Get The App

રાશા થડાણીઃ મારી કરીઅર જરાય સરળ નહીં હોય....

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
રાશા થડાણીઃ મારી કરીઅર જરાય સરળ નહીં હોય.... 1 - image


- મમ્મીએ (રવીના ટંડને) જે રીતે મારી પર્સનાલિટીને ઘાટ આપ્યો છે અને સમય મને જે રીતે ઘડી રહ્યો છે તે ઉત્તમ છે. ફિલ્મોદ્યોગમાં, અથવા કહો કે, બોક્સ ઓફિસ પર અત્યંત અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે મારા માટે બધું એકદમ સ્મૂધ રહેશે એવું માની લેવાની જરાય જરૂર નથી. 

રા શા થડાણીની એ વાતે નસીબદાર રહી કે એની ડેબ્યુ ફિલ્મ 'આઝાદ' બોક્સ ઓફિસ પર ભફાંગ કરતી પડી ગઈ, પણ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સનું ધ્યાન ખેંચવામાં વ્યક્તિગત રીતે એ સફળ રહી. ઓડિયન્સે એને બિગ સ્ક્રીન પર નહીં, મોબાઇલ સ્ક્રીન પર ખૂબ જોઈ - થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. રાશા વીતેલા જમાનાની મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડનની પુત્રી છે એ સૌ જાણે છે. રાશાએ બોલિવુડમાં આત્મવિશ્વાસપૂર્વક પહેલું ડગલું માંડી દીધું છે તે હકીકત છે. 

રાશા એક 'નેપો કિડ' છે, એને ફિલ્મી વારસો મળ્યો છે. જોકે રાશા વારસાવાળી વાત માનતી  નથી. રાશા કહે છે, 'મારી મમ્મીએ મને ઊભા પગે રાખી છે. તમે માનશો, તેણે એકેય વખત મારા કામ બાબત એકેય  વખત  ખુલ્લા મને પ્રશંસા કરી નથી. કમસે કમ મારા સામે તો નહીં જ. એ જાણે છે કે જો એ મારા વખાણ કરવા કરવા લાગશે તો તો મારા દિમાગમાં હવા ભરાઈ જતાં વાર નહીં લાગે. હું તો દ્રઢપણે  માનું છું કે મમ્મીએ જે સતર્કતાથી મારો ઉછેર કર્યો છે તે જ મને કામ આવવાનો છે. ધારો કે મારી પહેલી જ ફિલ્મથી ઝંડા ફરકાવી દીધા હોત તો મારા મગજમાં રાય ભરાઈ ગઈ હોત અને મને લાગત કે, આઇ હેવ અરાઇવ્ડ! જે અચીવ કરવાનું હતું તે થઈ ગયું! મમ્મીએ જે રીતે મારી પર્સનાલિટીને ઘાટ આપ્યો છે અને સમય મને જે રીતે ઘડી રહ્યો છે તે ઉત્તમ છે. ફિલ્મોદ્યોગમાં, અથવા કહો કે, બોક્સ ઓફિસ પર અત્યંત અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે મારા માટે બધું એકદમ સ્મૂધ રહેશે એવું માની લેવાની જરાય જરૂર નથી.' 

રાશા હજુ ફક્ત ૧૯ વર્ષની છે, છતાંય એની વાતોમાં ખાસ્સી પરિપક્વતા વર્તાય છે.

પહેલી ફિલ્મની નિષ્ફળતાથી રાશાને જરાય અસર થઈ નથી એવું કેવી રીતે બને? એ કહે છે, 'પણ હું ભયભીત નથી, હું સુરક્ષિત છું. મને મારી જાત પણ સંપૂર્ણ શ્રધ્ધા છે. એટલું તો ચોક્કસ  માનું છું  કે જે કંઈ બની રહ્યું છે તે ગરિમાપૂર્વક સ્વીકારવું જ રહ્યું અને આંખો ખુલ્લી  રાખીને જે કંઈ બની રહ્યું છે, તેને નિહાળવું રહ્યું.'  

રાશાની હવે પછીની ફિલ્મો વિશે નક્કર હજુ સુધી ઘોષણા થઈ નથી. જોઈએ, રાશાની કરીઅર હવે કઈ દિશામાં અને કઈ ઝડપે આગળ વધે છે. 


Google NewsGoogle News