રાણી સાહેબાની પુન: પધરામણી
- રાની શરૂઆતથી જ એક ઇન્ટરેસ્ટિંગ અને તગડી એક્ટ્રેસ રહી છે. જોઈએ, 'મર્દાની-થ્રી'માં એ કેવાક કારનામા કરે છે.
રા ની મુખરજીનો પ્લસ પોઈન્ટ એ છે કે ૪૬ વરસની ઉંમરે પણ એ ટીનેજને પણ શરમાવે એવા જુસ્સા સાથે કામ કરે છે. ભૂમિકા પ્રેમિકાની હોય, કર્તવ્યપરાયણ પત્નીની હોય, મમતાની મૂર્તિ સમાન માની હોય કે જાંબાજ પોલીસ ઓફિસરની હોય - રાની પ્રત્યેક પાત્રને સ્ક્રીન પર જીવંત કરી દે છે. હવે એ એક્શન થ્રિલર 'મર્દાની' ફ્રેન્ચાઈઝના ત્રીજા ભાગમાં આવી રહી છે. રાનીના હસબન્ડ આદિત્ય ચોપરાના બેનર યશરાજ ફિલ્મ્સે તાજેતરમાં આ ફિલ્મની ઑફિશિયલ એનાઉન્સમેન્ટ કરી. અવસર હતો 'મર્દાની'ના પહેલા ભાગની રિલીઝની ૧૦મી એનિવર્સરીનો. યશરાજે ઘોષણા કરી કે મિસિસ મુકરજી-ચોપરા થર્ડ પાર્ટમાં પુન: બહાદૂર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોય બનીને દર્શકો સમક્ષ હાજર થશે.
'મર્દાની' અને 'મર્દાની-ટુ' બન્ને ક્રિટિકલી અને કમર્શિયલી એમ બન્ને બંને દ્રષ્ટિએ સફળ ફિલ્મો હતી. 'મર્દાની'ના પહેલા પાર્ટનું ડિરેક્શન રાનીના મેન્ટર અને માનીતા દિગ્દર્શક સદ્ગત પ્રદીપ સરકારે કર્યું હતું, જ્યારે 'મર્દાની-૨'નું સુકાન ગોપી પુથરનને સોંપાયું હતું. બીજા ભાગમાં સુપર કોપ શિવાની ૨૧ વરસના અતિ ચાલાક અને ધૂર્ત રેપિસ્ટ-ખૂની યુવાનને ઝેર કરવા બહાર પડે છે. બમ્બૈયા ગુજરાતી યુવા એક્ટર વિશાલ જેઠવાએ આ ખતરનાક ખલનાયકને પડદા પર જીવંત કરી સૌનાં દિલ જીતી લીધા હતા.
રાની છેલ્લે 'મિસિસ ચેટરજી વર્સિસ નોર્વે'માં જોવા મળી હતી. ફિલ્મમાં એણે પોતાનાં બે માસૂમ સંતાનોને નોર્વે સરકાર પાસેથી કસ્ટડી મેળવવા જે રીતે આકાશ-પાતાળ એક કરી દેતી બગાળી મહિલાની સ્ટ્રગલને ઉજાગર કરી હતી. રાની શરૂઆતથી જ એક ઇન્ટરેસ્ટિંગ અને તગડી એક્ટ્રેસ રહી છે. જોઈએ, 'મર્દાની-થ્રી'માં એ કેવાક કારનામાં કરે છે.