Get The App

રામ કપૂરે બેંતાળીસ કિ.ગ્રા. વજન ઉતાર્યું

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
રામ કપૂરે બેંતાળીસ કિ.ગ્રા. વજન ઉતાર્યું 1 - image


તાજેતરમાં રામ કપૂરે પોતાનો એક ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો ત્યારે નેટિઝનો મોઢામાં આંગળા ઘાલી ગયા હતા. આ ફોટામાં દેખાતો તેનો એકવડો બાંધો લોકોના આશ્ચર્યનું કારણ હતું. અભિનેતાએ તેમાં પોતાના અગાઉનો સ્થૂળકાય ફોટો પણ જોડયો હતો. એકવડા બાંધામાં નવયુવાન ભાસતો રામ કપૂર મિરર સેલ્ફી લઈ રહ્યો હતો. વાસ્તવમાં ૫૧ વર્ષીય અદાકારે ઘણાં સમયથી સોશ્યલ મીડિયા પરથી બ્રેક લીધો હતો. એપ્રિલ-૨૦૨૪ના તેણે પોતાનો જિમનો ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યાર પછી અભિનેતાએ તાજેતરમાં બીફોર-આફ્ટર ફોટો શેર કરીને પોતાનું વજન કેટલું ઉતર્યું છે, વજન ઘટયા પછી તે કેટલો સોહામણો લાગે છે તે દર્શાવ્યું હતું. તેણે આ ફોટા સાથે લખ્યું હતું કે હું ઘણાં સમયથી ઇન્સ્ટા પર નથી દેખાયો તે બદલ દિલગીર છું. પરંતુ હું મારા ઉપર જ કામ કરી રહ્યો હતો. તેણે એમ પણ લખ્યું હતું કે મેં ૪૨ કિ.ગ્રા. વજન ઉતાર્યું છે. જોકે કેટલાંક નેટિઝનોને એમ લાગ્યું હતું કે રામ કપૂરે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હશે તેથી તે આટલો પાતળો દેખાય છે. તેમણે તેને લાગલું જ પૂછી લીધું હતું કે શું તેં ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી છે? જ્યારે એક નેટિઝને તો એવો આરોપ મૂક્યો હતો કે આ તસવીર એઆઈથી બનાવવામાં આવી છે. જોકે અભિનેત્રી નીના ગુપ્તાએ પૂછ્યું હતું કે અરે, આ ખરેખર તું જ છે? જ્યારે કરણ વાહીએ સંખ્યાબંધ હાર્ટ ઈમોજીસ મૂકીને ખુશી વ્યક્ત કરી હતી.

રાજશ્રી ઠાકુર : હજી પણ 'સલોની' જ રહી

લગભગ બે દશક પહેલા અભિનેત્રી રાજશ્રી ઠાકુરે 'સાત ફેરે - સલોની કા સફર'માં ટાઇટલ રોલ કર્યો હતો. તે વખતથી લોકો તેને 'સલોની' તરીકે જ ઓળખતા આવ્યાં છે. તાજેતરમાં રાજશ્રીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો. રાજશ્રી કહે છે કે 'સાત ફેરે...' પછી મેં ઐતિહાસિક શો 'મહારાણા પ્રતાપ'માં કામ કર્યું. આમ છતાં લોકો મને 'સલોની' તરીકે જ ઓળખતા. પરંતુ તાજેતરમાં હું એક આઉટડોર શૂટિંગ માટે ગઈ હતી ત્યારે પણ મને લોકોએ 'સલોની' કહીને સંબોધી ત્યારે મારા અચંબાનો પાર નહોતો રહ્યો. મારા શો 'સાત ફેરે...'ને ૧૭ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હતો. તેમ છતાં લોકોના દિલોદિમાગમાં 'સલોની'ની છબિ યથાવત્ હતી. અત્રે નોંધનીય છે કે હાલના તબક્કે ધારાવાહિક 'બસ ઇતના સા ખ્વાબ હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી રાજશ્રીએ થોડા સમય માટે કામમાંથી બ્રેક લીધો હતો. અદાકારા તેનું કારણ જણાવતાં કહે છે કે વર્ષ ૨૦૨૦માં મારી પાસે હાઉસ હેલ્પ નહોતી તેથી મને 'શાદી મુબારક' શો છોડવાની નોબત આવી હતી. પણ હવે મારી પુત્રી મોટી થઈ ગઈ છે. મને ઘરમાં રહેવાનું ગમે છે. આજે પણ મને એ વાતની ખુશી છે કે હું ઘર અને કામ વચ્ચે સંતુલન સાધી રહી છું.

દેવોલીના ભટ્ટાચારજી મમ્મી બની

ટચૂકડા પડદાની જાણીતી અદાકારા દેવોલીના ભટ્ટાચારજી અને શાનવાઝ શેખના ઘરે થોડા સમય પહેલા જ પારણું બંધાયું છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. દેવોલીના-શાનવાઝે તેમના ઘરે પુત્ર અવતર્યો હોવાની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે ૧૮-૧૨-૨૦૨૪ના દિવસે અમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. અમારો માતાપિતા બનવાનો આનંદ સમાતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે યુગલે ઑગસ્ટ-૨૦૨૪ના સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ થોડા સમયમાં માતાપિતા બનવાના છે. દેવોલીનાએ લખ્યું હતું કે અમે પવિત્ર પંચામૃત વિધિ કરાવી હતી જેમાં ગર્ભવતી મહિલા અને તેના ગર્ભસ્થ શિશુને સ્વાસ્થ્ય-સુખ-સંપત્તિના આશિર્વાદ આપવામાં આવે છે. અહીં એ વાત સંભારવી રહી કે દેવોલીનાએ વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં તેના જિમ ટ્રેનર સાથે સંસાર માંડયો હતો.

'અનુપમા'માં અદ્જિાએ કરી અલીશાને રિપ્લેસ

ટીવી સીરિયલોમાં કેટલીક વખત ચોક્કસ પાત્ર ભજવતાં કલાકારો રાતોરાત બદલાઈ જતાં હોય છે. તાજેતરમાં લોકપ્રિય ધારાવાહિક 'અનુપમા'માં વધુ એક વખત આ વાત જોવા મળી છે. આ શોમાં અભિનેત્રી અલીશા પરવીન 'રાહી'ની ભૂમિકા ભજવતી હતી. તેણે ઑક્ટોબર-૨૦૨૪માં જ આ શોમાં એન્ટ્રી લીધી હતી. દર્શકો અદાકારાને પસંદ પણ કરવા લાગ્યાં હતાં. પરંતુ હવે અલીશા પરવીનના સ્થાને અદ્જિા રૉયને ગોઠવી દેવામાં આવી છે. આંચકાજનક બાબત એ છે કે અલીશાને પોતાને ખબર નથી કે તેને શોમાંથી શા માટે દૂર કરી દેવામાં આવી છે. તેને અચાનક એક દિવસ કહી દેવામાં આવ્યું કે આજે આ શોમાં તારો છેલ્લો દિવસ છે. અલીશાએ કહ્યું હતું કે મને હજી સુધી નથી સમજાતું કે મને શોમાંથી શા માટે કાઢી મૂકવામાં આવી છે. મારા માટે આ વાત ખરેખર આંચકાજનક છે. ખેર..., જે થાય તે સારા માટે એમ માનીને હવે હું મારા ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશ.


Google NewsGoogle News