રાધિકા મદાન : મારાં અમુક પાત્રોએ મને ડિપ્રેશનમાં ધકેલી દીધી હતી
'રાતોરાત મળતી પ્રસિધ્ધિ પચાવતાં ન આવડે અને આ પ્રખ્યાતિ મળતી બંધ થાય તે સહન ન થઈ શકે તો જીવતર ઝેર બની જાય. ખરી મઝા તો ધીમે ધીમે મળતી લોકપ્રિયતામાં છે.'
ટચૂકડા પડદે અભિનય કારકિર્દીનો આરંભ કરનાર અભિનેત્રી રાધિકા મદાને પછીથી 'મર્દ કો દર્દ નહીં હોતા', 'અંગ્રેજી મીડિયમ', 'શિદ્દત', 'કુત્તે', 'કચ્ચે નીબુ' અને સિરીઝ 'સાસ બહુ ઔર ફ્લેમિંગો'માં કામ કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. થોડા સમય પહેલા તેની 'સજની શિંદે કા વાયરલ વીડિયો'ને પણ બહોળો પ્રતિસાદ મળ્યો.
આ મૂવીમાં આવતો એક ડાયલૉગ આજે પણ લગભગ બધી મહિલાઓને લાગુ પડે છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'ઔરત કો હર બાર અપને હક કો ક્યોં જસ્ટિફાય કરના પડતા હૈ?' જોકે રાધિકા આ વાત સાથે સંમત નથી થતી. તે કહે છે કે મારી સાથે મારાં માતાપિતાએ ક્યારેય આવું નથી કર્યું. તેમણે હમેશાં મને મારા ભાઈ કરતાં ઉપર માની છે. તેમણે હમેશાં એમ જ કહ્યું છે કે છોકરો-છોકરી શારીરિક રીતે ભલે અલગ અલગ હોય, પરંતુ મહિલાઓની શક્તિ, હિમ્મત, લગનને જરાય ઓછી ન આંકી શકાય. વાસ્તવમાં પુરૂષોની આપણે વધારે પડતું મહત્વ આપીને તેમની અંદર ગુરૂતાગ્રંથિ ભરી દીધી છે. અને હવે સ્ત્રીઓ તેમની બરાબરી કરીને પોતાની લઘુતાગ્રંથિ દૂર કરવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં મહિલાઓએ પોતાની બરાબરી પુરૂષો સાથે કરવી જ ન જોઈએ. તેમને પોતાના સ્ત્રીત્વનું ગૌરવ હોવું જોઈએ. આપણે જ્યાં સુધી આ વિચારધારા નહીં કેળવીએ ત્યાં સુધી સમાજમાં પરિવર્તન નહીં આવે. તે વધુમાં કહે છે કે ફિલ્મોદ્યોગની જ વાત કરીએ તો ૧૦૦ વર્ષ પુરાણી આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં બનેલી મહિલાપ્રધાન ફિલ્મોએ પુરવાર કરી બતાવ્યું છે કે અભિનેત્રીઓ પણ સમગ્ર મૂવીનો ભાર પોતાના ખભે ઉંચકવા જેટલી સક્ષમ છે. વિદ્યા બાલન અને કંગના રણૌત તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે.
'સજની શિંદે કા વાયરલ વીડિયો'ની કહાણીની જેમ આજે કંઇ કેટલાય લોકો સોશ્યલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની રહ્યાં છે. રાધિકાને આ વાતની ચિંતા છે. તે કહે છે કે રાતોરાત મળતી પ્રસિધ્ધિ પચાવતાં ન આવડે અને આ ખ્યાતિ મળતી બંધ થાય તે સહન ન થઈ શકે તો જીવતર ઝેર બની જાય. ખરી મઝા તો ધીમે ધીમે મળતી લોકપ્રિયતામાં છે જેનું આયખું પણ લાંબુ હોય.
રાધિકાને પોતાની ફિલ્મ 'સના' પ્રત્યે વિશેષ લગાવ છે. તે કહે છે કે ફિલ્મોત્સવોમાં આ મૂવીની ખૂબ સરાહના થઈ છે. આ ફિલ્મનો મારા દિલોદિમાગ પર ઊંડો પ્રભાવ છે. આ મૂવી પછી મેં 'સજની શિંદે કા વાયરલ વીડિયો' કરી મારા માટે કામ બહુ મુશ્કેલ હતું. હું આઠ-નવ મહિના સુધી તેના પ્રભાવમાંથી બહાર નહોતી આવી શકી. તેમાં મેં ૨૮ વર્ષની એવી યુવતીની ભૂમિકા ભજવી છે જે ફાઈનાન્શિયલ એડવાઇઝર છે. ૩૬ કલાકની આ કહાણીમાં તે પોતાની અંદર રહેલા શૈતાન સામે લડે છે. તે ભારે આઘાતમાંથી પસાર થાય છે. 'સના'ની ભૂમિકા ભજવ્યા બાદ જ્યારે મેં 'સજની' જેવું મુશ્કેલ પાત્ર ભજવ્યું ત્યારે અવસાદમાં સરી પડી હતી. મને આ પાત્રોમાંથી બહાર આવતાં ખાસ્સો સમય લાગ્યો હતો. જોકે હવે હું તેના પ્રભાવમાંથી બહાર આવી ગઈ છું અને જીવનને મનભરીને માણી રહી છું.