રાધિકા મદાન : આઉટસાઇડર હોઉં તો શું થયું... હું આપબળે સક્સેસફુલ છું!
- 'આજે હું હિન્દી ફિલ્મજગતનો હિસ્સો બની ગઇ છું. આમ છતાં મારે નવી ફિલ્મ માટે ઓડિશન આપવાં પડે છે. મારા જેવાં ઉગતાં કલાકારોએે આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે'
હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં પણ છે જેમની કૌટુંબિક કડી બોલિવુડ સાથે નથી. એટલે કે આવાં કલાકારોનાં માતા કે પિતા કે ભાઇ -બહેન , કોઇ જ ફિલ્મ જગત સાથે સંકળાયેલાં નથી. રાધિકા મદાનનું નામ આ યાદીમાં છે.
રાધિકા મદાને મેરી આશિકી તુમ સે હૈ (૨૦૧૪) ટ ીવી સિરિયલ સાથે અભિનય કારકીર્દી શરૂ કરી છે. સમય જતાં રાધિકા મદાનને બોલીવુડના પ્રયોગશીલ અને સર્જનશીલ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની પટાખા ફિલ્મ (૨૦૧૮)માં તક મળી. પટાખા ફિલ્મમાં રાધિકાના અભિનયની પ્રશંસા થઇ. આ જ મહેનત અને પ્રતિભાના આધારે રાધિકામદાનને મર્દ કો દર્દ નહીં હોતા, અંગ્રેજી મિડિયમ, સિદ્દત વગેર ફિલ્મો પણ મળી. આમ રાધિકા મદાન ધીમે ધીમે બોલીવુડમાં સ્થિર થતી ગઇ.
રાધિકા મદાન કહે છે, જુઓ, હું તો મૂળ દિલ્હીની છું. મારા પિતા સુજિત મદાન બિઝનેસમેન છે, જ્યારે મારી માતાનીરુ મદાન પ્રસિદ્ધ ચિત્રકાર છે. ક્યારેક મને મારું દિલ્હીનું ઘર બહુ બહુ યાદ આવી જાય ત્યારે હું મારા નિર્માતાને અને દિગ્દર્શકને કહીને દિલ્હી પહોંચી જાઉં છું. બસ, થોડાક દિવસ મમ્મી, પાપા, મોટાભાઇ સાથે રહીને ભરપૂર આનંદ, ઉત્સાહ સાથે મુંબઇ આવી જાઉં અને ફરીથી મારા ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત બની જાઉં.
રાધિકા મદાન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, આજે હું હિન્દી ફિલ્મ જગતનો હિસ્સો બની ગઇ છું. આમ છતાં મારે નવી ફિલ્મ માટે ઓડિશન આપવાં પડે છે. મારા જેવાં ઉગતાં કલાકારોને પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. જોકે અમે જે નવી ફિલ્મ માટે ઓડિશન આપીએ તેના પ્રત્યે લગાવ થઇ જાય છે. ક્યારેક આવા ઓડિશનમાં સફળતા મળે તો કોઇક વખત નિરાશા પણ મળે છે. હકીકત તો એ છે કે મારે કે અન્ય કોઇ કલાકારે આવી નિરાશામાંથી બહાર આવી જવું જરૂરી હોય છે. મારે આ પ્રકારની લાગણી પર કાબૂ મેળવવો પડે છે.
સ્વાભાવિક છે. જે કોઇ ફિલ્મમાં કામ કરતી હોઉં તેમાં મન પોરવવું પડે છે. જોકે એક માનવી તરીકે આ પ્રકારની મનોદશામાંથી બહાર આવવું થોડુંક મુશ્કેલ તો છે જ.હા, હું એમ જરૂર સમજું છું કે સમય અને સંજોગો માનવીને ઘણો બધો અને ઉપયોગી બોધપાઠ પણ આપે છે. બસ, હું તો એક જ સૂત્રમાં માનું છું , મારું કામ સો ટચના સોના જેવું હશે તો બાકીનું બીજું બધું તો આપમેળે થઇ જશે.
રહી વાત થોડા સમય પહેલાં રજૂ થયેલી ફિલ્મ સરફિરાની. સરફિરા ફિલ્મમાં અક્ષય કુમાર અને મારી પતિ પત્નીની જોડી છે. ફિલ્મની કથા એક સીધા સરળ,મધ્યમ વર્ગના વીર મરાઠા નામના યુવાનની છે. આ યુવાનનાં મન-હૃદયમાં સસ્તા દરની એરલાઇન શરૂ કરવાનું સ્વપ્ન રમી રહ્યું છે. આ વિમાન સેવામાં મધ્યમ વર્ગની કે સાધારણ પરિવારની કોઇપણ વ્યક્તિ પણ પ્રવાસ કરી શકે. આ યુવાનની આ ઇચ્છા કે સપનું પૂરું કરવામાં તેની પત્ની રાની મરાઠા મન--હૃદયથી સહકાર આપે છે. ફિલ્મમાં મેં રાની મરાઠેનું પાત્ર ભજવ્યું છે. રાની મરાઠેની ભૂમિકા ખરેખર બહુ મજબૂત છે.
હા, સરફિરા ફિલ્મમાં મારી અને અક્ષય કુમાર વચ્ચે ઉંમરનો ૨૦ વર્ષનો મોટો તફાવત છે.આમ છતાં ફિલ્મનીકથા-પટકથા, ગુંથણી એવી સરસ છે કે દર્શકોને અમારી આ મોટી વયનો જરાય ખ્યાલ નથી આવ્યો.