રાજકુમાર રાવ : હું જ મારો પ્રતિસ્પર્ધી, હું જ મારો વિવેચક
- 'સરસ રહી છે મારી સફર,' રાજકુમાર રાવ કહે છે, 'મેં રિજેક્શન, સંઘર્ષ, સફળતા, પ્રગતિ બધું જ જોયું છે. મને કોઈ અફસોસ નથી. જો મને નવેસરથી જીવન શરૂ કરવાની તક મળે તો હું એક્ટર બનવાનું જ પસંદ કરું.'
રાજકુમાર રાવ બોલિવુડના સૌથી ઉત્તમ અદાકારો પૈકીનો એક છે તે વિશે કોઈને શંકા હોવી જોઈએ નહીં. કમસે કમ, 'શ્રીકાંત' પછી તો નહીં જ! રાજકુમારના વ્યક્તિત્વમાં એવું કશુંક છે જે લોકોને સતત આકર્ષે છે. તે કદાચ એનું નમ્ર સ્મિત હોય, એની વાત કરવાની રીત હોય, કાં તો પછી એની સાલસતા અને નિખાલસતા હોય. રાજકુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોવા છતાં એને ફિલ્મી હવા લાગી નથી તે એક મોટી સિદ્ધિ છે!
ઇન્ટેન્સ ડ્રામા હોય કે કોમેડી, નેગેટિવ કિરદાર હોય કે કોઈ અતરંગી પાત્ર - રાજકુમાર પ્રત્યેક કિરદારને પ્રભાવશાળી રીતે પેશ કરે છે. એનો અભિનય એટલો પ્રતીતિકારક હોય છે કે 'બરેલી કી બરફી'માં નાનકડા નગરનો સાડીનો સેલ્સમેન, 'મોનિકા ઓ માય ડાર્લિંગ'નો ખલનાયક, 'ભીડ'માં જાતિપ્રથા સાથે ઝઝૂમતો ઈન્સ્પેક્ટર, 'બધાઈ દો'નો હોમોસેક્સ્યુઅલ પોલીસમેન કે 'ગન્સ એન્ડ ગુલાબ્સ'નો નવો નિશાળીયો ગેન્ગસ્ટર - આ દરેક રોલમાં તે ઝળકે છે.
'શ્રીકાંત' પછી હવે એ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં દેખાયો છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પણ એમાં રાજકુમારનું કામ તો સૌને ગમ્યું જ છે. પાત્રમય થઈ જવાની રાજકુમારની ક્ષમતા ફિલ્મમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજકુમાર કહે છે, 'તમારે પ્રયાસ કરીને એ જ વ્યક્તિ બનવું પડે છે અને એની જેમ જ વિચારવાનું શરૂ કરવું પડે છે. 'ન્યુટન', 'ટ્રેપ્ડ' અને 'શ્રીકાંત' જેવી ફિલ્મો હોય કે પછી 'બરેલી કી બરફી' અને 'સ્ત્રી' જેવી હળવી કોમેડી હોય, તમારે પાત્રને બરાબર સમજીને તેનો એટિટયુડ પકડવો પડે છે.'
રાજકુમાર દ્રઢપણે માને છે કે, 'બાયોપિકમાં વાસ્તવિક પાત્રો ભજવતા હોઈએ ત્યારે જે-તે માણસની મિમિક્રી કરવાની ન હોય, બલ્કે, તમારી બોડી લેંગ્વેજમાં અધિકૃતતા હોવી જોઈએ. પાત્રએ જે સંઘર્ષ, પીડા, ખુશી અને વ્યથા અનુભવ્યાં હોય તે લાગણીઓને તમારે તમારા પાત્રમાં ઉતારવા પડે છે અને તે મુજબ જીવવું પડે છે.'
રાજકુમારની આ નિષ્ઠા અને પ્રમાણિકતા યાદગાર પરફોર્મન્સમાં પરિવર્તિત થાય છે એ તો નક્કી. પોતાની કારકિર્દી વિશે વિચારતા રાજકુમાર સંતોષ વ્યક્ત કરતાં કહે છે, 'ગુરગાંવ જેવા નાનકડા નગરમાં ફિલ્મ એક્ટર બનવાનું સપનું જોવું અને એ સપનું સાકાર થવું તે એક સિદ્ધિ છે. મારે એવાં પાત્રો ભજવવાં છે જે દર્શકોને યાદ રહી જાય.'
રાજકુમાર ક્યારેક અભાનપણે પાત્રની માનસિક્તા સાથે ઘરે પાછો ફરે છે. પેકઅપ પછી પણ એ જે-તે પાત્રમાંથી બહાર આવી શકતો નથી. રાજકુમાર કહે છે, 'પણ ઘરમાં તો હું રાજ બનીને જ રહેવા માગુ છું. હું પ્રયાસ કરું છું કે પાત્રને સાથે લઈને ન ફરું, પણ ક્યારેક કોઈ પાત્ર એવું હાવી થઈ જાય છે કે ઘરે પહોંચ્યા પછી પણ તેમાંથી બહાર નીકળવું મશ્કેલ બને છે. આ બહુ નાજુક સ્થિતિ છે. સ્વિચ ઓન- સ્વિચ ઓફ કરતાં દરેક પ્રોફેશનલ એક્ટરે શીખવું જ પડે છે.'
રાજકુમારને 'ગન્સ એન્ડ ગુલાબ્સ'ની વિગતવાર સ્ક્રિપ્ટ મળી હતી તેથી પોતાના પાત્રમાં ઊંડા ઉતરવાની એને તક મળી. રાજકુમારે તેમાં ઝીણી ઝીણી ડિટેલ્સ ઉમેરીને પોતાના પાત્રને વધારે રમૂજી બનાવ્યું. રાજકુમારને દિગ્દર્શકો ડીકે અને રાજનું વિઝન ખૂબ આકર્ષક લાગે છે. 'સ્ત્રી-ટુ'માં એ જ ટીમ સાથે ફરી કામ કરવાનું થયું એટલે રાજકુમારને મોજ પડી ગઈ છે. 'સ્ત્રી' એક સફળ ફિલ્મ છે, તેથી તેની સિક્વલ બનાવતી વખતે દબાણનો અનુભવ થાય જ. જોકે રાજકુમાર માત્ર વર્તમાન પર જ ફોકસ કરવા માગે છે.
રાજકુમારને ઇન્ડસ્ટ્રીમાં દાયકો થઈ ગયો. 'સરસ રહી છે મારી સફર,' એ સમાપન કરે છે, 'મેં રિજેક્શન, સંઘર્ષ, સફળતા, પ્રગતિ બધું જ જોયું છે. મને કોઈ અફસોસ નથી. જો મને ફરી જીવન શરૂ કરવાની તક મળે તો પણ હું એક્ટર બનવાનું જ પસંદ કરું.'