રશ્મિકા મંદાના જરાય સંતુષ્ટ નથી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
રશ્મિકા મંદાના જરાય સંતુષ્ટ નથી 1 - image


-  'ફિલ્મ ઉદ્યોગમાં પ્રશંસાની સાથે ટીકા માટે પણ તૈયાર રહેવું જોઈએ. ટીકાથી ખોટું લગાડવાની જરૂર નથી. આ ક્ષેત્રમાં માન અને અપમાનમાં વિચલિત થયા વિના ચૂપચાપ પોતાનું કામ કરતાં રહેવામાં જ શાણપણ છે.'

જ્યા રથી આગામી 'પુષ્પા-ટુ' ફિલ્મનું 'અંગારો' રિલીઝ થયું છે ત્યારથી રશ્મિકા મંદાના પાછી લોકનજરે ચડી છે. આ ગીતના રીલ્સ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રશ્મિકા મંદાના લગાતાર સફળતાની રાહ પર ચાલી રહી છે. પહેલાં 'પુષ્પાઃ ધી રાઈઝ', પછી  'સીતા રામમ્' અને પછી સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ'માં એણે મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો. હવે રશ્મિકા દક્ષિણની સાથે બોલિવુડની પણ સૌથી વધુ ડીમાન્ડમાં રહેતી અભિનેત્રી બની ગઈ છે... પણ મંદાના સંતુષ્ટ નથી. એ થોડી ડરેલી પણ છે, કેમ કે એ જાણે છે કે તેનાથી પણ વધુ પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓ તકની રાહ જોઈને ઊભી જ છે! 

રશ્મિકા કહે છે, 'મને જાણ છે કે મારા કરતાં પણ વધુ સુંદર, વધુ પ્રતિભાશાળી અને વધુ સ્માર્ટ છોકરીઓ છે જ. તેથી જ આજે હું જે સ્તરે પહોંચી છું તે બદલ ધન્યતા અનુભવું છું. હું કોઈ પણ સફળતાથી હવામાં ઉડવા લાગતી નથી. મેં આગલાં વર્ષોના અનુભવોમાંથી ઘણી શીખ લીધી છે.'

રશ્મિકાએ પ્રસિદ્ધિ મેળવ્યા પછી પ્રત્યેક તબક્કે ટીકાનો ભોગ પણ બનવું પડયું છે. 'એનિમલ'ના પેલા ક્રોધભર્યા સીનમાં મંદાનાના વિચિત્ર ઉચ્ચારણ યાદ છેને? એ ખૂબ ટ્રોલ થઈ હતી. મંદાના કહે છે, 'ફિલ્મ ઉદ્યોગમાં પ્રશંસાની સાથે ટીકા માટે પણ તૈયાર રહેવું જોઈએ. 

ટીકાથી ખોટું લગાડવાની જરૂર નથી. આ ક્ષેત્રમાં માન અને અપમાનમાં વિચલિત થયા વિના ચૂપચાપ પોતાનું કામ કરતાં રહેવામાં જ શાણપણ છે.' રશ્મિકા ઉમેરે છે, 'જ્યારે તમે વાત કરો છો ત્યારે બધા સાંભળે છે પણ પછી પોતાનો નિર્ણય સંભળાવે છે અથવા તમારી ટીકા કરે છે. અહીં બધા પોતાનું મંતવ્ય તમારા પર લાદવાનો પ્રયાસ કરતા હોય છે. એમાં એક કલાકારે સમભાવ રાખવો જરૂરી છે, નહીં તો આવી વાતો માનસિક અને ઇમોશનલ સ્તરે નકારાત્મક અસર કરી શકે છે. સામાન્યપણે લોકોને કશી પડી હોતી નથી. તેથી તેઓ કલાકારો વિશે બેફામ બોલતા-લખતા હોય છે.'

રશ્મિકા પાસે દક્ષિણ અને બોલિવૂડ બંનેની એકાધિક ફિલ્મો છે. 'પુષ્પા ટુઃ ધી રુલ' ઉપરાંત તેલુગુ-તમિલ દ્વિભાષી ફિલ્મ 'રેનબો' અને રાહુલ રવિન્દ્રન દિગ્દર્શિત 'ધ ગર્લફ્રેન્ડ'માં એ અભિનય કરી રહી છે. શેખર ક્મ્મુલાની ફિલ્મ 'કુબેર'માં એ ધનુષ અને નાગાર્જુન જેવા દક્ષિણના મહારથીઓ સાથે સ્ક્રીન શેર કરશે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો હાલ એ 'છાવા'નું શૂટીંગ કરી રહી છે, જેમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના એના કો-સ્ટાર્સ છે. આ ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' માટે પણ રશ્મિકાને સાઈન કરવામાં આવી છે.

રશ્મિકા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. પોતાના ચાહકોના કમેન્ટ્સના જવાબ આપવામાં તે સારો એવો સમય પસાર કરે છે.  વચ્ચે ફેન્સ સાથે વાતચીત દરમ્યાન કોઈ ચાહકે કમેન્ટ કરી કે 'એનિમલ'માં તમારે રણવિજય (રણબીર કપૂર) પર વિશ્વાસ કરવાની જરૂર જ નહોતી, કારણ કે પુરુષો હોય છે જ એવા - દગાબાજ. રશ્મિકાએ સરસ જવાબ લખ્યોઃ ના, આમાં સ્ત્રી-પુરુષની વાત નથી. મૂર્ખ, બનાવટી કે અપ્રામાણિક વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી પીડા મળે છે. સારી વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં તો ડહાપણ જ છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ. 

વેલ સેઇડ.  


Google NewsGoogle News