રાજશ્રી દેશપાંડે : મારા પર પોર્ન એક્ટ્રેસનું લેબલ શા માટે?
તા જેતરમાં અભિનેત્રી રાજશ્રી દેશપાંડેની મરાઠી ફિલ્મ 'સત્યશોધક' રજૂ થઈ. આ સિનેમામાં રાજશ્રીએ સાવિત્રીબાઈ ફૂલેની મુખ્ય ભૂમિકા ભજવી છે. રાજશ્રીને એ વાતની ખુશી છે કે અડધો ડઝન વર્ષ રાહ જોયા પછી છેવટે આ મૂવી રજૂ થઈ.
અદાકારા કહે છે, 'મેં છ વર્ષ અગાઉ આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આટલા લાંબા સમય સુધી રાહ જોયા પછી છેવટે આ મૂવી રજૂ થઈ તેની મને ખુશી છે. મેં આ રોલ માટે ખાસ્સી જહેમત લીધી હતી. મારા મતે તેનો વિષય જ કેટલો વિશાળ છે. આવી ફિલ્મ અગાઉ ક્યારેય નથી બની.'
સાવિત્રીબાઈ ફૂલેની જીવનયાત્રા આ ફિલ્મમાં બખૂબી રજૂ કરવામાં આવી છે. આ મારી સૌપ્રથમ ફુલફ્લેજ્ડ મરાઠી ફિલ્મ છે. અભિનેત્રી વધુમાં કહે છે, 'હવે પ્રાદેશિક ભાષામાં પણ સરસ ફિલ્મો બની રહી છે. કેટલાક દિગ્ગજ દિગ્દર્શકો પ્રાદેશિક ભાષામાં ફિલ્મો બનાવવામાં રસ લઈ રહ્યાં છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે રાજશ્રીએ ઓટીટી પર 'ટ્રાયલ બાય ફાયર', 'ફેમ ગેમ', 'સેક્રેડ ગેમ્સ' જેવી સીરિઝમાં કામ કર્યું છે. તે કહે છે, 'ઓટીટી પર ફિલ્મ સર્જકોને ટેલેન્ટેડ કલાકારોને લેવાની તક મળે છે. આ પ્લેટફોર્મ વધુ રીયાલિસ્ટિક છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ડૉક્યુમેન્ટરીઓને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મારા જેવી અભિનેત્રીને માત્ર અને માત્ર કમર્શિયલ ફિલ્મોમાં ખાસ કાંઈ કરવા નથી મળતું. એક તબક્કે ચોક્કસ વય વટાવી ચૂકેલી અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ નહોતું મળતું. પરંતુ ઓટીટીએ તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો આપ્યો છે.'
મૂળભૂત રીતે મહારાષ્ટ્રના ઔરંગાબાદની અને પુણેમાં ઉચ્ચ અભ્યાસ કરનાર રાજશ્રીએ ફિલ્મોમાં કામ કરવા મુંબઈની વાટ ઝાલી તેનાથી પહેલા થિયેટરમાં કામ કર્યું હતું. તે કહે છે, 'કારકિર્દીના પ્રારંભિક તબક્કે તમને રિજેક્શનનો સામનો કરવો જ પડે. હું એ વાત બહુ જલદી સમજી ગઈ હતી કે તમારે રિજેક્શનને ગંભીરતાથી લેવાને બદલે દરેક ઓડિશનમાંથી કંઈક શીખવું જોઈએ. તમને વારંવાર નકારી દેવામાં આવે તોય સામી વ્યક્તિને તમારી મહેનત યાદ રહેવાની જ અને આ વાત ધ્યાનમાં લઈને તે તમને ક્યારેકને ક્યારેક તો ફિલ્મમાં કામ આપે જ. આ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સર્જકો છે જે પોતાના કામ પ્રત્યે સમર્પિત કલાકારો સાથે કામ કરવા માગતા હોય છે. આવા સર્જકોને કારણે જ અમારા જેવા કલાકારોને કામ મળે છે.'
અહીં એ વાતની નોંધ લેવી રહી કે તાજેતરમાં રાજશ્રીને પોર્ન એક્ટ્રેસનું બિરુદ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં રાજશ્રીએ 'સેક્રેડ ગેમ્સ' માં અત્યંત કામોત્તેજક દ્રશ્યો આપ્યાં હતાં તેને કારણે અભિનેત્રીના માથે પોર્ન એક્ટ્રેસ તરીકેનું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું.
રાજશ્રી આ વાતથી અત્યંત દુઃખી અને નારાજ પણ છે. અભિનેત્રી કહે છે, 'આ દ્રશ્યો મેં એકલીએ નહોતા આપ્યાં. તેમાં નવાઝુદ્દીન સિદ્દિકી પણ સામેલ હતો. અને તેનું ફિલ્માંકન અનુરાગ કશ્યપે કર્યું હતું. પરંતુ આવું અણગમતું બિરુદ માત્ર મને જ શા માટે આપવામાં આવ્યું? વળી, એવું પણ નથી કે મેં તેમાં માત્ર કામોત્તેજક દ્રશ્યો જ આપ્યાં છે. તેમાં મારા અન્ય ઘણાં સીન છે. તો પછી લોકો તેના વિશે કેમ એક અક્ષર સુધ્ધાં નથી બોલતા?'
અદાકારા વધુમાં કહે છે, 'મેં અન્ય ફિલ્મો, વેબ સીરિઝો તેમ જ ટીવી પર પણ કામ કર્યું છે. તો લોકો તેના વિશે વાત કેમ નથી કરતાં? મેં ખેડૂતો તેમ જ અન્ય કેટલાંક સામાજિક મુદ્દાઓ પર પણ અવાજ ઉપાડયો છે. તો પછી કોઈને આવા મુદ્દે વાત કરવાનું કેમ નથી ગમતું. મારા મતે તેના માટે મીડિયા પણ જવાબદાર છે. તેઓ સતત 'સેક્રેડ ગેમ્સ' ના મારા કામોત્તેજક દ્રશ્યોની જ વાતો કરે છે.'
રાજશ્રી આ વર્ષના તેના કામ વિશે કહે છે, '૨૦૨૪ની સાલમાં હું કેટલાંક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ કરવાની છું. અલબત્ત, મને એકસાથે બે-ચાર ફિલ્મો કરવાનું પસંદ નથી. હું એક વખતે એક જ પ્રોજેક્ટ કરવાનો આગ્રહ રાખું છું. હું મારી ફિલ્મો દ્વારા દુનિયાભરમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવા માગું છું. હું સર્વત્ર આપણી ફિલ્મો વિશે વાતો કરવા ઈચ્છું છું.' ટચવુડ.