રાજકુમાર રાવ : મીમ અને ટ્રોલિંગથી કંઈ વિચલિત થોડું જ થવાનું હોય!
બો લીવૂડના સતત બદલાતા પરિપ્રેક્ષ્યમાં ઘણીવાર એક્ટરો સ્ક્રીન પર તેમજ સ્ક્રીનની બહાર પડકારો વચ્ચે ઘેરાયેલા નજરે પડતા હોય છે. વર્સેલિટી અને પ્રતિભાનો સમાનાર્થી બની ગયેલો રાજકુમાર રાવ આવી અજમાયશથી અજાણ્યો નથી. જટિલ ભૂમિકામાં ડૂબકી લગાવીને સ્પોટલાઈટ માણી રહેલા રાજકુમારની ફિલ્મી સફર મક્કમતા અને પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આગામી ફિલ્મ 'શ્રીકાંથ'માં અંધજનના પાત્રના ચિત્રણની તક મળી ત્યારે રાવને શરૂઆતમાં આ કાર્ય મુશ્કેલ લાગ્યું હતું. પણ આવા પડકારથી દૂર જવાની બદલે તેણે તેનો ખુલ્લા મનથી સ્વીકાર કર્યો.
રાજકુમાર રાવે અંધજનના પાત્રના પ્રમાણિક ફિલ્મીકરણની તૈયારી માટે અંધજનો સાથે વધુમાં વધુ સમય પસાર કર્યો. અધિકૃતતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા અને પ્રચલિત માન્યતાઓને ત્યજવાની તત્પરતા કળા પ્રત્યે તેની સમર્પિતતા દર્શાવે છે.
મેથડ અક્ટિંગ પદ્ધતિ તરીકે કેમેરાની બહાર પણ પોતે અંધ હોવાની કલ્પના કરીને રાવે તેના રોલ પ્રત્યે અતૂટ નિષ્ઠાનું પ્રદર્શન કર્યું. સમર્પિતતાનું આ સ્તર કળા પ્રત્યે રાવના અભિગમની વિશિષ્ટતા છે જેના કારણે તેને દર્શકો અને વિવેચકો બંને તરફથી સન્માન મળ્યુ છે.
ફિલ્મના શૂટ દરમ્યાન પણ રાવ સેટ પર એક અંધજનની જેમ જ વર્તતો હતો. સેટ પર તે પડી જાય તો પણ અચકાતો નહોતો. સેટ પરનો સ્ટાફ તેને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મદદ કરતો હતો. આ વર્ષે વધુ ત્રણ અતિ અપેક્ષિત ફિલ્મો 'મી. એન્ડ મીસીસ માહી', 'સ્ત્રી ટુ' અને 'વિકી વિદ્યા' સાથે રાવ આજના સમયનો સૌથી ડીમાન્ડમાં રહેલો સ્ટાર છે.
જો કે રાવ તાજેતરમાં તેની પ્રતિભાને કારણે નહિ પણ અન્ય વિચિત્ર કારણે જ વાયરલ થયો છે. મુંબઈમાં ગાયક-એક્ટર દિલજિત દોસંજની કન્સર્ટ ખાતે પ્રસિદ્ધ થયેલી તેની એક તસવીરને કારણે રાવ સોશિયલ મીડિયાની મીમ અને ટ્રોલિંગનો ભોગ બન્યો છે. ફોટામાં રાવ તેની હડપચીને કારણે તદ્દન જુદો લાગે છે જેના કારણે નેટ યુઝરોએ તેને મિસ્ટર ચિન-ક્રેડિબલ જેવી મશ્કરીથી નવાજ્યો હતો. પણ રાવે આ તમામ મીમ અને ટ્રોલિંગ સામે સ્વસ્થતા જાળવી રાખી. નવા ફોટાથી સોશિયલ મીડિયા પર તેના દેખાવ વિશે મીમ અને ટિપ્પણીઓનો મારો ચાલ્યો છે, જે આજના સમયમાં એક સામાન્ય બાબત છે. આવી વાયરલ ટિપ્પણીઓ પ્રત્યે રાવનો પ્રતિસાદ વિસંગતતા સામે સકારાત્મક અભિગમ જાળવી રાખવાની તેની ક્ષમતા પ્રદર્શિત કરે છે. બાહ્ય મંતવ્યોથી પ્રભાવિત થયા વિના રાવે પોતાનો ચહેરો મક્કમ રાખીને કામ પર ધ્યાન આપવાનું પસંદ કર્યું.
જે પ્રકારે રાવ ચર્ચાસ્પદ થયો છે તે તેની કક્ષાના એક્ટર માટે અપમાનજનક કહેવાય, પણ તેની નજીકના મિત્રોએ તેને ખાતરી આપી કે આ તેના માટે એક સારી બાબત છે કારણ કે તે હવે મીમ કલ્ચરનો હિસ્સો બન્યો છે. રાવે કોસ્મેટીક સર્જરી કરાવી હોવાની અફવાએ તેને એક રીતે બહુચર્ચિત કરી દીધો છે. જો કે રાવે સ્પષ્ટતા કરી કે તેણે આવી કોઈ પ્રક્રિયા નથી કરાવી, પણ તેના આવા શાંત અને મક્કમ અભિગમને કારણે તેની આગામી ફિલ્મો દર્શકોને વધુ આકર્ષિત કરશે તેમાં શક નથી.
આ ઘટનાથી મનોરંજન ઉદ્યોગમાં બોડી ઈમેજ અને દેખાવના ધોરણો વિશે પ્રચલિત ધોરણો પર પણ પ્રકાશ પડયો છે. રાવનો અનુભવ સેલિબ્રિટીઓએ જે ચકાસણીનો સામનો કરવો પડે છે તેનું માત્ર એક ઉદાહરણ છે. સમાજના ધોરણોને અનુરૂપ થવાનું દબાણ તાણ વધારી શકે છે કારણ કે કલાકારની ઝીણામાં ઝીણી વિગતો પણ ઓનલાઈન દર્શકો દ્વારા ચકાસવામાં આવતી હોય છે.
મીમ કલ્ચર અને ઓનલાઈન ટ્રોલિંગ દ્વારા ઊભા થયેલા પડકારો છતાં રાવ અડગ રહ્યો છે. રાવને જાણ છે કે આખરે તેનું કામ જ તેનો ખરો પરિચય કરાવશે અને વિવાદો અથવા ગપશપ પોતાની મેળે શાંત થઈ જશે. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન રાવે વિવિધ પ્રકારના રોલમાં અવિસ્મરણીય પરફોર્મન્સ આપ્યા છે પછી તે સાધારણ માનવીની ભૂમિકા હોય કે 'શહિદ', 'ટ્રેપ્ડ' અને 'ન્યુટન' જેવા જટિલ પાત્રો હોય, રાવે તમામને પૂરતો ન્યાય આપ્યો છે. પડદાની બહાર રાવના વિનોદી વર્તન અને મક્કમતાએ તેના ચાહકો અને સહયોગી બંનેને પ્રભાવિત કર્યા છે. રાવ પોતાના અગ્રણીઓની પ્રતિભાની કદર કરે છે અને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાનની પ્રશંસા કરે છે. તેના આવા અભિગમને કારણે બોલીવૂડની સ્પર્ધાત્મક દુનિયામાં તેના ઘણા મિત્રો છે. પ્રચલિત ધોરણોથી ઉપર ઉઠીને પોતાની કળા પ્રત્યે નિષ્ઠા રાખીને રાવે ઉત્કૃષ્ટતા પ્રત્યે તેની અતૂટ પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે.