રાજકુમાર રાવની એક્શન ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી
બહુમુખી પ્રતિભા ધરાવતો અને ઓડિયન્સ તેમજ ક્રિટિક્સ દ્વારા વખણાયેલો અભિનેતા રાજકુમાર રાવ હવે એક હાર્ડકોર એક્શન ફિલ્મ 'માલિક' સાથે નવા જ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. રાજકુમારને આપણે એક્શન ફિલ્મોમાં ખાસ જોયો નથી. 'ભક્ષક'થી જાણીતા થયેલા દિગ્દર્શક પુલકિતની આગેવાની હેઠળ ફિલ્મનું શૂટીંગ સપ્ટેમ્બરમાં લખનઉમાં શરૂ થશે.
રાજકુમારની ચૌદ વર્ષમાં ફેલાયેલી કારકિર્દીમાં એણે એક જ વાર ૨૦૨૨માં 'હિટ: ધી ફર્સ્ટ કેસ' નામની એક્શન થ્રિલર કરી હતી. આ ફિલ્મ જોકે ચાલી નહીં એટલે લોકોના નજરમાં આવી નહીં. 'માલિક'માં એના રોલ માટે શારીરિક કૌશલ્યોની વધારે જરૂર પડવાની છે. આમ છતાં, અથવા કદાચ એટલે જ, રાજકુમારે હોંશે હોંશે આ ફિલ્મ સ્વીકારી છે.
નવો ડિરેક્ટર કલાકારના અજાણ્યાં કે ઓછા જાણીતાં પાસાંને તરાશીને પેશ કરી શકતો હોય છે. પુલકિત એટલે જ રાજકુમારને એક નવા સ્વરૂપમાં કલ્પી રહ્યા છે. આ ફિલ્મ ઇમોશનલ અને મનોરંજક હોવાની, પણ રાજકુમારે સ્ટન્ટ કરવા માટે સઘન શારીરિક તાલીમ લેવાની જરૂર પડશે. એણે આ રોલ માટે પોતાનું શરીર સ્નાયુબદ્ધ બનાવવું પડશે. રાજકુમારે તે માટેની તૈયારી ઓલરેડી શરૂ કરી દીધી છે. 'માલિક'માં રાજકુમારની હિરોઈન મેધા શંકર છે. મેધાને આપણે '૧૨વી ફેઈલ'માં જોઈ છે. 'માલિક'માં મેધાનો રોલ સૌમ્ય, બુદ્ધિશાળી અને સંવેદનશીલ યુવતીનો છે, જે રાજકુમારના પાત્રને યોગ્ય રીતે સંતુલિત કરે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પુલકિતે જ લખી છે. વાર્તાની શરૂઆત લખનઉ અને બનારસમાં થાય છે. અહીં તેઓ ત્રણ મહિનાનું શૂટિંગ એકસાથે કરશે.
'માલિક' તો આવે ત્યારે સાચી, બાકી આવતા મહિને આપણે રાજકુમારને અતિ પ્રતિક્ષિત હોરર કોમેડી 'સ્ત્રી-ટુ'માં તો જોવાના જ છીએ. આ સિવાય રાજકુમારની એક ઓર ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ આવવાની છે - 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'. તેમાં રાજકુમારની હિરોઈન છે, તૃપ્તિ ડિમરી.
'સ્ત્રી-ટુ'ના ટીઝરે ચર્ચા જગાડી છે અને ફિલ્મ માટેની અપેક્ષાને બમણી કરી છે. ચાહકોની ઉત્સુક્તાને જોઈને સર્જકોએ 'સ્ત્રી-૩', 'સ્ત્રી-૪' અને 'સ્ત્રી-૫'ની સંભાવના પણ વ્યક્ત કરી છે! અલબત્ત, સઘળો આધાર 'સ્ત્રી-ટુ'ની સફળતા પર છે. ખેર, 'સ્ત્રી'ને કારણે લોકપ્રિય બની ગયેલા પેલા વાક્યના આધારે આપણે તો એટલું જ કહીશું કે, 'રાજકુમાર, તુમ કલ ભી આના ઔર પરસોં ભી આના...'