રાજપાલ યાદવ, 'ભૂલભૂલૈયા'નો રંગ બદલતો છોટા પંડિત
- 'હું એટલો નસીબદાર છું કે આટલાં બધાં માધ્યમોમાં કામ કરવા મળ્યું. ઉંમર સાથે અનુભવ આવે છે. એ અનુભવને તમે પરમાનંદમાં રૂપાંતર કરો તો સદા યુવાન લાગો.'
રામગોપાલ વર્માની 'જંગલ'થી લાઇમલાઇટમાં આવેલા કૉમેડિયન રાજપાલ યાદવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિલ્વર જ્યુબિલી પૂરી કરી. યોગાનુયોગે એ જ વખતે દિવાળીમાં એની મલ્ટિસ્ટારર ફિલ્મ 'ભૂલભૂલૈયા-૩' રિલિઝ થઈ. સફળ ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ પણ સારો બિઝનેસ કરી રહી છે. એટલે રાજપાલ ખુશમખુશ છે. એક ઈવેન્ટમાં હમણાં મીડિયાએ ઇન્ફોર્મલ ઇન્ટરએક્શન દરમિયાન વર્સેટાઈલ એક્ટરને પૂછ્યુ કે તમે ૨૫ વરસની તમારી જર્નીને કઈ રીતે જુઓ છો? શું ઇન્ડસ્ટ્રીએ તમને તમારી ટેલેન્ટ જેટલો બદલો આપ્યો છે, તમારી યોગ્ય કદર થઈ છે ખરી? યાદવનો ઉત્તર એકદમ પોઝિટિવ છે, 'સાહબ, ઈસ ઇન્ડસ્ટ્રીને મુઝે એક દો નહિ પૂરે ૫૦૦ જનમ (કેરેકટર્સ) દિયે હૈં. ઇસસે જ્યાદા ઔર ક્યા ચાહિયે? મને એ નથી સમજાતું કે એકટર્સ શા માટે એવી ફરિયાદ કરે છે કે ઇન્ડસ્ટ્રીએ અમને પોષ્યા નથી. દરેકે આ ઇન્ડસ્ટ્રીને પોતાની જનેતા, પોતાની મા ગણવી જોઈએ. એણે તમને જન્મ આપ્યો અને એ જ સૌથી મોટી વાત છે. ઇન્ડસ્ટ્રી પાસેથી મેળવ્યા કરવાની અપેક્ષા રાખવાને બદલે બધાએ એ વિચારવું જોઈએ કે એણે જે આપ્યું છે એ આપણે પાછું કઈ રીતે આપી શકીએ. કમસેકમ મારો તો આવો જ દ્રષ્ટિકોણ છે, મત છે.'
'ભૂલભૂલૈયા'ના ત્રણેય પાર્ટમાં રાજપાલ યાદવ છોટા પંડિતના રોલમાં છે. ત્રણેય ભાગમાં આ પાત્રનું ટ્રાન્જિસન (સંક્રમણ) જોવા મળે છે. પહેલી ફિલ્મમાં એ લાલ ભડક, બીજીમાં સફેદ અને ત્રીજીમાં ચંદન એટલે કે ભગવા ગેટઅપમાં છે. શું આ બદલાતી કલર પેટર્ન પાછળ કોઈ લોજિક છે? શું એ કશુંક મહત્ત્વનું સૂચવે છે? રાજપાલ એની પાછળનો સંકેત સમજાવતા કહે છે, 'સૌથી પહેલી વાત તો એ મારું છોટા પંડિતનું કેરેક્ટરએ કોઈ એક પાત્ર નથી. એ એક કેરેક્ટરનું કેરિકેચર છે, એના વિવિધ સ્વરૂપો છે. એ લાઉડ છે કારણ કે એને એ રીતે જ ડિઝાઈન કરાયું છે. પહેલી ફિલ્મમાં એનું સ્વરૂપ લાલ છે કારણ કે એણે મંજુલિકાના આત્માને પહેલીવાર જોયો છે. અહીં લાલ રંગ અલર્ટ, ખતરાની ઘંટડીનું સિમ્બોલ છે. બીજા ભાગમાં હું ધોળા ગેટઅપમાં છું કારણ કે વીજળીના ઘણાં તડાકા-ભડાકા જોયા બાદ હું પ્લાસ્ટર ઓફ પેરિસ જેવો બની જાઉં છું. જ્યારે ત્રીજા પાર્ટમાં મારા આખા શરીરે ચંદન ચોપડી દેવાયું છે કારણ કે ફિલ્મમાં હોરર એલિમેન્ટ નવી ઊંચાઈ પર હોવાથી મારે ચંદનથી મારી જાતને ટાઢી રાખવાની છે.'
'ભૂલભૂલૈયા-૩' કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની હાજરીને કારણે એક સ્ટારસ્ટડેડ ફિલ્મ છે. આટલા બધા સ્ટાર્સની હાજરીમાં કેરેક્ટર આર્ટિસ્ટસ કઈ રીતે પોતાની હાજરી નોંધાવી શક્યા છે? આવા ત્રીજા પ્રશ્નનો પણ યાદવ પાસે ઉત્તર છે, 'સૌથી મહત્ત્વની વાત એ છે કે બધા જ એકટર્સ ફ્રેન્ચાઇસીની સ્ટ્રેંથ અને સપોર્ટ સિસ્ટમ બની રહ્યા છે. હકીકતમાં, દરેક કલાકારની હાજરી મહત્ત્વની છે અને એનો અહેસાસ તમને ફિલ્મમાં સતત થતો રહે છે. મારા માટે તો આ ફિલ્મ સપનું સાચુ પડવા સમાન છે કારણ કે મને એમાં માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. વિદ્યા પણ ટેરિફિક છે. જ્યારે કાર્તિક પોતાના રમતિયાળ અને સહજ અભિનય માટે જાણીતો છે. આ બધા એક્ટરોની એનર્જી મળીને પડદા પર ગાંડપણનું તોફાન ઊભું કરે છે અને એ જ 'ભૂલભૂલૈયા' છે.'
સમાપનમાં પોતાની કરિયરનો સારાંશ આપતા રાજપાલ કહે છે, 'સ્ટ્રીટ પ્લે, થિયેટર, શૉર્ટ ફિલ્મ્સ, ટીવી અને ફિચર ફિલ્મસ- હું એટલો નસીબદાર છું કે આટલા બધા મીડિયમ્સમાં કામ કરવા મળ્યું. ઉંમર સાથે તમારામાં અનુભવ આવે છે. એ અનુભવને તમે પરમાનંદમાં રૂપાંતર કરો તો સદા યુવાન લાગો અને એ જ અનુભવને તમે દુ:ખમાં કન્વર્ટ કરો તો વહેલા વૃદ્ધ થઈ જાવ. તમે આઉટડેટેટ બની જાવ. આ સત્ય મેં સમજી લીધું છે અને એટલે જ હું મારી આસપાસના લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતો રહું છું.'