રાજકુમાર રાવનો લોન્ગ જમ્પ: 11 હજારથી 100 કરોડ!

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
રાજકુમાર રાવનો લોન્ગ જમ્પ: 11 હજારથી 100 કરોડ! 1 - image


- રાજકુમાર એક ફિલ્મ કરવાના પાંચથી છ કરોડ રૂપિયા ફી લે છે. આ 'સ્ત્રી-ટુ' પહેલાંનો આંકડો છે. 'સ્ત્રીકૃપા' થવાને કારણે રાજની ફીમાં હવે ધરખમ વધારો થશે એ તો નક્કી. એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવાના તે એકથી બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 

હજુ 'સ્ત્રી-ટુ' બોક્સઓફિસ પર ઢીલા પડવાનું નામ લેતી નથી ત્યાં રાજકુમાર રાવની નવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ પણ થઈ ગયું. આ ફિલ્મનું ટાઇટલ છે, 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'. આ એક રોમેન્ટિક કોમેડી છે, જેના ડિરેક્ટર છે રાજ શાંડિલ્ય. રાજ આજકાલ ઝાલ્યો ઝલાતો નથી. તાજેતરમાં એ કોઈ ઇવેન્ટમાં સ્માઇલ કરતો કરતો પત્ની પત્રલેખા સાથે કાબરચીતરું શર્ટ પહેરીને ગયો હતો. આ શર્ટની કિંમત અઢી લાખ રૂપિયા છે! વ્હાય નોટ? રાજકુમાર રાવ બોલિવુડનો આઇએસઆઇ માર્કાવાળો સ્ટાર છે, એને હક છે એક સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ ધરાવવાનો! 

રાજકુમાર એક ફિલ્મ કરવાના પાંચથી છ કરોડ રૂપિયા ફી લે છે. આ 'સ્ત્રી-ટુ' પહેલાંનો આંકડો છે. 'સ્ત્રીકૃપા' થવાને કારણે રાજની ફીમાં હવે ધરખમ વધારો થશે એ તો નક્કી. એક એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવાના તે એકથી બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ગુડગાંવના આ છોરાએ પોતાની 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ની કો-સ્ટાર જાહ્નવી કપૂર પાસેથી બે વર્ષ પહેલાં ૪૪ કરોડ રૂપિયામાં મુંબઈના જુહુ વિસ્તારમાં ટ્રિપ્લેકસ ખરીદ્યું હતું. જાહ્નવી કપૂરે આ એપાર્ટમેન્ટ ૨૦૨૦માં ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આમ, જાહ્નવી કપૂર ફિલ્મ સ્ટાર તો છે જ, પણ તેને રિઅલ એસ્ટેટમાંથી નાણાં કમાવવાની પણ ફાવટ છે. રાજકુમાર પાસેથી એણે બે જ વર્ષમાં પૂરા પાંચ કરોડ રૂપિયા કમાઈ લીધા. રાજકુમાર રાવ પાસે આ વૈભવી એપાર્ટમેન્ટ ઉપરાંત એકાધિક લક્ઝરી કાર અને મોંઘી મોટરબાઇક્સ પણ છે. આજે રાજકુમાર રાવ એકસો કરોડ રૂપિયાનો આસામી હોવાનો અંદાજ છે. એ મુંબઈ આવ્યો એ વાતને હજુ દોઢ દાયકો જ થયો છે. દોઢ દાયકામાં ઉત્તમ અદાકાર તરીકેની નામના, લોકપ્રિયતા, સ્ટાર સ્ટેટસ અને સાથે સાથે ૧૦૦ કરોડની માલમિલકત... નોટ બેડ! 

રાજકુમાર રાવને હિન્દી ફિલ્મોમાં કોમનમેનનું પાત્ર ભજવવાની હથોટી આવી ગઇ છે. રાજકુમાર સિવાય આયુષ્યમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્ધિકી, વિક્રાંત મેસ્સી અને પંકજ ત્રિપાઠી જેવા એક્ટર્સ પણ હિન્દી ફિલ્મોમાં આમ આદમીનાં પાત્રો બખૂબી ભજવી જાણે છે. આ બધાં ધુરંધરોની વચ્ચે રહીને પોતાની એક્ટિંગના જોરે સ્ટારડમ મેળવવી અને તેને જાળવવી એ મોટી સિદ્ધિ છે.  

રાજની એક પછી એક ફિલ્મો આવતી રહી છે. હંસલ મહેતાની ફિલ્મ 'શાહીદ' માટે એને નેશનલ અવોર્ડ મળ્યો. એ પછી ૨૦૧૮માં અમર કૌશિક નિર્દેશિત હોરર કોમેડી 'સ્ત્રી' આવી. એના છ વર્ષ બાદ 'સ્ત્રી-ટુ' આવી. આ ફિલ્મ કેવી ધમાલ મચાવી રહી છે એ તો તમે જોઈ જ રહ્યા છો.  

જો ભારોભાર પ્રતિભા હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો બોલિવુડ આઉટસાઇડર્સને પણ વધાવી લે છે એ વાતનો રાજકુમાર રાવ ઉત્તમ દ્રષ્ટાંત છે.  


Google NewsGoogle News