રકુલ પ્રીત સિંહફૂડ, ફિટનેસ અને વેલનેસ
- 'હું મોટાભાગે ફિલ્મની પટકથા તેમ જ મારા કિરદારને ધ્યાનમાં લઈને કોઈપણ ફિલ્મ પસંદ કરું છું, પરંતુ કેટલીક વખત મને ચોક્કસ ફિલ્મમેકર અથવા કલાકાર સાથે કામ કરવું હોય તો તેમની સાથેની મૂવી પણ સ્વીકારી લઉં છું'
રકુલ પ્રીત સિંહને અભિનય ક્ષેત્રે આવ્યે એક દશક જેટલો સમય થઈ ગયો છે. આ ૧૦ વર્ષ દરમિયાન અદાકારાએ હિન્દી તેમ જ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં પોતાની અદાકારીનો પરચો બતાવવામાં લગીરેય કચાશ નથી રાખી. અલબત્ત, ગયા વર્ષે તેની એકેય હિન્દી ફિલ્મ નહોતી આવી. જ્યારે તેણે તમિળમાં 'અયલાન' અને 'ઇન્ડિયન-૨' એમ બે ફિલ્મો કરી હતી. જો કે તે કહે છે કે આ વર્ષે હું હિન્દી ફિલ્મોના મારા ચાહકોને નિરાશ નહીં કરું.
અદાકારા આ વર્ષમાં 'દે દે પ્યાર દે-ટુ' અર્જુન કપૂર સાથે 'મેરે હસબન્ડ કી બીવી', નીના ગુપ્તા સાથે 'અમીરી' જેવી ફિલ્મો કરવાની છે. એ કહે છે, 'હું મોટાભાગે ફિલ્મની પટકથા તેમ જ મારા કિરદારને ધ્યાનમાં લઈને કોઈપણ ફિલ્મ પસંદ કરું છું, પરંતુ કેટલીક વખત મને ચોક્કસ ફિલ્મમેકર અથવા કલાકાર સાથે કામ કરવું હોય ત્યારે તેમની સાથેની મૂવી પણ સ્વીકારી લઉં છું. મને એસ. શંકર અને કમલ હાસન સાથે કામ કરવું હતું તેથી મેં 'ઇન્ડિયન-ટુ' સ્વીકારી.'
એવું નથી કે રકુલ માત્ર ફિલ્મોમાં કામ કરીને સંતોષ માની લે છે. તે અભિનેત્રી ઉપરાંત અચ્છી એન્ત્રોપ્રિન્યોર પણ છે. રકુલ સ્વાસ્થ્યપ્રદ ભોજન પીરસતી એક રેસ્ટોરાં ચલાવે છે. તેના સિવાય તે માસિકધર્મ દરમિયાન લેવી પડતી કાળજી સંબંધિત ઉત્પાદનોનો બિઝનેસ પણ કરે છે. અદાકારા કહે છે, 'તમારી પ્રતિભા બહુમુખી હોવી જોઈએ. મને ફૂડ, ફિટનેસ અને વેલનેસની સારી સમજ હોવાથી મેં એ ક્ષેત્રે હાથ અજમાવ્યો છે.'
રકુલે ગયા ફેબુ્રઆરીમાં ફિલ્મ સર્જક જેકી ભગનાની સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અદાકારા પોતાના વિવાહિત જીવન બાબતે કહે છે કે હું મારા સંસારમાં બહુ ખુશ છું. અમે બંને એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી એકમેકને સારી રીતે સમજી શકીએ છીએ. અગાઉ હું અને જેકી જેટલા સારાં મિત્રો હતાં એટલા જ સારાં મિત્રો આજે પણ છીએ. અમારા મૈત્રીમાં કોઈ ફેર નથી પડયો.'
ઓલ ધ બેસ્ટ, રકુલ.