રાજકુમાર રાવઃ અંધ આખોનું અજવાળું
- 'સ્પર્શ' ફિલ્મનો નસીરુદ્દીન શાહનો અંધજન તરીકેનો અભિનય દર્શકો આજે સાડાચાર દાયકા પછી પણ ભૂલી શક્યા નથી. 'સેન્ટ ઓફ અ વુમન'નો અલ પચીનોનું પર્ફોર્મન્સ દુનિયાભરના એક્ટરો માટે એક રેફરન્સ પોઈન્ટ બની ગયું છે. શું રાજકુમાર રાવ પ્રજ્ઞાાચક્ષુની પડકારજનક ભૂમિકા 'ક્રેક' કરી શકશે?
આ યુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ વચ્ચે એક વાત કોમન છે - બન્નેને એક ચોકઠામાં પુરાઈ રહેવું જરાય પસંદ નથી. રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'શ્રીકાંત'ના ટ્રેલર (કે ટીઝર કે પ્રોમો કે જે કહેવું હોય એ)ની જ વાત કરો. આ જોઈને ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેને લગભગ એકસરખું સાનંદાશ્ચર્ય થયું છે. રાજકુમાર આમેય પોતાના ચાહકોને કંઈક નવું આપવા, કશુંક નવું કરવા થનગનતો રહે છે. એ દ્રષ્ટિએ રાજકુમારને તમે 'થનગનભૂષણ'નું બિરૂદ આપી શકો! 'શ્રીકાંત'માં એણે પજ્ઞાાચક્ષુનો એટલે કે અંધજનનો રોલ કર્યો છે. આ એક બાયોપિક છે, જે ફર્સ્ટ લૂક રિલીઝ થતાંની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે.
આ ફિલ્મમાં રાજકુમાર શ્રીકાંત બોલા નામના એક દ્રષ્ટિવિહીન ઉદ્યોગપતિની ભૂમિકા ભજવી રહ્યો છે. આ બાયોપિક તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરી છે અને મુખ્ય પ્રોડયુસર છે, ભૂષણકુમાર. ફિલ્મમાં 'શૈતાન' પછી ફરી એક વાર સાઉથની સિનિયર એક્ટ્રેસ જ્યોતિકા તગડા રોલમાં દેખાવાની છે. એ રાજકુમારની ટીચર બની છે, જે અંધ વિદ્યાર્થીઓ માટે પૂરતી સુવિધાઓ ઊભી ન કરનાર ભારતીય શિક્ષણતંત્રને કોર્ટમાં ઘસડી જવા માગે છે. ફિલ્મમાં અલાયા એફ. અને શરદ કેળકર પણ મહત્ત્વના રોલમાં છે.
'શ્રીકાંત'ના ફર્સ્ટ લુક મોશન પોસ્ટર અને ટ્રેલરમાં રાજકુમાર રાવનો ખિલખિલાટ હસતો ચહેરો જ કહી દે છે કે અંધજનો પ્રત્યે દયાભાવ, સહાનુભૂતિ કે બિચારાપણાની લાગણી - આમાંનું કશું જ આ ફિલ્મમાં હોવાનું નથી. ફિલ્મનું ટ્રેલર જોઈને સમજાય છે ખુમારી અને મનોબળ - આ છે આ ફિલ્મના કેન્દ્રસ્થ ભાવ. નાયકની ચક્ષુવિહીનતા સાથે આ ભાવને જાણે કશી લેવાદેવા નથી. એક સૂરદાસ પણ ધારે તો સફળ ઉદ્યોગપતિ બની શકે છે. ફિલ્મ જો ટ્રેલર જેટલી જ અસરકારક સારી બની હશે તો તે દર્શકોનો પાનો ચડાવી દેશે એવું લાગે છે.
આજકાલ એક્ટરો પોતે જ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મના ફિલ્મનો ફર્સ્ટ લૂક, ટીઝર, ટ્રેલર વગેરે રિલીઝ કરી દે છે. રાજકુમારે 'શ્રીકાંત'નો ફર્સ્ટ લુક વીડિયો શેર કર્યો ને તેની સાથે જ ભૂમિ પેડણેકર, તારા સુતરિયા અને મુકેશ છાબરા સહિતની બોલિવુડની હસ્તીઓએ રાજકુમાર રાવ પર અભિનંદનનો વરસાદ વરસાવી દીધો. સૌથી સરસ કમેન્ટ અસલી શ્રીકાંત બોલાની છે, કે જેમના જીવન પરથી આ ફિલ્મ બની છે. એમણે લખ્યુંઃ 'ફિલ્મનું પોસ્ટર જોઈને લોકો મને અભિનંદન આપી રહ્યા છે. તેઓ કહે છે કે ફિલ્મમાં રાજકુમાર અદ્દલ મારા જેવે જ દેખાય છે. રાજકુમાર, આવી જ રીતે હાર્ડ વર્ક કરતા રહો. ફિલ્મની સફળતા માટે તમને અને ફિલ્મની ટીમને શુભેચ્છા.'
પ્રજ્ઞાાચક્ષુ વ્યક્તિનો અભિનય કરવો જરાય આસાન હોતો નથી, પણ જો એક્ટર આ ભુમિકા 'ક્રેક' કરી નાખે તો એનું પર્ફોર્મન્સ અવિસ્મરણીય બની જાય છે. સઈ પરાંજપેની 'સ્પર્શ' (૧૯૮૦) ફિલ્મના નસીરુદ્દીન શાહને સિનિયર દર્શકો આજે પણ ભૂલી શક્યા નથી. એ જ રીતે 'સેન્ટ ઓફ અ વુમન' (૧૯૯૨) ફિલ્મનો અલ પચીનોનો અભિનય કેટલાય એક્ટરો માટે એક રેફરન્સ પોઈન્ટ બની ગયો છે. અલ પચીનોએ જોકે કશેક કહ્યું હતું કે એમણે ખુદ આ ફિલ્મની તૈયારીના ભાગરૂપે 'સ્પર્શ'ના નસીરના અભિનયનો ઝીણવટભેર અભ્યાસ કર્યો હતો!
જોઈએ, રાજકુમાર રાવ 'શ્રીકાંત' દ્વારા કેટલી મોટી છલાંગ મારી શકે છે.