Get The App

રાધિકા મદાન : હું સંતુષ્ટ નથી જ! .

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
રાધિકા મદાન : હું સંતુષ્ટ નથી જ!                                 . 1 - image


- 'એક અભિનેત્રી તરીકે મારા અભિનયથી કે મહેનતથી ક્યારેય સંતોષ થશે કે   કેમ તેનો મને ખ્યાલ  નથી. બસ, હું તો એટલું જ જાણું છું કે મારે પડદા પર વિવિધ પ્રકારનાં પાત્ર ભજવવાં છે.'

- 'ડિમ્પલ કાપડિયા અને ઇરફાન ખાન જેવાં  આલા દરજ્જાનાં કલાકાર સાથે  કામ કરવાની તક અમૂલ્ય છે'

મને  એમ્મી  એવોર્ડ્ઝ (૨૦૨૩)ની જ્યુરી મેમ્બર બનવાનું સન્માન મળ્યું તે મારા માટે ગૌરવરૂપ પ્રસંગ છે. વળી,મારા માટે બેહદ ખુશીની બાબત તો એ છે કે  હું   સૌથી નાની ઉંમરની જ્યુરી મેમ્બર હતી. ખરું કહું તો  હું હજી પણ માની શકાતી નથી કે  મારી પસંદગી એમ્મી  એવોર્ડ્ઝના જ્યુરી મેમ્બર તરીકે થઇ છે.

ઉપરાંત, હું તાલ્લીન ફિલ્મ ફેસ્ટિવલ (એસ્ટોનિયાનું શહેર)ની જ્યુરી મેમ્બર હતી. હું આવું ઉજળું સન્માન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી છું. આ બંને પ્રસંગ મારા  જીવનના સોનેરી પ્રસંગ બની રહ્યા છે. બસ, હું મારી અભિનય કારકિર્દીથી બેહદ ખુશ છું. ભરપૂર સંતોષ છે. બહુ થોડી પણ મજેદાર હિન્દી ફિલ્મોમાં પ્રભાવશાળી પાત્રો ભજવનારી અભિનેત્રી રાધિકા મદાને આવી કબૂલાત કરી ત્યારે  તેના ચહેરા પર આનંદના ફુવારા ઉડતા હતા. 

મૂળ દિલ્હીના મિડલ ક્લાસ  પરિવારમાં જન્મેલી રાધિકા મદાન કહે છે, આમ તો મને બાળપણથી જ નાટક - ગીતસંગીતનો શોખ રહ્યો છે. હું ખુશનસીબ છું કે મારે હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરવા માટે બહુ સંઘર્ષ કરવો પડયો નથી. દિલ્હીમાં ગ્રેજ્યુએશન  પૂરું કર્યા બાદ મને ટેલિવિઝન સિરિયલ મેરી આશિકી તુમસે હૈ (૨૦૧૮) મળી. આ ટીવી સિરિયલને ભારતભરમાં બેહદ લોકપ્રિયતા મળી. ટીવી જગતમાં મારું નામ જાણીતું થઇ ગયું.  સાથોસાથ  મારાં અંતરમનમાં અભિનય કલા પ્રત્યે વધુ પ્રેમ અને આદર થયાં. મને સુંદર અને અર્થસભર ફિલ્મોમાં મજેદેર ભૂમિકા ભજવવાની પ્રેરણા મળી. 

 પ્રયોગશીલ અને માણવાલાયક ફિલ્મોના સર્જક વિશાલ ભારદ્વાજની પટાખા(૨૦૧૮) ફિલ્મથી  હિન્દી ફિલ્મ જગતમાં પા પા પગલી ભરનારી રાધિકા મદાન એક ફિલોસોફરની અદાથી કહે છે, જુઓ, મને એક અભિનેત્રી તરીકે મારા અભિનયથી કે મહેનતથી ક્યારેય સંતોષ થશે કે કેમ તેનો મને ખ્યાલ તો નથી. બસ, હું તો એટલું જ જાણું છું કે મારે પડદા પર વિવિધ પ્રકારનાં પાત્ર ભજવવાં છે. એક કરતાં વધુ  જિંદગી જીવવી છે. એમ કહો કે  દરેક ફિલ્મ સાથે મારે મારામા ંસુષુપ્ત રહેલી અભિનેત્રીને જાણવી છે. જગાડવી છે. ખોળવી છે. હા, હું આ ફિલ્મ જગતની બહુ બહુ આભારી  છું  અને રહીશ. 

મર્દ કો દર્દ નહીં હોતા, અંગ્રેજી મિડિયમ, રે, સાસ બહુ ઔર ફ્લેમિંગો જેવી સુંદર ફિલ્મો - વેબ શોમાં જુદાં જુદાં પાત્ર ભજવનારી રાધિકા તેની અભિનય યાત્રાના અનુભવ વિશે કહે છે, મેં આમ તો અત્યાર સુધીમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. મને  નવી  ફિલ્મની ઓફર મળે  ત્યારે મને  બેહદ ખુશી  તો થાય છે.  એક  ઉદાહરણ આપું. આમ  તો મારી  અભિનયાત્રા  ટીવી  સિરિયલ  મેરી  આશિકી  તુમ સે હ (૨૦૧૪) થી થઇ  છે. હું દિલ્હીના સામાન્ય સાધારણ પરિવારમાંથી મુંબઇ જેવા મોટા અને ફિલ્મ નિર્માણની મોટી નગરીમાં આવી હતી. મારા માટે બધું નવું હતું. ટીવીની દુનિયામાંથી બોલિવુડના વિશ્વમાં કઇ રીતે  પ્રવેશ કરાય? કોનો અને કઇ રીતે સંપર્ક સાધવો જોઇએ  વગેરે  બાબતોની  સમજ કે માહિતી કાંઇ જ નહોતું. 

આમ છતાં આપણા પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યની નોંધ કોઇક તો જરૂર લેતું હોય છે. આ કુદરતી ન્યાય મુજબ મને મારા આશ્ચર્ય વચ્ચે  બોલિવુડના પ્રયોગશીલ અને મજેદાર નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખા (૨૦૧૮) ફિલ્મની ઓફર મળી. હું તો રાજીના રેડ થઇ ગઇ. મેં  આ ફિલ્મના મારા પાત્ર માટે ચાર-પાંચ રાઉન્ડનાં ઓડિશન પણ આપ્યાં. મારે મારી અભિનય પ્રતિભા પુરવાર કરવી પડી. મને ગમ્યું. મેં બોલિવુડમાં પ્રવેશ મેળવવા, સ્થિર થવા, સફળતા મેળવવા માટે મક્કમ નિરધાર કર્યો હતો. વળી, મને મારા આત્મવિશ્વાસ પર ભારી ભરોસો પણ હતો અને છે પણ ખરો. 

બોલિવુડમાં તો એવી ચર્ચા પણ ફરતી  હતી કે પટાખા  ફિલ્મ માટે રાધિકા મદાનને તેના ચહેરાની ચહેરાનાં અમુક અંગની સર્જરી કરાવવાનું કહેવામાં  આવ્યું હતું. 

પટાખા  ફિલ્મમાં ચંપા બડકી  કુમારીનું વિશિષ્ટ પાત્ર ભજવનારી રાધિકા મદાન કહે છે, મેં મારી આ પડકારરૂપ અને નવતર ભૂમિકા માટે બહુ મહેનત કરી હતી. ઉદાહરણરૂપે મેં રાજસ્થાની ભાષા, તેની રીત, લહેકા, ગામડાંમાં કેમ રહેવું, દૂરના અંતરે  પીવાનું પાણી ભરવા જવું, પાણી ભરેલાં બેડાં કાખમાં રાખીને કઇ રીતે ચાલવું, ગાય, ભેંસ-બકરાંને કેમ સાચવવાં, ગાય-ભેંસને કેમ દોહવી, છાણાં કઇ રીતે  બનાવવાં વગેરેનો  પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.  

સાસ, બહુ ઔર ફ્લેમિંગો વેબ શોમાં બોલિવુડની સિનિયર અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે અને અંગ્રેજી મિડિયમ ફિલ્મમાં ઇરફાન ખાન સાથેકામ કરવાના અનુભવ વિશે રાધિકા કહે છે, મને  આ બંને  ઉમદા  કલાકારો પાસેથી ઘણું ઘણું શીખવા-જાણવા મળ્યું છે.  નેશનલ એવોર્ડ વિજેતા ડિમ્પલ કાપડિયા ઘણાં સિનિયર હોવા છતાં તેમના સતત કંઇક નવું શીખતાં રહેવાના સદગુણથી હું  ખરેખર પ્રભાવિત થઇ  છું. સાથોસાથ ભારોભાર પ્રતિભાશાળી અદાકાર ઇરફાન ખાન પણ  જાણે  કે શાળાના વિદ્યાર્થી હોય તેમ દિગ્દર્શક પાસેથી સતત નવી વાત શીખતા રહેતા. આ બંને કલાકારો પ્રતિભાશાળી અને ઘણા સિનિયર હોવા છતાં તેમનામાં નમ્રતા અને પ્રામાણિકતાનો  અનુભવ કર્યો.  હું તો મારી જાતને બહુ બહુ નસીબદાર માનું છું કે મને ડિમ્પલ મેમ અને ઇરફાન સર જેવાં મહાન કલાકારો સાથે અભિનય કરવાની યાદગાર તક મળી.  


Google NewsGoogle News