રણબીર કપૂરઃ ડિયર ફાધર... .

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
રણબીર કપૂરઃ ડિયર ફાધર...                          . 1 - image


- 'મારી દીકરી રાહા વિશે વિચાર કરું છું તો પણ હું ઇમોશનલ થઈ જાઉં છું. પિતૃત્વએ મારામાં પ્રચંડ લાગણીઓનું ઘોડાપૂર સર્જ્યું છે. મને લાગે છે કે પિતૃત્વનો સીધો સંબંધ અંતરાત્મા સાથે હોય છે... ,

ક પુરુષ જ્યારે પિતા બને છે ત્યારે એ પિતૃત્વને બે સ્તરે એક સાથે સમજવા લાગે છે. એક સ્તરે, એનામાં પિતૃત્વના તીવ્ર સ્પંદનો પેદા થાય છે, અને બીજા સ્તરે, એને પોતાનો બાપ સમજાવા લાગે છે! રણબીર કપૂર જ્યારે પિતૃત્વનો વિષય આવે છે ત્યારે ભાવુક થયા વગર રહેતો નથી. એના એક્ટર પિતા રિશી કપૂર ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ અવસાન પામ્યા, અને એના લગભગ અઢી વર્ષ પછી, ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ એની દીકરી રાહાનો જન્મ થયો. હમણાં ફાધર્સ ડેના રોજ, રણબીરે સોશિયલ મીડિયા પર પપ્પા સાથેની બે તસવીરો પોસ્ટ કરી હતી. એકમાં એ માંડ તેર-ચૌદ વર્ષનો હશે ને બીજામાં એ જુવાન દેખાય છે. રણબીરે નીચે એણે કેપ્શન લખી હતીઃ 'ઓકવર્ડ ટીનેજ મોમેન્ટ વિથ પાપા... હેશટેગ જાદુ કી જપ્પી'!

રિશી કપૂર સાથે રણબીરનો સંબંધ એક દોસ્તાર જેવો કદી રહ્યો નહોતો. રિશી કપૂર માટે એના મનમાં ખૂબ પ્રેમ હતો, આદર હતો અને સાથે સાથે ડર પણ ખૂબ હતો. રિશી કપૂર અને નીતુ સિંહનું લગ્નજીવન સરળ નહોતું. પતિ-પત્ની વચ્ચે ઘણી સ્ફોટક ક્ષણો આવી છે. વર્ષો પહેલાં રણબીરે એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્ય થાય એટલી નિખાલતાથી કહેલું, 'નાનપણમાં એવું કેટલીય વાર બન્યું છે કે મારાં મમ્મી-પપ્પા હૉલમાં મોટે મોટેથી ઝઘડી રહ્યાં હોય ને હું સીડી પર બેઠો બેઠો બન્નેને જોયા કરતો હોઉં. હું બહુ શાંત થઈ ગયો છું એનું એક કારણ કદાચ આ પણ હોય...'

પણ આજે રણબીરના દિલમાં પિતા માટે કોઈ રોષ નથી. કેવી રીતે હોય? આજે એના દિલમાં પિતા માટે માત્ર અને માત્ર આદર છે અને છલછલતો પ્રેમ છે. રણબીર યાદ કરે છે, 'દિવાળીની પૂજા દરમ્યાન આર.કે.સ્ટુડિયોમાં હું સ્લીપર પહેરીને ટહેલી રહ્યો હતો ત્યારે પપ્પાએ મારા માથા પર જોરથી ટપલી મારી હતી અને કહ્યું હતું કે આ પવિત્ર જગ્યા છે, અહીં પગરખાં પહેરાય?' 

રિશી કપૂર સ્વભાવે કડક પણ હતા અને અતિ પ્રેમાળ પણ હતા. તેમણે રણબીર સમક્ષ વિશ્વના દરવાજા ખુલ્લા મુકી દીધા હતા કે જેથી એ દૂર દૂર સુધી ઉડી શકે અને પોતાની ક્ષિતિજોને વિશાળ બનાવી શકે.   

'એનિમલ' ફિલ્મમાં બાપ-દીકરાની લવસ્ટોરી જ છેને! 'એનિમલ'ના બાપ-દીકરા વચ્ચેના સંબંધ અતિ સંકુલ છે, તો રિશી અને રણબીરનો સંબંધ પણ ઓછો જટિલ નહોતો. રણબીર કહે છે, 'હા, 'એનિમલ'માં મારા પોતાના પિતા સાથેના મારા સંબંધનો પડઘો હતો. તેઓ મારી સાથે જે રીતે વર્તાવ કરતા હતા તેની એક ઝલક પણ એમાં છે.  મને એક પ્રસંગ બરાબર યાદ રહી ગયો છે. મમ્મી એક દિવસ પપ્પાને વઢી રહી હતી કે રણબીરની ફિલ્મો હિટ થાય છે તો પણ તમે કેમ ક્યારેય એની પ્રશંસા કરતા નથી? મોઢામાં મગ ભરીને કેમ બેસી રહો છો? પપ્પાએ ત્યારે એક સરસ ઉદાહરણ આપ્યું હતું. એમણે કહેલું કે એક વાર એક બાળક તેના પિતા સાથે એક તંગ દોરડા પર ચાલી રહ્યો હતો. પિતા એને સતત કહી રહ્યા હતા કે બેટા, કંઈક ભૂલ થાય છે, કંઈક ભૂલ થાય છે. વર્ષો પછી બાળક  પુખ્ત થયો ત્યારે તેણે પિતાને પૂછ્યુંઃ તમે કેમ સતત મારી ટીકા કરતા હતા? પિતાએ જવાબ આપ્યોઃ દીકરા, એ વખતે મેં તારી પ્રશંસા કરી હોત તો તારું ધ્યાન ભટકી જાત અને તું તંગ દોરડા પરથી નીચે ફેંકાઈ જાત.... પછી પપ્પાએ કહ્યું કે એમના ફાધરે (રાજ કપૂરે) પણ એમની સાથે આ જ એટિટયુડ અપનાવ્યો હતો. આ ખરેખર એક સજ્જડ દાખલો છે. મારી મમ્મીને તે દિવસે એના બધા સવાલના જવાબ મળી ગયા હતા. એણે પછી ક્યારે પપ્પાને ફરિયાદ ન કરી...'

રણબીર માને છે કે આ પ્રકારની કડકાઈ, આ શિસ્ત એના જીન્સમાં છે. એ કહે છે, 'મારા ફાધરની પ્રામાણિક્તા ટકોરાબંધ હતી. તેઓ કોઈને ખૂશ કરવા ક્યારેય કોઈની ખોટી પ્રશંસા ન કરતા.' 

સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ'માં પાત્ર સાથે ઓતપ્રોત થતી વખતે રણબીરની અનેક પુરાણી યાદો તાજી થઈ હતી. એ કહે છે, 'આ ફિલ્મનાં પાત્રો સાથે એક પ્રકારનું સામ્ય અનુભવાતું હતું તો વિરોધાભાસ પણ અનુભવાતો હતો. મારા પપ્પા ઉગ્રતાથી વાત કરતા. મેં અર્ધજાગ્રતપણે આ રીત અપનાવી લીધી હતી. મેં જાણે-અજાણે પપ્પા જેવાં લક્ષણો આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો.'

પિતાના અવસાને રણબીરના જીવનમાં એક ન પૂરી શકાય તેવો અવકાશ સર્જ્યો છે. એ કહે છે, 'આ ખાલીપાનો સ્વીકાર કરવા, તેને વાસ્તવિક રીતે સમજવાની એક પ્રક્રિયા હોય છે, જે મેં હજુ સુધી પૂરી કરી નથી. સમાજ કહે છે કે પુત્રએ માનસિક રીતે મજબૂત હોવું જોઈએ, તેણે કઠણ રહેવું જોઈએ. મને લાગે છે કે હું એવી જ રીતે વર્ત્યો છું.'

મીઠડી દીકરી રાહાના જન્મ સાથે જ રણબીરના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થઈ. રાહાએ એના ચિત્તતંત્ર પર સંપૂર્ણપણે કબ્જો જમાવ્યો છે. દોઢ વર્ષની દીકરી એને પોતાની આંગળીએ નચાવે છે! રણબીર કબૂલ કરે છે, 'રાહા વિશે વિચાર કરું છું તો પણ ક્યારેક હું ઇમોશનલ થઈ જાઉં છું. પિતૃત્વએ મારામાં પ્રચંડ લાગણીઓનું ઘોડાપૂર સર્જ્યું છે. મને લાગે છે કે પિતૃત્વનો સીધો સંબંધ અંતરાત્મા સાથે હોય છે... '

બિલકુલ.  


Google NewsGoogle News