રાકેશ ચૌરસિયા તબલાંવાદક ઝાકિર હુસૈનની યાદો વાગોળે છે
- બંસરીવાદક રાકેશ ચૌરસિયા અને તબલાવાદક ઝાકિર હુસૈને સાથે ગ્રેમી એવોર્ડ 2024 જીત્યો હતો
- ઝાકિર હુસૈનનું સંગીત દુનિયા માટે વરદાન સમાન
વાંસળીવાદક કાકા હરિપ્રસાદ ચૌરસિયા અને ઉસ્તાદ ઝાકિર હુસૈનની જુગલબંદી જોઇ જોઇને મોટાં થયેલાં ભત્રીજા રાકેશ ચૌરસિયા માટે નાનપણથી જ ઝાકિરજી સાથે વાદન કરવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્નને સાકાર કરવા ઉપરાંત રાકેશ ચૌરસિયાએ ઝાકિર હુસૈન સાથે મળી ૨૦૨૪માં ગ્રેમી એવોર્ડ પણ જીત્યો. વર્ષો સુધી એકમેકના સૂરતાલ જાળવી જુગલબંદી કરનારા ઝાકિરભાઇની વિદાય સાથે રાકેશ ચૌરસિયા માટે જાણે એક નજીકનો સાથી જતો રહ્યો છે. રાકેશ ચૌરસિયા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથે તેમના સંબંધોને તેમની જ બાનીમાં વાગોળે છેઃ
જ્યારે ઝાકિરભાઇ મારા કાકા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે પરફોર્મ કરતાં ત્યારે હું તેમનું બારીકાઇથી અવલોકન કરતો.અમારી વચ્ચે એક પેઢીનું અંતર હોઇ હું તેમને દૂરથી જ અહોભાવપૂર્વક જોઇ રહેતો અને આશા રાખતો કે એક દિવસ હું પણ તેમની સાથે વાદન કરી શકીશ. એ સમયે મારી વય માંડ ૧૬ કે ૧૮ વર્ષની હતી.
તેમની સાથે મંચ પર સોલો પરફોર્મ કરવાનું પણ મારું સ્વપ્ન હતું. હુંએ સમયે બોલીવૂડના ઘણાં રેકોર્ડિંગ કરતો હતો અને સ્ટેજ પર પણ કળાકારોને સાથ આપતો હતો. લંડનમાં મારા એક મિત્રએ જ્યારે ઝાકિરજીને મારા વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હા, તેને શાસ્ત્રીય સંગીતમાં જરા ગંભીર રીતે કામ કરવો દો. એ પછી મેં શાસ્ત્રીય સંગીત પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું અને વધારે આકરો રિયાઝ કરવા માંડયો. કારણ કે મને સમજાયું કે તેઓ મારી પાસે શું ઇચ્છતા હતા. અને પછી ૨૦૧૧માં મને તેમનો કોલ આવ્યો કે સ્કોટલેન્ડમાં મારે તેમની સાથે સંગત કરવાની છે. મેં તેમને જણાવ્યું કે હું ક્યારનો આ તક મળવાની રાહ જોતો હતો ત્યારે તેમણે કહ્યું કે, ના, ના. મારી નજર તારી પર હતી જ. પણ હું રાહ જોતો હતો. મેં પૂછ્યું કે, શું તમે મારા મોટાં થવાની કે ઘરડાં થવાની રાહ જોતા હતા? ત્યારે તેમણે કહ્યું કે, તું પરિપક્વ બને તેની હું રાહ જોતો હતો.
હું તેમને હમેંશા ઉસ્તાદ કહેતો હતો પણ તે એમને કદી ગમતું નહોતું. તે કહેતા, મહેરબાની કરીને મને ઉસ્તાદ ન કહો. મારા માતાપિતાએ મારું નામ રાખ્યું છે. જેટલા આપણે ગાઢ મિત્રો બનીશું એટલી મંચ પર પરફોર્મ કરવાની ઓર મજા આવશે. હું આપણી વચ્ચે કોઇ જાડી મોટી દિવાલ હોય એમ ઇચ્છતો નથી. જો આપણે બંનેને મંચ પર મજા પડશે તો શ્રોતાઓને મજા પડવાની જ છે. મને લાગે છે કે મારો તેમની સાથેનો સંબંધ અલગ હતો. મેં જેમની સાથે પરફોર્મ કર્યું છે તે તમામ કળાકારો માટે મને આદર છે પણ તેમની સાથે જ કેમિસ્ટ્રી જામતી હતી તે બીજા કોઇ સાથે જામતી નથી. અમારી પહેલી સોલો સંગત લગભગ એક કલાક ચાલી હતી અને હું આખો સમય આંખો બંધ કરીને વાદન કરતો રહ્યો હતો. કારણ કે હું તેમની આંખોમાં આંખ પરોવી શકતો નહોતો. જલસો પુરો થયા બાદ તેમણે મને પહેલી ટીપ એ આપી કે, તારે એ બતાવવું જોઇએ કે તું શું કરે છે. આ પશ્ચિમ છે. લોકો એમ માનશે કે તું સ્ટેજ પર ઉંઘે છે. તમારી પ્રતિભા જેટલું જ મહત્વ તમારી બોડી લેન્ગ્વેન્જનું હોય છે. આવી કારકિર્દીલક્ષી ટીપ કોઇ ન આપી શકે. તે મારા રાહબર હતા.
ગયા વર્ષે હૈદરાબાદમાં અમે એક શો કર્યો હતો. જેમાં પહેલાં રાઉન્ડ બાદ મારી વાંસળી ફાટી ગઇ હતી. ઝાકિરભાઇમાં ગમે તેવી પરિસ્થિતિમાં હસતાં રહેવાની ટેવ હતી. ગમે એવી મુશ્કેલ સ્થિતિ હોય તે હસીને તોડ કાઢી શકતાં. મને મજાકમાં કહે, અરે ઐસે બજાયા ક્યું કે ફટ ગયા.થોડા આરામ સે બજાઓ. હુ આ સાંભળીને હસી પડયો અને તેમણે તરત ઉમેર્યું, ઓકે. તુમ ગ્રીન રૂમમેં જાવ ઔર વહાં દૂસરી બંસરી ન હો તો ઇસ પર ટેપ લગાને કી કોશિશ કરો. મેં ઓડિયન્સ કો સંભાલ લુંગા.
મને યાદ છે અમે જ્યારે વિદેશમાં પરફોર્મ કરવા જતાં ત્યારે અમારો કાર્યક્રમ એકદમ વ્યસ્ત રહેતો જેમ કે બાવીસ દિવસમાં વીસ કોન્સર્ટ કરવાની હોય, અને આ બધો સમય અમે બસ અને ટ્રેનમાં મુસાફરી કરતાં. અમે આખો વખત સંગીત વિશે જ વાતો કર્યા કરતાં. તેઓ તેમની આસપાસ શું બની રહ્યું છે તેનાથી એકદમ વાકેફ રહેતા હતા. તેમણે કોઇ સંગીતનો ટુકડો સાંભળ્યો હોય અને જો તે તેમને ગમી હોય તો તે પરફોર્મ કરી બતાવતાં. આમ, તેઓ તબલાના ભગવાન હતા પણ તેમનામાં સંગીતનું એક આખું વિશ્વ સમાયેલું હતું. તમે કોઇપણ જોન્ર અને કોઇપણ કળાકારની વાત કરો તેમની પાસે તેના વિશે કશું કહેવા જેવું હોય જ. તેમની યાદદાસ્ત એકદમ શાર્પ હતી. ઘણીવાર હું તેમને કહેતો કે ઝાકિરભાઇ વો વાલી નોટ યાદ આ નહીં રહી હૈ અને તે તરત જ ગાઇને બતાવતાં. એટલું જ નહીં તેઓ કયો ગાયક કઇ રીતે તેને કેવી રીતે ગાય છે તે પણ તે વિવિધ રીતે ગાઇને દર્શાવતા.
હું તેમની પાસેથી સૌથી મહત્વનો પાઠ એ શીખ્યો કે શ્રોતાઓ સાથે સંવાદ કેવી રીતે સાધવો. તે કહેતા, શ્રોતાઓ કો સાથે લે ચલો. ઉન્હે અલગ ન કર દો. ઔર હવામેં ઉડ કે ઉનસે અંતર મત બનાઓ. જમીન પર રહો ઔર સૈર કી મોજ કરો. મને યાદ છે કે કોઇપણ મુશ્કેલીમાં તેઓ હમેંશા કહેતાં કે ફિકર મત કરો. ઐસા હોતા હૈ. એકવાર સ્ટેજ પર મારું મગજ સાવ સુન્ન થઇ ગયું. મને કશું સૂઝે જ નહીં. સવારની કોન્સર્ટ હતી મેં તેમને મારી હાલત જણાવી, તેમણે કહ્યું, મેરે સાથ ભી યહ હોતા હૈ. ઔર મુઝે યે બતાના હી ચાહિયે કે જબ તુમ્હારા ગુરૂર એક યા દો પલ કે લિયે તુમ્હારે પર હાવી હો જાતા હૈ તબ અલ્લા તુમ્હે તુમ્હારી જગહ દીખા દેતા હૈ. કઇ બાર મેરા દિમાગ ભી સુન્ન હો જાતા હૈ. પર અબ મુઝે પતા હૈ કી કલાકારો કે લિયે યહ આમ બાત હૈ. ક્યુંકી તુમ્હારા કામ સર્જનશીલ હૈ ઔર હર વક્ત તુમ તુમ્હારી પુરી તાકત સે પરફોર્મ નહીં કર શકતે. લેકિન આપ પરફોર્મર હૈ ઔર લોગો કી ભી આપ સે કોઇ ઉમ્મીદ હોતી હૈ. ઐસા હો તો રાગ અલગ તરીકે સે પેશ કીજીયે.
મારા માટે ઝાકિર હુસૈન ભગવાન શિવજીનું ડમરૂ હતા. તે વિવિધ ધર્મસ્થળોમાં જતાં અને વિવિધ પ્રકારના વ્યંજનોની મોજ માણતાં. તેઓ જેટલા ઇન્ટરનેશનલ હતા તેટલાં જ તેઓ ઇન્ડિયન હતા. હું હમેંશા કહેતો કે અલ્લારખા કે એ સે લેકર ઝાકિર કે ઝેડ તક મેં સારા ભારતીય સંગીત સમાયા હુઆ હૈ.
તેઓ યુવાનો પણ ચમકવાની તમામ તક આપતાં. એક સમયે તો તેમને કહેવામાં આવતું કે તમે તો નૌશીખીયાઓ સાથે બજાઓ છો. ત્યારે તે કહેતાં, મને પણ યુવાનો પાસેથી પ્રેરણા મળવી જોઇઅ ેને? નહીં તો મારો વિકાસ કેવી રીતે થશે? પણ સ્ટેજ પર તેમની સાથે સંગત કરવી એ સરળ કામ નહોતું. મારા શરૂઆતના દિવસોમાં જ્યારે તે મારી સંગત કરતાં ત્યારે તે તેમની અસામાન્ય કક્ષાએ જ તબલાં બજાવતા અને મારે તેમની સાથે તાલ મેળવવો પડતો. એક તબક્કે તો મેં કહી દીધું કે મને કશું સમજાતું નથી. ત્યારે તેમણે મને કહેલું, અબ તુમ રિંગ મેં કૂદ પડે હો તો ચેલેન્જ ઉઠાઇયે. મેરા ભી ઓડિયન્સ હૈ તો મૈં ક્યું તુમ્હારી તરહ બજાવું? અગર મેં પુરી તાકાત સે બજાતા હું તો તુમ્હે ભી મુઝસે જ્યાદા તાકત સે બજાના પડેગા તો હી બાત બનેગી. તેમને ખબર હતી કે યુવાન પેઢીને કેવી રીતે તૈયાર કરવી જોઇએ. અમે ૨૦૨૪માં ગ્રેમી એવોર્ડ જીત્યા ત્યારે તેમણે મને બેન્જોવાદક બેલા ફલેક અને ડબલ બાસિસ્ટ (ષડજ સ્વરનું સંગીતવાદ્ય વગાડનાર)એડગર મેયેરની મુલાકાત કરાવી હતી, જેના માટે હું તેમનો આજીવન ઋણી રહીશ. યુએસમાં તે ત્રણે જણાં રિયાઝ કરતા હતા. અને ઝાકિરભાઇએ તે બંનેને પૂછયુ કે મારો એક મિત્ર બંસરી બજાવે છે તો ટ્રાય કરવો છે? તેમણે કહ્યું ના. પણ ઉસ્તાદજી એમ માને ખરાં? તેમણે કહ્યું કે તે નજીકમાં જ છે અને તેઓ મારી હોટલની નીચે આવી રોડ પર ઉભાં રહી મારા નામની બૂમો પાડી મને બોલાવ્યો. એ દિવસે અમે સવારે સાડાદસ વાગ્યે વગાડવાનું શરૂ કર્યું તે છે ક સાંજે ડિનર ટાઇમ સુધી અમારું વાદન ચાલતું રહ્યું. દુનિયાને પોતાના સંગીતથી ડોલાવનાર ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે સ્વર્ગને પણ તેમના સંગીતથી ડોલાવી રહ્યા હશે.