ધી ગર્લફ્રેન્ડનું' ટીઝર લોન્ચ કરતી વખતે રશ્મિકાને કોઈપણ ફિલ્મ માટે લકી ચાર્મ તરીકે ગણાવી હતી. ઉપરાંત તેણે ટીઝરમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો.
હાલ રશ્મિકાનું શેડયુલ હાઈ પ્રોફાઈલ પ્રોજેક્ટ્સથી ચક્કાજામ છે. 'કબીર'માં તે તમિલ સુપરસ્ટાર ધનુષ સાથે દેખાશે. ત્રણ મહત્ત્વની હિન્દી ફિલ્મો સાથે બોલિવુડમાં પોતાનું સ્થાન ઔર મજબૂત કરશે. બોલિવુડમાં પગદંડો જમાવવા ઉપરાંત રશ્મિકાએ પોતાની ફીમાં પણ ધરખમ વધારો કર્યો છે.
રશ્મિકા માટે તેની પ્રથમ મહિલા કેન્દ્રિત તેલુગુ ફિલ્મ 'ધી ગર્લફ્રેન્ડ' મહત્વનું સીમાચિહ્ન બની રહેશે. રશ્મિકાએ પોતાના અભિનયની ઉત્કૃષ્ટતા સાબિત કરવા આ ઓથર-બેક્ડ રોલમાં જીવ રેડીને કામ કર્યું છે.
'એનિમલ' અને 'પુષ્પા-ટુની સફળતા પછી રશ્મિકા પોતાને બોક્સ ઓફિસની દ્રષ્ટિએ બોલિવુડની સૌથી વિશ્વસનીય સ્ટાર તરીકે રજૂ કરી રહી છે. મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મો અને કોન્ટેન્ટ આધારીત રોલ - આ બંનેમાં સફળતા મેળવીને રશ્મિકાએ પોતાની વર્સેટાલિટી સાબિત કરી છે. સિલ્વર સ્ક્રીન હોય કે પછી સ્ક્રીનની બહાર, રશ્મિકા સતત ચાહકોના દિલ જીતીને ખરા અર્થમાં પેન-ઈન્ડિયા સ્ટાર બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે એ તો નક્કી.