રાધિકા આપ્ટે ઉત્તમ અદાકારા હોવા છતાં ફિલ્મ ઉદ્યોગમાં ભેદભાવનો ભોગ બની
- 'ફિલ્મ ઉદ્યોગની કેટલીક એવી હસ્તીઓ નવા કલાકારોને ઉતારી પાડે છે. દરેક કલાકાર કંઈક નવું લાવે છે. બધા જ કલાકાર સુપરસ્ટાર નથી હોતા. પ્રત્યેક કલાકારનું આગવું મહત્ત્વ હોય છે.'
ઓન-સ્ક્રીન પાત્રોના જીવંત ચિત્રણ માટે જાણીતી ટેલેન્ટ પાવરહાઉસ રાધિકા આપ્ટે કહે છે કે એ ખુદને સ્ક્રીન પરનાં પાત્રોથી અલગ કરવામાં પાવરધી બની ગઈ છે. એક સમયે ઓટીટીની પોસ્ટર ગર્લ ગણાતી રાધિકા આપ્ટે ખાસ કરીને નેટફ્લિક્સના લગભગ તમામ પ્રોજેક્ટમાં દેખાતી અને તેની રોલની પસંદગીની પણ પ્રશંસા થતી. એના પ્રોજેક્ટ એટલા હિટ થયા કે તેને ઓટીટી પર લકી ગણવામાં આવી. સર્જકોની માન્યતા બની કે રાધિકાને પ્રોજેક્ટમાં સામેલ કરવાથી દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે. રાધિકાને પણ આવી વાતથી ખુશી થાય છે. જોકે રાધિકા માને છે કે ફિલ્મ હોય કે સિરીઝ, કોઈ એક વ્યક્તિ ફિલ્મની સફળતાની ખાતરી ન આપી શકે. રાધિકા આ બાબતે વિવાદમાં ઉતરવા તૈયાર નથી, પણ તે ઉમેરે છે કે કેટલાક ઉત્તમ પ્રોજેક્ટમાં તેને ઉદ્યોગના શ્રેષ્ઠ ટેલેન્ટ સાથે કામ કરવાની તક મળવાની ખુશી છે.
સ્પષ્ટવક્તા તરીકે ઓળખાતી રાધિકા છેલ્લે હિટ સિરીઝ 'મેઇડ ઈન હેવન'માં દલિત કન્યાનું પાત્ર ભજવવાથી સમાચારમાં ઝળકી હતી. આ પાત્ર સ્વાભિમાની છે અને પોતાના લગ્નમાં બૌદ્ધ વિધિનો આગ્રહ રાખે છે. રાધિકા કહે છે કે આ પાત્ર ભજવીને તેને ઘણુ શીખવા મળ્યું છે.
આ સિરીઝથી પ્રથમ વાર ટીવી પર દલિત લગ્ન વિધિ જોવા મળી હતી. રાધિકા માને છે કે આવું દર્શાવવા પાછળ તેનો કોઈ વિશેષ હેતુ નહોતો, પણ દિગ્દર્શક નીરજ ઘાયવાન દલિતોના જીવન વિશે ઘણું જાણે છે અને તેઓ દલિતોનાં જીવનની ઝીણી ઝીણી વાતો રજૂ કરવા ઈચ્છતા હતા. આથી રાધિકાએ પાત્રની તૈયારી તરીકે તેમનું જીવન સમજવાનો ભરપૂર પ્રયાસ કર્યો. જોકે લગ્નનો સીન રાધિકા માટે પણ આશ્ચર્યકારક હતો. રાધિકાએ અગાઉ ક્યારે પણ બૌદ્ધ લગ્ન નહોતાં જોયાં અને તેના વિશે કોઈ જાણકારી પણ નહોતી.
રાધિકા કહે છે કે એ ખાસ ધાર્મિક નથી. પોેતે કથિત ઉચ્ચ વર્ણમાંથી આવતી હોવાથી તેણે કોઈ જાતિ ભેદભાવનો સામનો નથી કરવો પડયો. આથી તેને દલિત જીવન વિશે કોઈ જાણકારી નહોતી. છતાં ભેદભાવ વિશે તેને જાણકારી હતી, પણ અશ્યામ વર્ણની હોવાથી તેણે જરુર ભેદભાવનો સામનો કરવો પડયો હતો. આથી જ તેના ચિત્રણમાં વાસ્તિવક્તા ઝલકતી હતી. જ્યારે આ એપિસોડ પ્રદર્શિત થયો ત્યારે દર્શકો પણ કહી ઉઠયા કે દલિતનું આવું સચોટ ચિત્રણ તેમણે પહેલી જ વાર જોયું છે. રાધિકા કહે છે કે આ એપિસોડ સ્ટ્રીમ થયા પછી એને એટલા મેસેજ મળ્યા કે તે પણ અવાક્ થઈ ગઈ અને તેને પોતાના રોલ અને ચિત્રણની ગંભીરતાનો અહેસાસ થયો. છતાં રાધિકા માને છે કે તે કોઈ સામાજિક કાર્યકર નથી અને એક એક્ટર તરીકે અવનવાં પાત્રો ભજવવા ઈચ્છે છે. તેને માત્ર સામાજિક મુદ્દા વિશેના રોલ કરવા ઉચિત નથી લાગતા. સ્ક્રિપ્ટ માટે રાધિકા દિગ્દર્શક, પાત્ર અને કથામાં રહેલા પાત્રના મહત્ત્વ પર વધુ ધ્યાન આપે છે.
રાધિકાએ તમામ પ્રોજેક્ટમાં મોટાભાગે ગંભીર પાત્રો ભજવ્યાં છે, પણ તે આવા પાત્રોમાંથી પોતાને જલ્દીથી અલગ કરી નાખે છે. તે પાત્રોમાંથી અને પોતાને મળતા લોકો પાસેથી શીખવા પર ધ્યાન જરૂર આપે છે, પણ પોતાના વ્યક્તિત્વને તેનાથી અલગ જ રાખે છે. પોતે સ્પષ્ટવક્તા હોવાના આરોપને રાધિકા નકારતા કહે છે કે તેની કોઈપણ કલાકાર સાથે સરખામણી કરવાનો કોઈને અધિકાર નથી. મારુ ભાવિ સારું છે કે ખરાબ તેની ધારણા બાંધવાનો કોઈને હક્ક નથી. મારુ સ્વતંત્ર અસ્તિત્વ છે. ફિલ્મ ઉદ્યોગની કેટલીક એવી હસ્તીઓ છે જે નવા કલાકારોને ઉતારી પાડે છે, તેમની સરખામણી અગ્રણી કલાકારો સાથે કરે છે. હું આવી વાતોની વિરોધી છું. દરેક કલાકાર કંઈક નવું લાવે છે. બધા જ કલાકાર સુપરસ્ટાર નથી હોતા, પણ પ્રત્યેક કલાકારનું આગવું મહત્ત્વ હોય છે.
રાધિકા પાત્રોની પસંદગી સમયે માધ્યમ પર ખાસ ધ્યાન નથી આપતી. તેના મતે કલાકાર માટે માધ્યમનો કોઈ વિશેષ ફરક નથી પડતો. પોતાના સૌથી મનપસંદ પ્રોજેક્ટમાં રાધિકા તાજેતરમાં રજૂ થયેલા 'કોહરા'ને સ્થાન આપે છે. રાધિકા પોતાના આગામી બ્રિટિશ ફિલ્મ 'સિસ્ટમ મિડનાઈટ' માટે પણ એટલી જ ઉત્સાહિત છે. ઉપરાંત તે એક અમેરિકન ફિલ્મ પણ કરી રહી છે. મનિષ મલ્હોત્રા સાથે એક હિન્દી ફિલ્મ પણ રાધિકા માટે મહત્ત્વની છે.