રાજ કપૂર ધ ગ્રેટ શોમેન... રણબીર કપૂરની નજરે
ગો વામાં દર વરસે યોજાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (આઈએફએફઆઈ)માં પ્રશ્નોતરીના સેશનમાં એક્ટર રણબીર કપૂર છવાઈ ગયો. ખાસ કરીને રણબીરે પોતાના ગ્રેટ શૉમેન ગ્રાન્ડફાધર રાજ કપૂર વિશે બહુ મજાની ચર્ચા કરી.
સેશનની શરૂઆતમાં જ રણબીરે એક હકીકત કબુલી કે હું સિનેમાને સમજતો થયો ત્યાર પછી જ મને ભારતીય ફિલ્મોમાં રાજ કપૂરના અમૂલ્ય પ્રદાન વિશે બ્રહ્મજ્ઞાાન લાદ્યુ હતું. રણબીરે કહેલું, 'રાજ કપૂર રાજ કપૂર હતા કારણ કે તેઓ કોઈ મોડલને અનુસર્યા નહોતા. મારું એવું માનવું છે કે તમે કોઈ ભવ્ય વારસાને આગળ વધારવા ઇચ્છતા હો તો તમારે પોતાના વ્યક્તિગત અભિગમ સાથે એ કરવું જોઈએ.'
એક યુવાન શ્રોતાના સવાલના જવાબમાં રણબીરે ચોખવટ કરી, 'ઓનેસ્ટલી કહું તો હું એક્ટર રાજ કપૂર કરતા ડિરેક્ટર રાજ કપૂરનો વધુ મોટો ફેન (પ્રશંસક) છું. ફિલ્મમેકર તરીકે એમણે પોતાના જીવનના વિવિધ તબક્કા દરમિયાન જુદી જુદી થીમ્સ પર ફિલ્મો બનાવી હતી. મૂવી બનાવવા પાછળ રાજ કપૂરનો એક ચોક્કસ ઉદ્દેશ રહેતો. તમે એમની શરૂઆતની ફિલ્મો પર નજર કરો તો 'આવારા' જાતિવાદ પર આધારિત હતી અને 'શ્રી ૪૨૦'માં માનવીના લોભ-લાલસાનો વિષ છેડાયો હતો. રાજ કપૂરે પોતાના કરિયરમાં ભારતના નૈતિક મૂલ્યો અને સામાજિક સમસ્યાઓ પર પાવરફુલ ફિલ્મો આપી.
ટેલેન્ટેડ પૌત્ર ઉમેરે છે, 'રાજ કપૂરમાં ન્યુકમર્સ સાથે ફિલ્મો બનાવવાની હિંમત હતી. ૫૦ વરસની ઉંમરે એમણે યુવા વર્ગ માટે ફિલ્મ 'બોબી' બનાવી. એનો અર્થ એવો થાય કે તેઓ સમય સાથે કદમ મિલાવી જાણતા હતા. '
જુનિયર કપૂરે એવું પણ શ્રોતાઓ સાથે સિક્રેટ પણ શૅર કર્યું કે 'હું પહેલેથી ડિરેક્ટર બનવા માગતો હતો, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં ટેલેન્ટેડ ડિરેક્ટર્સ સાથે કામ કર્યા પછી મને એ વાતનું ભાન થયું કે ડિરેક્શન કેટલું મુશ્કેલ અને સખત મહેનત માગી લેતું કામ છે. મારા દાદાએ માત્ર ૨૪ વરસની ઉંમરે 'આગ' નામની ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત એની સ્ટોરી લખી, મૂવીને એડિટ કરી અને એ પ્રોડયુસ કરવા સિવાય ડિરેક્ટ પણ કરી હતી. ૪૨ વરસનો થયો, પણ મારામાં હજુ એ પ્રકારનું સાહસ નથી આવ્યું. હા, મેં એક ફિલ્મ 'જગ્ગા જાસૂસ' જરૂર પ્રોડયુસ કરી હતી, જે બૉક્સ-ઑફિસ પર ચાલી નહોતી, પરંતુ મારી અંદર ચોક્કસપણે ડિરેક્શનની મહત્ત્વાકાંક્ષા ધગધગે છે. હું એક રાઇટ સ્ટોરીની રાહ જોઈ રહ્યો છું. '
ફેસ્ટિવલના સેશનમાં રણબીરને રાજ કપૂરની બાયોપિક બનાવવાની શક્યતા વિશે પણ પૂછાયું. રણબીરે કહ્યું, 'મેં એ વિશે ઘણું વિચાર્યું છે અને સંજય લીલા ભણસાલી જેવા વિવિધ ફિલ્મમેકર્સ સાથે વાત પણ કરી છે. સવાલ એ છે કે તમે રાજ કપૂરની લાઈફ વિશે કઈ રીતે બાયોપિક બનાવો? બાયોપિક એવી વાત નથી કે તમે એમાં સંબંધિત વ્યક્તિની સકસેસની હાઇલાઈટ્સ જ બનાવો. તમારે પ્રામાણિકપણે વ્યક્તિના જીવનનું નિરુપણ કરવું જોઈએ. એના જીવનની ચડતીપડતી અને એના સંબંધો- બધુ જ બતાવવું પડે. આવી બાયોપિક બનાવવી બહુ અઘરી છે. મારો પરિવાર રાજ કપૂરના જીવનનો બીજો પહેલું બતાવવા સંમત થશે કેમ એની મને ખબર નથી. હા, એટલું જરૂર જાણું છું કે એ એક ગ્રેટ મૂવી બની રહેશે.'