રાજકુમાર રાવ સિનેમા... માય લવ! .
- 'મને થોડો સમય મળે કે તરત જ હું ફિલ્મ જોવા ઉપડી જાઉં છું. જો આઉટડોર શૂટિંગમાં હોઉં અને મને એકાદ દિવસનો બ્રેક મળે તો હું ત્યાંનું થિયેટર ખૂંદી વળું.'
અભિનેતા રાજકુમાર રાવને વર્ષ ૨૦૨૪ ખાસ્સું ફળ્યું હતું. તેની ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર તડાકો પાડવા સાથે સમીક્ષકોની પ્રશંસા પણ મેળવી હતી.
રાજકુમાર કહે છે કે શક્તિશાળી પટકથા હમેશાં દર્શકોને જકડી રાખે છે. 'સ્ત્રી-૨' અને 'ભૂલ ભૂલૈયા-૩'ને અપ્રતિમ સફળતા મળશે એવું કદાચ કોઈએ વિચાર્યું પણ નહોતું. જ્યારે જે બિગ બજેટ ફિલ્મો બૉક્સ ઑફિસને છલકાવશે એવું લાગતું હતું તેને દર્શકોએ ખાસ પસંદ નહોતી કરી. ગયા વર્ષે રાજકુમાર રાવની 'સ્ત્રી-૨', 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' તેમ જ 'શ્રીકાંત'ને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ બાબતે અદાકાર કહે છે કે, 'સારી ફિલ્મોને દર્શકો હમેશાં પસંદ કરે છે. ખાસ કરીને દર્શકો જે ફિલ્મો સાથે જોડાઈ શકે, જે મૂવી જોઈને તેમને એમ લાગે કે તેમાં તેમની જ કહાણી વણી લેવામાં આવી છે એવી ફિલ્મોને ચોક્કસપણે સફળતા મળે છે. ચાહે તે બિગ બજેટ હોય કે ન હોય. હું જ્યારે આ ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને ખાતરી હતી કે દર્શકોને તે ચોક્કસ ગમશે. હા, તેનાથી બૉક્સ ઑફિસ છલકાશે કે નહીં તેની ખાતરી નહોતી. ૨૦૧૮માં 'સ્ત્રી' રજૂ થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તેને અપ્રતિમ લોકપ્રિયતા મળશે. અને અમારા આશ્ચર્ય વચ્ચે 'સ્ત્રી-૨'ને પણ એટલી જ પસંદ કરવામાં આવી. મને એ વાતની ખુશી છે કે દર્શકો સારી સ્ટોરીને આવકારે છે. બાકી આ ફિલ્મની કહાણી નાના નગરના મિત્રો પર આધારિત હતી જેઓ બહુ પ્રેમાળ હોવા છતાં ઝાઝા સ્માર્ટ નથી. આમ છતાં દર્શકો તેમની સાથે કનેક્ટ થયા. આવી ફિલ્મોને પસંદ કરવામાં આવે ત્યારે ફિલ્મ સર્જકો આપોઆપ આ પ્રકારની વધુ ફિલ્મો બનાવવા પ્રેરાય.'
રાજકુમાર રાવને સિનેમા જોવાનો ક્રેઝ હમેશાંથી રહ્યો છે. થોડો સમય મળતાં જ તે તુરંત થિયેટરમાં પહોંચી જાય છે. અભિનેતા કહે છે, 'મોટા પડદા પર ફિલ્મ જોવાની મઝા અન્ય કોઈ મનોરંજનની તોલે ન આવે. મને થોડો સમય મળે કે તરત જ હું ફિલ્મ જોવા ઉપડી જાઉં છું. જો હું આઉટડોર શૂટિંગમાં હોઉં અને મને એકાદ દિવસનો બ્રેક મળે તો હું ત્યાંનું થિયેટર ખૂંદી વળું. જો મારા બે શોટ વચ્ચે લાંબો બ્રેક હોય તોય હું એકાદ મૂવી જોઈ નાખું. ફિલ્મો જોવાથી મને અનોખી પ્રેરણા મળે છે. વાસ્તવમાં ભારતીયોને થિયેટરોમાં ફિલ્મો જોવાની ટેવ છે. આ આદત તેમના લોહીમાં છે. ટીવીના આગમન પછી એવું લાગતું હતું કે હવે લોકો સિનેમાઘરોમાં ફિલ્મો જોવા નહીં જાય, પરંતુ આ ધારણા ખોટી પડી. ઓટીટીની લોકપ્રિયતા પછી પણ મોટા પડદાની ઘેલછામાં કોઈ ફરક નથી પડયો. મોટા પડદે ફિલ્મ જોવા જવી એ આપણા માટે નાનું વેકેશન માણવા સમાન લેખાય છે.'